Homeઈન્ટરવલતેજાવતને ગોળીથી ઠાર મારવાનું કાવતરું

તેજાવતને ગોળીથી ઠાર મારવાનું કાવતરું

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૧૬)
મોતીલાલ તેજાવતની સફળતા ઘણાંના ગાલ પર સણસણતો તમાચો હતો. આનાથી ઘણાંના ગરાસ અને આબરૂ લુંટાઈ ગયા હતા. આવા લોકોએ તેજાવતને બદનામ કરવા અને આગળ વધતા રોકવા માટે ગંદકી ફેલાવવાનું શરૂ કર્યું. ઉદયપુરથી તેજાવત મોટા ટોળાને લઈને ઝાડોલમાં લૂંટફાટ મચાવવા આવી રહ્યા છે એવી અફવા દાવાનળની જેમ ફેલાઈ ગઈ. પોલીસ વડા અમરસિંહ રાણાને મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે દોડાવાયા.
પોલીસ ઑફિસર રાણાએ તેજાવતને બોલાવવા માટે કાસદ મોકલાવ્યાં, પરંતુ મોતીલાલના આદિવાસી સાથીઓને શંકા ગઈ અને તેમણે જોખમ ન ઉઠાવવાનું મુનાસિબ માન્યું, પરંતુ તેજાવતજીએ રાણાને સંદેશો મોકલાવ્યો કે કોઈ પણ જાતનું શસ્ત્ર રાખ્યા વગર આપ મને મળવા આવી શકો છો.
અને અમરસિંહ રાણાના આગમન બાદ આદિવાસીઓની તલાશી લીધી. કદાચ દાયકાઓમાં આવું પહેલીવાર બની રહ્યું હતું. નહીંતર વર્દીવાળાથી આદિવાસીઓ ડરે કાં નફરત કરે. રાણા નિ:શસ્ત્ર આવ્યા હોવાથી તેમને આગળ જવા દેવાયા. તેજાવતે વિનમ્રતા છતાં મક્કમતા સાથે રાણાને કહી દીધું કે અમે લૂંટારા નથી, એ માત્ર અફવા છે. મારી સાથે બધા આદિવાસીઓ છે અને બધા નિ:શસ્ત્ર છે. અમરસિંહ રાણાને ખાતરી થઈ અને તેઓ નચિંતપણે પાછા ફર્યા.
હવે મોતીલાલ તેજાવત આદિવાસીઓ અને ભીલોને ન્યાય અને સમાનતા અપાવવા સતત ફરતા રહ્યા. કોઈ એક સ્થળે ઝાઝું રોકાવાને બદલે તેઓ સાથીઓને લઈને ભ્રમણ કરતા રહ્યા. આમ કરવા પાછળનું એક કારણ એ પણ ખરું કે તેજાવતના સરનામા વિશે કોઈને ખબર ન પડે. માત્ર આદિવાસીઓ જ જાણે કે તેમના નેતા કયાં છે. સલામતીનાં કારણોસર આમ કરવું અનિવાર્ય પણ હતું.
આમે ય મોતીલાલ તેજાવતને આદિવાસીઓ સાથે, તેમની વચ્ચે રહેવું હતું. તેમના દુ:ખ-દર્દ જાણવા-સમજવા હતા. આ પ્રક્રિયામાં નિરંતર ભ્રમણથી તેઓ આદિવાસીઓના હૃદયમાં માનપૂર્વકનું સ્થાન પણ જમાવી શક્યા. તેઓ જાણે કોઈ સાધુ કે સંત હોય એટલો આદર મળવા માંડ્યો. તેઓ આદિવાસીઓના હૃદય-સિંહાસન પર બિરાજમાન અઘોષિત રાજા બની ગયા હતા.
