Homeદેશ વિદેશકૉંગ્રેસે ગામડાં તરફ સાવકો વ્યવહાર રાખ્યો: વડા પ્રધાન

કૉંગ્રેસે ગામડાં તરફ સાવકો વ્યવહાર રાખ્યો: વડા પ્રધાન

રેવા (મધ્ય પ્રદેશ): દેશને આઝાદી મળ્યા પછી ગામડાં તરફ સાવકો વ્યવહાર રાખવા અને ગ્રામજનોનો વિશ્ર્વાસ તોડવાનો આરોપ કૉંગ્રેસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન નિમિત્તે મધ્ય પ્રદેશના રેવા ખાતે વિવિધ વિકાસ યોજનાઓનું વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળની સરકારે પરિસ્થિતિ બદલી છે અને પંચાયતોને મબલખ ગ્રાન્ટ્સ આપી છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે આઝાદી મળ્યા બાદ સૌથી લાંબો વખત શાસન કરનારા પક્ષ કૉંગ્રેસના શાસનમાં ગ્રામજનો, ગામડાંમાં શાળાઓ, રસ્તા, વીજપુરવઠો, ભંડારણની સુવિધાઓ (સ્ટોરેજ ફેસિલિટીઝ) વગેરે બાબતોને સરકારની પ્રાથમિકતાઓમાં સાવ તળિયે રાખવામાં આવી હતી. આગલી સરકારો ગામડાં માટે ખર્ચ કરવાનું ટાળતી હતી. ગામડાં વોટ બૅન્ક ન હોવાથી એ ક્ષેત્રની અવગણના કરવામાં આવતી હતી. ઘણા રાજકીય પક્ષો ગ્રામજનોમાં વિખવાદ કરાવી, ભાગલા પાડીને તેમની દુકાનો ચલાવે છે. ગામડાંને થતા એ અન્યાયનો ભારતીય જનતા પક્ષે અંત આણીને સરકારી ખજાનાના દ્વાર ગ્રામવિકાસ માટે ખોલ્યા છે.
વડા પ્રધાને છિંદવાડામાં વિકાસના અભાવનો ઉલ્લેખ કરીને કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ કમલનાથ તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોના વિચારોને લીધે એ વિસ્તારનો વિકાસ થયો નથી. કમલનાથ વર્ષ ૧૯૮૦થી લાંબા વખત સુધી છિંદવાડાના સાંસદ રહ્યા છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કમલનાથના પુત્રનો છિંદવાડા બેઠક પર વિજય થયો હતો. તેથી રાજ્યની તમામ ૨૯ બેઠકો પર ભાજપને ‘ક્લીન સ્વીપ’ મળી નહોતી.
વડા પ્રધાને રેવાના કાર્યક્રમ સાથે ‘વર્ચ્યુઅલી કનેક્ટેડ’ ૩૦ લાખ પંચાયત પ્રતિનિધિઓને પંચાયતી રાજ દિનની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સ્તરના દેશના ખૂણેખૂણાના પ્રતિનિધિઓ જોડાયેલા હોય એ રાષ્ટ્રની લોકશાહીનું શક્તિશાળી ચિત્ર છે. વર્ષ ૨૦૧૪ના ૧૦ વર્ષ પહેલાં એ વખતની સરકારોની મદદથી ૬૦૦૦ પંચાયતોની ઇમારતો બંધાઈ હતી. છેલ્લા આઠ વર્ષમાં ૩૦,૦૦૦ પંચાયતોની નવી ઇમારતો બંધાઈ છે. વર્ષ ૨૦૧૪ પછી પંચાયતોના સશક્તિકરણની કામગીરી પણ સરકારે મોટા પાયે હાથ ધરી છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -