રંગીન ઝમાને -રાજેશ યાજ્ઞિક
ગયા અંકે આપણે હિન્દી ફિલ્મોમાં જોડીઓમાં કામ કરનારા કેટલાક ગુજરાતી સંગીતકારો વિશે જાણ્યું. આજે વ્યક્તિગત રીતે સંગીતની દુનિયામાં પોતાનું સ્થાન બનાવનાર દિગ્ગજ ગુજરાતી સંગીતકારો વિશે જાણીએ.
દિલીપ ધોળકિયા
ગુજરાતીઓને પૂછીએ કે ડી. દિલીપને ઓળખો છો? અથવા દિલીપ રાયને? તો જવાબ કદાચ ના હોઈ શકે, સિવાયકે સંગીતના સાગરમાં ડૂબેલો જીવ હોય. પણ દિલીપ ધોળકિયાનું નામ લઈએ તો એકેએક ગુજરાતીના ચહેરા ઉપર સ્મિત આવી જાય.
નરસિંહ મહેતાના જૂનાગઢની ધરતીના દિલીપ ધોળકિયા હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે અજાણ્યું નામ નથી. પણ તેમની પ્રતિભાને અનુરૂપ ખ્યાતિ તેમને ન મળી તે હકીકત છે. તેમના પિતા ભોગીલાલ સારા વાંસળીવાદક હતા. તેમના દાદા મણિશંકર જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભજન ગાતાં. દિલીપભાઈ પણ તેમની સાથે જતાં. દાદા અને પિતાની પ્રેરણાથી તેમને સંગીત વાદ્યોનો પરિચય થયો. તેઓ વાંસળી અને પખાવજ વગાડતા શીખ્યા. સ્નાતક થઈને તેઓ ૧૯૪૨માં મુંબઈ આવ્યા. શરૂઆતમાં તેમણે બોમ્બે સ્ટેટના ગૃહ વિભાગમાં બે વર્ષ કારકુન અને એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. તેમણે એ જ બિલ્ડિંગમાં કામ કર્યું જ્યાં ઓલ ઈન્ડિયા રેડિયો પણ હતું. બાદમાં આકાશવાણી દ્વારા તેમની એક કલાકાર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
તેમની સંગીત કારકિર્દીની શરૂઆત હકીકતમાં તો ગાયક તરીકે થઇ. ખેમચંદ પ્રકાશે તેમની પ્રતિભાની નોંધ લીધી અને તેમને તેમના ભાઈ રતનલાલે હિન્દી ફિલ્મ કિસ્મતવાલા (૧૯૪૪)માં ગીત ઓફર કર્યું. એ ફિલ્મ માટે આખરે તેમણે ત્રણ ગીતો ગાયાં, ત્યાર પછી ભંવરા (૧૯૪૪)માં કોરસમાં, ૧૯૪૬માં ફિલ્મ લાજ માટે ગાયું હતું. બાદમાં તેમણે ચિત્રગુપ્તને મદદ કરી અને ભક્ત પુંડલિકમાં ગાયું. તેમણે તેમની સાથે ૧૯૫૧ થી ૧૯૭૨ સુધી કામ કર્યું અને ઘણી ફિલ્મોમાં યોગદાન આપ્યું; ઈન્સાફ, કિસ્મત, જીંદગી કે મેલે, ભાભી, કાલી ટોપી લાલ રૂમાલ. તેમણે એસ.એન. ત્રિપાઠીના સંગીત મદદનીશ તરીકે પણ કામ કર્યું. સ્વાભાવિક છે કે દિલીપભાઈની સંગીતની ઊંડી સમજનો ફાયદો એ સંગીતકારોને મળ્યો.
ટૂંક સમયમાં જ તેણે હિન્દી અને ગુજરાતી ફિલ્મો માટે સ્વતંત્ર રીતે ગીતો અને સંગીત કંપોઝ કરવાનું શરૂ કર્યું અને પોતાની નવી ઓળખ તરીકે ડી. દિલીપ નામ પસંદ કર્યું. તેમણે ઘણી હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું; ભક્તમહિમા (૧૯૬૦), સૌગંધ (૧૯૬૧), બગદાદ કી રાતે (૧૯૬૨), તીન ઉસ્તાદ (૧૯૬૧) અને ખાનગી સચિવ (૧૯૬૨), દગાબાઝ (૧૯૭૦), વીર ઘટોત્કચ (૧૯૭૦) અને માતા વૈષ્ણવી દેવી. કેટલીક ફિલ્મોમાં તેમને દિલીપ રોય તરીકે શ્રેય આપવામાં આવ્યો હતો. દિલીપ ભાઈએ ભોજપુરી ફિલ્મ ડાકુ રાની ગંગા (૧૯૭૭)નું સંગીત પણ કંપોઝ કર્યું હતું.
