નાગપુર: કોઈની પણ સામે દ્વેષ રાખ્યા વિના સહુનો સમાવેશ કરતા છત્રપતિ શિવાજી મહારાજના હિંદુત્વને કૉંગ્રેસનો ટેકો છે એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાના પટોલેએ કરી હતી. હિંદુત્વના મુદ્દે પોતે કટ્ટર પ્રતિસ્પર્ધીઓ ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સામસામા કરશે એવા ભારતીય જનતા પક્ષના નેતા ચંદ્રકાન્ત પાટીલના પ્રશ્ર્નના જવાબમાં નાના પટોલેએ આ પ્રમાણે જણાવ્યું હતું. પટોલેએ જણાવ્યું હતું કે ‘અમારું વલણ સ્પષ્ટ છે. કૉંગ્રેસ છત્રપતિ શિવાજી મહારાજના હિન્દુત્વના સમર્થનમાં છે અને કાયમ રહેશે. હિન્દુત્વ એક સંસ્કૃતિ છે અને છત્રપતિ શિવાજી મહારાજે કોઈની સામે દ્વેષભાવ રાખ્યા વિના સૌને સાથે રાખવાનું ધોરણ અપનાવ્યું હતું.’ ૯ એપ્રિલે મુખ્ય પ્રધાન શિંદેના અયોધ્યા પ્રવાસ વિશે પૂછવામાં આવતા નાના પટોલેએ જણાવ્યું હતું કે ‘મને પણ અયોધ્યા આવવાનું આમંત્રણ મળ્યું છે અને ટૂંક સમયમાં હું જઈશ.’ (પીટીઆઈ)