કર્ણાટક વિધાનસભાના હોલમાં સાવરકરની તસવીર લગાવવા બાબતે હોબાળો થયો છે. વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કોંગ્રેસના અન્ય વિધાનસભ્યોએ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભ્ય ડીકે શિવકુમારે વિધાનસભા સભાખંડમાં વીર સાવરકરનો ફોટો મૂકવા પર વિરોધ કરતા કહ્યું કે, સત્તાધારી પક્ષ ભાજપ ઈચ્છે છે કે વિધાનસભાની કાર્યવાહી ન થાય.
સરકાર પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું કે શાસક પક્ષ (ભાજપ) વિધાનસભાની કાર્યવાહી ખોરવવા માંગે છે. એટલા માટે જ તેમણે આ ફોટો લગાવ્યો છે, કારણ કે કોંગ્રેસ તેમની સામે ભ્રષ્ટાચારના ઘણા મુદ્દા ઉઠાવવા જઈ રહી છે. તેમની પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી.
વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે કોંગ્રેસના વિધાનસભ્યોએ કર્ણાટક વિધાસભાના હોલમાં વીડી સાવરકરના ફોટોના અનાવરણનો વિરોધ કર્યો હતો. સિદ્ધારમૈયાએ વાલ્મીકિ, બસવન્ના, કનક દાસ, બીઆર આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ઘણા લોકોની તસવીરો લગાવવા અંગે વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો હતો.
કોંગ્રેસનું કહેવું છે કે સાવરકર એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ હતા, તો શા માટે તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકમાં આના કરતા પણ મોટા મુદ્દાઓ છે, પરંતુ તેના પર કોઈ વાત કરવા તૈયાર નથી. અમારી માંગ છે કે કર્ણાટક એસેમ્બલી હોલમાં તમામ રાષ્ટ્રીય નેતાઓ અને સમાજ સુધારકોની તસવીરો પ્રદર્શિત કરવામાં આવે. સ્પીકરે વિધાનસભામાં વીર સાવરકરની તસવીર લગાવવાનો એકતરફી નિર્ણય લીધો છે, જેનો અમે વિરોધ કરીએ છીએ.
આ અંગે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, “સાવરકરનો ફોટો મુક્યો તમને દુઃખ થયું. સિદ્ધારમૈયાને પૂછો કે શું તમે દાઉદ ઈબ્રાહિમનો ફોટો લગાવવા માંગો છો? તેમની સમસ્યા તુષ્ટિકરણની રાજનીતિ છે, જેના કારણે દેશ આજે આ સ્થિતિમાં પહોંચ્યો છે.”