પણ દિલીપભાઈની ઓળખ એસ.એન. ત્રિપાઠી અને ચિત્રગુપ્તના મદદનીશ સંગીતકાર તરીકે જ વધુ રહી. તેમની પ્રતિભાને હિન્દી ફિલ્મોમાં સ્વતંત્ર રીતે એટલો ન્યાય ન મળ્યો. તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને હૃદયનાથ મંગેશકર સાથે પણ કામ કર્યું હતું. પણ ગુજરાતી ફિલ્મોમાં તેમણે ડંકો વગાડ્યો! હિન્દી ફિલ્મોના બધાંજ દિગ્ગજ ગાયકોએ તેમના માટે ગુજરાતી ફિલ્મોમાં ગાયું એ તેમની કાબેલિયત અને સંગીતજ્ઞોમાં તેમનું સમ્માન પણ દર્શાવે છે.
અવિનાશ વ્યાસ
બહુમુખી પ્રતિભાના ધણી અવિનાશ વ્યાસ ગાયક, ગીતકાર અને સંગીતકાર બધા ક્ષેત્રે નિપૂણ હતા. અવિનાશભાઈનો જો ટૂંકમાં પરિચય આપવો હોય તો એટલું જ જણાવવું પૂરતું છે કે એમણે ૧૯૦ હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં ૧૨૦૦થી વધુ ગીતો માટે સંગીત આપ્યું. અને બિન ફિલ્મી ગીતો સહિતના ગીતોની રચના ગણીએ તો તેમણે ૧૦,૦૦૦થી વધુ ગીતો લખ્યાં છે.
તેમણે સંગીતની તાલીમ દિગ્ગજ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સાહેબ પાસેથી લીધી હતી. તેમની સંગીત કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમણે એ. આર. કુરેશી સાથે કામ કર્યું જેઓ પાછળથી ઉસ્તાદ
અલ્લારખ્ખા તરીકે પ્રખ્યાત થયા. સંગીત નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ ‘મહાસતી અનસૂયા’માં તેઓ એ. આર. કુરેશી સાથે મળીને સંગીત આપ્યું હતું. વર્ષ હતું ૧૯૪૩નું. ત્યારથી લઈને તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું. ‘આધી રોટી’, ‘હરહર મહાદેવ’, ‘અધિકાર’, ‘અંધેર નગરી ચૌપટ રાજા’, ‘ભક્ત રાજ’,‘રાજરાણી દમયંતી’, ‘કૈલાસપતિ’ વગેરે. તેમણે કુલ લગભગ ૬૨ હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. ક્યાંક આખી ફિલ્મ ક્યાંક કેટલાક ગીતો. એક ફિલ્મ સમીક્ષકે અવિનાશ ભાઈની પ્રતિભા વિશે વાત કરતાં લખ્યું હતું કે આંકડાની દૃષ્ટિએ અવિનાશ વ્યાસના સમકાલીનો સાથે સરખામણી કરીએ ત્યારે સમજાય કે હિન્દી ફિલ્મોમાં તેમનું યોગદાન કેટલું જબરજસ્ત હતું. તેમણે ઉદાહરણો પણ ગણાવ્યા, જે ખરેખર રસપ્રદ છે. ખય્યામ (લગભગ ૪૦ ફિલ્મો), રોશન (લગભગ ૫૭ ફિલ્મો), સલિલ ચૌધરી (લગભગ ૭૦ ફિલ્મો) અને નૌશાદ (લગભગ ૬૫ ફિલ્મો). આપણને પ્રશ્ન થાય કે તેમ છતાં આ બધા બહુ નામના કમાયેલા સંગીતકારોની હરોળમાં આપણા અવિનાશભાઈ કેમ નહીં?! સવાલ વ્યાજબી પણ છે.
તેમને મળેલી ફિલ્મો જોઈએ તો જણાય કે મોટેભાગે લોકોને ટાઇપકાસ્ટ કરતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવિનાશભાઈ ઉપર જાણે ધાર્મિક-સામાજિક ફિલ્મોના સંગીતકારનું લેબલ લાગી ગયું હતું. ઓછા બજેટની આ ફિલ્મો માટે મુખ્યધારાના સફળ ગાયકોને પણ અવિનાશભાઈ બહુ ઓછા ગીતો આપી શક્યા તે પણ જણાય છે. જોકે મોકો મળ્યો ત્યારે રફી, આશા, મન્ના ડે, કિશોરકુમાર વગેરે પાસે ગીતો ગવડાવ્યાં પણ છે. તેની સામે અન્ય સંગીતકારોને ખમતીધર નિર્માતાઓની, સેલેબલ કલાકારો વાળી ફિલ્મો મળી, જેને કારણે તેઓ છૂટથી પોતાની મરજી મુજબનું સંગીત પીરસી શક્યા. અફસોસ, નિર્માતાઓએ પ્રતિભાશાળી અવિનાશભાઈ ઉપર એટલો ભરોસો ન બતાવ્યો.
