Homeવેપાર વાણિજ્યઘટ્યા મથાળેથી સોનામાં જ્વેલરો અને લગ્નસરાની ગ્રાહકલક્ષી માગ ખૂલી, ડિસ્કાઉન્ટ ઘટીને ૧૮...

ઘટ્યા મથાળેથી સોનામાં જ્વેલરો અને લગ્નસરાની ગ્રાહકલક્ષી માગ ખૂલી, ડિસ્કાઉન્ટ ઘટીને ૧૮ ડૉલર

કોમોડિટી – રમેશ ગોહિલ

રોકાણકારોની નજર ફેડરલની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર
અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને ડામવા માટે હજુ થોડો વધુ સમય વ્યાજદરમાં વધારો કરવાનો અભિગમ જાળવી રાખે તેવી શક્યતા સપાટી પર આવતા વીતેલા સપ્તાહે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવતા ભારત સહિતની એશિયન બજારોમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ભાવમાં ઘટાડો થવાથી સ્થાનિકમાં ખાસ કરીને રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નીકળી હતી. તેમ જ માગને ટેકે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૪૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ ૧૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
મુંબઈ સ્થિત એક હૉલસેલરે જણાવ્યું હતું કે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રના પ્રસ્તાવોમાં નાણાં પ્રધાન સોનાની આયાત જકાતમાં ઘટાડો કરશે અને ભાવમાં પીછેહઠ જોવા મળશે એવો આશાવાદ સ્થાનિક જ્વેલરી ઉદ્યોગ રાખી રહ્યો હોવાથી ગત જાન્યુઆરી મહિનાથી જ્વેલરી ઉત્પાદકોએ નવી ખરીદી પર બ્રેક મારી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની આ આશા ફળીભૂત ન થવાની સાથે ગત સપ્તાહે ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સ્થાનિકમાં સોનાની માગમાં વધારો થયો હતો અને તેમાં રિટેલ સ્તરની લગ્નસરાની માગનો ટેકો પણ મળ્યો હતો. દરમિયાન ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. ૫૭,૦૬૦ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને રૂ. ૫૭,૦૪૬ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૬,૧૭૫ અને ઉપરમાં રૂ. ૫૭,૦૬૦ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧.૫૫ ટકા અથવા તો રૂ. ૮૮૫ના ઘટાડા સાથે સપ્તાહની નીચી રૂ. ૫૬,૧૭૫ની સપાટીએ જ બંધ રહ્યા હતા.
વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ઘટ્યા મથાળેથી માગ ખૂલતા સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે ઔંસદીઠ ૧૦થી ૧૫ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે પ્રીમિયમ ઔંસદીઠ ૧૨થી ૧૫ ડૉલર આસપાસના સ્તરે રહ્યા હતા. જોકે, ચીનમાં ગ્રાહકલક્ષી માગ ઉપરાંત પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની ગબડતા ચલણ રેનેમ્બીને અંકુશમાં રાખવા સોનાની અનામતમાં વધારો કરવા માટેની ખરીદી વ્યાપક રહી હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત જાન્યુઆરીના અંતે ચીનની સોનાની અનામતનું મૂલ્ય ડિસેમ્બરના અંતના ૧૧૭.૨૪ અબજ ડૉલર સામે વધીને ૧૨૫.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહ્યું હતું. તેમ જ વર્ષ ૨૦૨૨માં ચીને તેની સોનાની અનામતમાં ૧૧૩૬ ટનનો વધારો કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ જાળવે તેવી શક્યતા પ્રબળ બનતા ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ અંદાજે બે ટકા જેટલાં ઘટાડા સાથે જાન્યુઆરી પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકાના રિટેલ વેચાણના ડેટા મજબૂત આવવાની સાથે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા અંગે આક્રમક વલણ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી રહેતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં વ્યાજદરમાં વધારાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેતાં સોનાની સલામતી માટેની માગ ઓસરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત સપ્તાહે ફેડરલના ઘણાં અધિકારીઓએ કહ્યું હતું કે ફેડરલ લક્ષ્યાંકિત ફુગાવો બે ટકા સુધી ઘટશે નહીં ત્યાં સુધી વ્યાજદરમાં વધારા માટે આક્રમક અભિગમ અપનાવશે. આ ઉપરાંત અન્ય બે અધિકારીઓએ આ મહિનાના આરંભે વધારેલા વ્યાજદર કરતાં વધુ વધારો કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. વધુમાં ગત સપ્તાહે અમેરિકામાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં ૦.૭ ટકાનું રિબાઉન્ડ જોવા મળ્યું હતું તેમ જ બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીઓમાં ૧,૯૪,૦૦૦નો ઘટાડો થયો હોવાથી નાણાં બજારના વર્તુળો મે અંત સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારીને પાંચ ટકા કરશે અને શેષ વર્ષ સુધી પાંચ ટકાનો દર જાળવી રાખશે.
હાલ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૨૦ની ટેકાની સપાટીની નજીક પ્રવર્તી રહ્યા છે અને જો આ સપાટી તૂટે તો ઘટીને ઔંસદીઠ ૧૭૮૦ ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે પ્રતિકારક સપાટી ઔંસદીઠ ૧૮૬૦ ડૉલર આસપાસની રહી શકે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિકમાં ઓનલાઈન વાયદા માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ની સપાટી ટેકાની સપાટી અને રૂ. ૫૭,૫૫૦ની સપાટી પ્રતિકારક સપાટી પૂરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૩ ટકાના સુધારા સાથે ૧૮૪૨.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ પૂર્વે ભાવ એક તબક્કે ઘટીને ડિસેમ્બર પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૮૫૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ફેડરલના વ્યાજદરમાં વધારાના આક્રમક અભિગમ હેઠળ સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી રહ્યા છે. ગોલ્ડમેન સાશે વર્ષ ૨૦૨૩માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ત્રણ વખત ૦.૨૫ બેસસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિ વિષયક બેઠકની મિનિટ્સ પર સ્થિર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -