ગુજરાતના વિશ્વવિખ્યાત તીર્થસ્થાન અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે વિવાદ છેડાયો છે. અંબાજી મંદિરમાં છેલ્લાં 50 વર્ષથી દરરોજ એક જ પ્રકારનો મોહનથાળ પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓમાં વહેંચાતો હતો. આ સ્વાદિષ્ટ મોહનથાળ અંબાજી મંદિરની ઓળખ હતો. પરંતુ હવે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટના આ નિર્ણયથી કરોડો શ્રદ્ધાળુઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. બનાસકાંઠા જીલ્લાના દાંતાના વિધાનસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ ટ્રસ્ટના આ નિર્ણય અંગે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પરપરાગત પ્રસાદ મોહનથાળને ચાલુ રાખવા અપીલ કરી હતી.
અંબાજી ગામમા આવેલ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ કરાયો છે. તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. ગામ લોકો રાત્રે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ ચીમકી આપી કે, અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે અમે તમામ પ્રકારે વિરોધ નોંધાવીશું.
અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે દર્શનાર્થીઓને હવેથી મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવશે. આ નિર્ણય લેવા પાછળ કારણ આપતા ટ્રસ્ટે કહ્યું કે ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ત્રણ માસ સુધી પણ ચાલી શકે જયારે મોહનથાળ અમુક દિવસોમાં બગડી જાય છે.
ટ્રસ્ટના કહ્યા પ્રમાણે દર્શનાર્થીઓ તરફથી સૂકા પ્રસાદની ઘણી રજૂઆતો મળી હતી અને લોકોના મંતવ્યો બાદ જ નિર્ણય કરાયો છે. સોમનાથ અને તિરૂપતિ મંદિર સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે. હવે અંબાજી મંદિરનો સુકો પ્રસાદ ચીકીના રૂપ દેશ અને વિદેશમાં પણ જશે. ચીકી માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ પણ ચાલુ છે.
અંબાજી મંદિરમાં મોહનથાળના અમુક પેકેટનો જ સ્ટોક બચ્યો છે. પ્રસાદ બનાવતી એન્જસીને નવો પ્રસાદ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો નથી. હવે ભક્તોને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ મળશે કે કેમ તે બાબતે આશંકાઓ છે.