ગુજરાતી ફિલ્મોમાં અવિનાશ ભાઈએ તેની કસર કાઢી છે. દિલીપભાઈની જેમ અવિનાશભાઈએ પણ દરેક સફળ હિન્દી ફિલ્મના ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં અને લોકજીભે રમતા કર્યા. ગુજરાતીઓના હૃદય પર અવિનાશી નામ મૂકીને ૧૯૮૪માં તેમણે દુનિયાથી વિદાય લીધી.
વનરાજ ભાટિયા
નામમાં રહેલી અટક જ જણાવી દે છે કે તેઓ કચ્છી ભાટિયા હતા. કચ્છી પરિવારમાં સામાન્ય રીતે જોવા મળે તેમ, તેમના પિતા પણ વેપારી હતા. વનરાજભાઈનો જન્મ ૩૧ મે, ૧૯૨૭માં થયેલો. મુંબઈની આજે પણ બહુ જાણીતી એવી ન્યુ એરા હાઈસ્કૂલમાં તેમનું શિક્ષણ. સ્કૂલમાં ભારતીય શાીય સંગીત શીખવાતું, કુલકર્ણી સાહેબ ત્યાં સંગીત શિક્ષક. એટલે બાળપણમાં શાીય સંગીતનો પાયો નંખાયો. એ ઉપરાંત દેવધર સ્કૂલ ઓફ મ્યુઝિકમાં બે વર્ષ તેઓ શાીય સંગીત શીખ્યા. પણ સંગીત શિક્ષક કુલકર્ણી સાહેબના અવસાન બાદ ખાલી પડેલી જગ્યાએ બીજા વિશ્વયુદ્ધને કારણે સિંગાપુરથી ભારત આવેલા મિસ યેઓહ નિમાયા. તેમને કારણે વનરાજભાઈને પશ્ર્ચિમી શાીય સંગીતનો પરિચય મળ્યો. કહેવાય છે કે તેમણે રશિયન સંગીતકાર પ્યોટર ઇલિચ ચાઇકોવ્સ્કીની પિયાનો કોન્સર્ટ નંબર ૧ સાંભળ્યું ત્યારથી તેમની પિયાનો અને પશ્ર્ચિમી સંગીતમાં રુચિ વધી. તે પછી તો બાળરોગ નિષ્ણાત, પણ પિયાનોમાં નિપૂણ એવા માનિક ભગત નામના ડોક્ટર પાસે ચાર વર્ષ બાકાયદા પિયાનોની તાલીમ લીધી. તેમની સંગીતની રુચિ ખીલતી અને ખુલતી ગઈ. સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ, સંગીતના વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડની રોયલ એકેડેમી ઑફ મ્યુઝિક જવા માગતા હતા. પણ પરિવારનો વિરોધ હતો. પણ તેમના પિતાને વનરાજની રુચિ પ્રત્યે કૂણી લાગણી હતી. એટલે પિતાએ શરત મૂકી કે છ મહિનામાં સ્કોલરશીપ ન મળે તો ખર્ચા-પાણી બંધ. વનરાજભાઈને પોતાની પ્રતિભાના જોરે ત્રણ મહિનામાં સ્કોલરશીપ મળી અને પછી તો ક્યારેય પાછું વાળીને જોવાનો વારો જ ન આવ્યો. એક પછી એક સ્કોલરશિપને જોરે પહેલા રોયલ એકેડેમી ઑફ મ્યુઝિક અને પછી નાદિયા બૌલેન્ગરની પેરિસ ક્ધઝર્વેટરીમાં સંગીત શીખ્યા.
સંગીતનું શિક્ષણ પૂરું કરીને વનરાજભાઈ ૧૯૫૯માં ભારત પાછા ફર્યા. થોડો સમય તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવવાનું કામ કર્યું અને તેમને પહેલું સંગીતકાર તરીકે કામ મળ્યું તે શક્તિ સિલ્ક સાડીની જાહેર ખબર માટે મ્યુઝિક આપવાનું. આ રીતે જાહેર ખબર માટે મ્યુઝિક આપનારા તેઓ ભારતમાં પહેલા સંગીતકાર બન્યા. એ પછી તો તેમણે લિરિલ, ગાર્ડન વરેલી અને ડ્યુલક્સ જેવી ૭,૦૦૦ થી વધુ જિંગલ્સ કંપોઝ કરી.
તેમણે નાટકો માટે પણ સંગીત આપવાનું શરૂ કર્યું. ભારતીય રંગમંચના લબ્ધપ્રતિષ્ઠિત ઇબ્રાહિમ અલ્કાઝી સાથે તેમની રચનાત્મક ભાગીદારી બહુ સફળ અને જાણીતી બની. દરમ્યાન તેઓ શ્યામ બેનેગલ, જેઓ પણ જાહેર ખબરો અને દસ્તાવેજી ફિલ્મો બનાવતા, તેમના પરિચયમાં આવીને, તેમના માટે પણ સંગીત આપ્યું.
સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાની પ્રથમ ફિચર ફિલ્મ હતી શ્યામ બેનેગલ દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ અંકુર (૧૯૭૪). પછી તો વનરાજભાઈ અને શ્યામબાબુની જાણે જુગલબંદી જ થઇ ગઈ. તેમણે મંથન (૧૯૭૬) ફિલ્મના ગીત “મેરો ગામ કાંઠા પારે સહિત બેનેગલના લગભગ તમામ કામો કર્યા હતા. ભાટિયાએ મુખ્યત્વે ભારતીય ન્યુ વેવ ચળવળમાં ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું હતું, જેમ કે ગોવિંદ નિહલાની તમસ,(વનરાજભાઈને શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આ ફિલ્મ માટે મળ્યો.), કુંદન શાહ (જાને ભી દો યારો), અપર્ણા સેન (૩૬ ચૌરંઘી લેન), સઈદ અખ્તર મિર્ઝા (મોહન જોશી હાઝિર હો!), કુમાર શહાની (તરંગ), વિધુ વિનોદ ચોપરા (ખામોશ), વિજયા મહેતા (પેસ્ટનજી) અને પ્રકાશ ઝા (હિપ હિપ હુર્રે).
તેમણે ખાનદાન, યાત્રા, વાગલે કી દુનિયા, બનેગી અપની બાત અને જવાહરલાલ નેહરુની ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પર આધારિત ૫૩-એપિસોડની ભારત એક ખોજ જેવા ટેલિવિઝન શો તેમજ અસંખ્ય દસ્તાવેજી માટે કામ કર્યું છે. તેમણે મ્યુઝિક ટુડે લેબલ પર આધ્યાત્મિક સંગીતના આલ્બમ્સ પણ બહાર પાડ્યા છે, અને તે ઉપરાંત ઓસાકાના એક્સ્પો ’૭૦, અને એશિયા ૧૯૭૨, નવી દિલ્હી જેવા વેપાર મેળાઓ માટે સંગીત તૈયાર કર્યું છે.
ભારતીય ફિલ્મ સંગીતમાં હિન્દુસ્તાની સાથે પાશ્ચાત્ય સંગીતના સમન્વય માટે આપણે કલ્યાણજી-આણંદજી, લક્ષ્મી-પ્યારે, આર. ડી. બર્મન, થી લઈને એ. આર. રહેમાન સુધીના જેટલા પણ સંગીતકારોને યાદ કરીએ છીએ તેમાં વનરાજભાઈનું યોગદાન અચૂક યાદ કરવું જ પડે.
અફસોસ એ વાતનો કે અવિનાશભાઈ અને દિલીપભાઈની જેમ આ પ્રતિભાશાળી, પ્રયોગશીલ અને નાવીન્યથી ભરપૂર ગુજરાતી સંગીતકારની પણ મેઈન સ્ટ્રીમ હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં બહુ ઓછી કદર થઇ. શ્યામ બેનેગલ કહે છે, “એ અત્યંત પ્રતિભાશાળી હતા, પંરતુ તેમની સરખી કદર થઈ નથી. વનરાજભાઈ પાસે કોઈએ આ મુદ્દો છેડ્યો, તો તેમણે કહ્યું હતું, “મને આ બધી બાબતોનો પડી નથી. કદાચ એટલે જ વૃદ્ધાવસ્થા માટે તેમની પાસે કોઈ બચત નહોતી. મે ૨૦૨૧માં તેમનું મૃત્યુ થયું.
તેમના અંતિમ દિવસોમાં વનરાજ ભાટિયા ગરીબી અને શારીરિક મુશ્કેલીઓ વચ્ચે જીવ્યા. ઍક્ટર કબીર બેદીએ તેમની મુલાકાત લીધી હતી ત્યારે વનરાજ ભાટિયાએ તેમને કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી, ઘરની ચીજો વેચીને ગુજરાન ચલાવે છે. વિચાર આવે છે કે આવા બહુમુખી પ્રતિભા ધરાવતા સંગીતકારોને જો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મન મૂકીને મોકો આપ્યો હોત, તો કોઈ ગીત માટે પહેલો ઓસ્કાર મેળવવા કદાચ ૨૦૦૮ સુધી રાહ ન જોવી પડી હોત.