એક તરફ મોતીલાલ તેજાવતને અથાગ પ્રેમ મળી રહ્યો હતો, તો બીજી તરફ તેમના શત્રુઓ જંપીને બેસવા તૈયાર નહોતા. તેમના મન સતત કાવતરામાં રચ્યાપચ્યા રહેતા હતા. તેજાવતની બદનામીથી લઈને નુકસાન પહોંચાડવા સુધીના ખેલ રચાઈ રહ્યા હતા.
પોતાના સેંકડો સાથીઓ સાથે તેજાવત ઝાડોલથી શાંતિપૂર્વક રવાના થઈ ગયા. ન કોઈ ધમાલ થઈ કે ન કોઈ લૂંટફાટ મચી એટલે અફવાબાજોના મોઢા કાળા પડી ગયા. આખી મંડળી ઝાડોલથી ખાકડ ગામ પહોંચી. અહીંના કેટલાંક જાગીરદારોને તેજાવત પર રતિભાર વિશ્ર્વાસ નહોતો. એમના આંદોલન, સાથીઓ અને ઇરાદાઓ વિશેની સાચીખોટી વાતો આ જાગીરદારો સુધી પહોંચી હતી. પોતાના વિસ્તારમાં તેજાવતની ધાક ન જામી જાય એની પણ એમને ફિકર હતી.
ખાકડ ગામમાં ગોળી મારીને મોતીલાલ તેજાવતની હત્યાનું કાવતરું રચાઈ ગયું. સદ્ભાગ્યે અણીના ટાંકણે આદિવાસીઓની નજરે હુમલાખોરો ચડી ગયા. ઉશ્કેરાયેલા સમર્થકોએ પલભરની ય રાહ જોયા વગર બદમાશો પર સામેથી આક્રમણ કરી દીધું. ભારે હોબાળાથી મોટી સંખ્યામાં આદિવાસીઓ-ભીલોની ભીડ એકઠી થઈ ગઈ. આ જોઈને ષડયંત્રકારીઓ જીવ બચાવવા નાસી છૂટ્યા.
આ ઘટનાને પગલે આદિવાસીઓએ નક્કી કર્યું કે હવે મોતીલાલ તેજાવતને ક્યારેય એકલા ન મૂકવા કે એકલા ક્યાંય જવા ન દેવા. દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી ઘટના તેજાવતના જ ગામ કોલ્યારીમાં બની.
કોલ્યારીમાં તેજાવતના જ્ઞાતિબંધુની દીકરીના લગ્ન હતા. આ નિમિત્તે યોજાયેલા ભોજન સમારંભમાં મોતાલાલજીને પણ આમંત્રણ અપાયું હતું, પરંતુ તેમના સલામતી રક્ષકોએ ભારે ભીડભાડવાળા સમારંભમાં તેજાવતને ધરાર જવા ન દીધા. ખૂબ મનાવ્યા બાદ આદિવાસી રક્ષકો કમને તૈયાર થયા પણ એક શરત મૂકી. સમારંભની એક-એક વાનગી પહેલા અંગરક્ષકોએ પોતે ખાધી. એમાં ઝેર મેળવાયું ન હોવાની ખાતરી થયા બાદ જ તેમણે તેજાવતને ભોજન લેવા દીધું.
આમાં માત્ર આદિવાસીઓનો તેજાવતની સલામતી માટેનો ડર દેખાતો નથી પણ પર્યાપ્ત સાવધાની સાથે અથાગ પ્રેમ, નિષ્ઠા અને આત્મીયતા વર્તાઈ આવે છે.
આમેય મોતીલાલ તેજાવતે અન્યાય-અત્યાચાર સામે લડીને આદિવાસીઓને ન્યાય-સમાનતા અપાવવાનો જે યજ્ઞ આદર્યો હતો, એમાં હજી ન જાણે કેટલાંય ગામોને આવરી લેવાના બાકી હતાં. હજી લાખો ભોળાજનોનો વિશ્ર્વાસ મોતીલાલ તેજાવતે જીતવાનો હતો અને એમના મન-મંદિરમાં આરુઢ થવાનું બાકી હતું. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -