ભરત ભારદ્વાજ
ગુજરાતમાં રાજકારણીઓ બહુ આવ્યા પણ જેમને રાજપુરુષ કહી શકાય એવાં વ્યક્તિત્વ બહુ ઓછાં આવ્યાં. કનૈયાલાલ માણેકલાલ મુનશી આવા જ મહાન લોકોમાં એક હતા. ગુજરાતી સાહિત્યમાં ક.મા. મુનશીને શિરમોર તરીકે સ્વીકારાયા છે. પાટણની પ્રભુતા, જય સોમનાથ, ગુજરાતનો નાથ વગેરે અમર સાહિત્યકૃતિઓ દ્વારા મુનશી અમર થઈ ગયા. મોટા ભાગના ગુજરાતીઓએ તો મુનશીની કૃતિઓ પણ વાંચી નથી એ અલગ વાત છે પણ છતાં મુનશી મહાન સાહિત્યકાર હતા એ વાતની ઘણાંને ખબર છે. કમનસીબે મુનશીની રાજકીય કારકિર્દી અને ભારતના રાજકારણમાં તેમણે આપેલા યોગદાન વિશે તો મોટા ભાગના ગુજરાતીઓ અજાણ જ છે. ભરૂચમાં ૩૦ ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ જન્મેલા મુનશીનું ૮ ફેબ્રુઆરી, ૧૯૭૧ના દિવસે નિધન થયું હતું. આવતી કાલે મુનશીના નિધનને ૫૨ વર્ષ પૂરાં થશે ત્યારે મુનશીની રાજકીય કારકિર્દી અને યોગદાનની વાત કરી લઈએ.મૂળ ભરૂચના મુનશી સયાજીરાવ ગાયકવાડની શિક્ષણ નગરી વડોદરામાં ભણ્યા. વડોદરામાં ભણતા હતા ત્યારે જ મુનશીને રાજકારણનો રંગ લાગી ગયેલો. મહર્ષિ અરવિંદ મુનશીના પ્રોફેસર હતા. અરવિંદ અંગ્રેજો સામે હથિયાર ઉઠાવીને દેશની આઝાદી માટે જંગ છેડવાની તરફેણ કરતા હતા તેથી તેમના ઘણા વિદ્યાર્થી ક્રાંતિકારી જૂથોમાં જોડાઈને હિંસા તરફ વળેલા. મુનશી પણ તેમાંથી એક હતા. અંગ્રેજો સામે લડવા માટે મુનશી બોમ્બ બનાવતાં પણ શીખેલા. જો કે એલએલબી કરવા માટે મુનશી મુંબઈ ગયા પછી એ બધું છૂટી ગયું. એલએલબી કર્યા પછી ૧૯૧૦માં મુનશીએ બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. એ વખતે કૉંગ્રેસ દેશની આઝાદીમાં લડનારો સૌથી મોટો પક્ષ હતી પણ અરવિંદના પ્રભાવ હેઠળ મુનશીને અહિંસક લડત નકામી લાગતી તેથી કૉંગ્રેસના બદલે એ હોમી બેસન્ટની હોમ રૂલ ચળવળમાં જોડાયેલા. બેસન્ટે ૧૯૧૫માં મુનશીને હોમ રૂલ મુવમેન્ટના સેક્રેટરી બનાવેલા.
ગાંધીજી ૨૦૧૫માં ભારત પાછા ફર્યા પછી કોંગ્રેસની આઝાદીની લડતે અલગ સ્વરૂપ ધારણ કર્યું. ગાંધીજી પહેલાં કૉંગ્રેસના નેતા હોલમાં સભાઓ કરીને ઠરાવો કરતા ને ભીખ માગતા હોય એમ અંગ્રેજો સામે આઝાદી આપવા આજીજી કરતા. ગાંધીજીએ સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમને દેશની આઝાદીની લડતમાં સામેલ કરવાની કોઈને કલ્પના પણ ના હોય એવી રણનીતિ અપનાવી. મુનશી આ કારણે ગાંધીજીથી પ્રભાવિત થવા માંડેલા ને કૉંગ્રેસ તરફ ઢળવા માંડેલા.
અમદાવાદમાં ૧૯૨૦માં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યાં સુધીમાં મુનશી ગાંધીજીના રંગે રંગાઈ ગયા હતા. અમદાવાદમાં પહેલી વાર તેમણે કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી અને કૉંગ્રેસમાં જોડાઈ ગયા. મુનશી ૧૯૨૭માં બોમ્બે વિધાનસભામાં ચૂંટાયા હતા પણ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ પછી ગાંધીજીના આદેશથી રાજીનામું આપી દીધેલું. મુનશીએ ૧૯૩૦ની સવિનય કાનૂન ભંગની લડતમાં ભાગ લઈને છ મહિનાનો જેલવાસ ભોગવેલો. જેલમાંથી બહાર આવીને મુનશી આઝાદીની લડતમાં ફરી સક્રિયા થયા. ૧૯૩૨માં તેમની ફરી ધરપકડ થઈ ને આ વખતે બે વર્ષની જેલની સજા થયેલી.આ જેલવાસે મુનશીને કૉંગ્રેસમાં જાણીતા કરી દીધા. આ જેલવાસ દરમિયાન મુનશી સરદાર વલ્લભભાઈ પટેલની નજીક આવ્યા અને બંને વચ્ચે આજીવન ટકે એવો સંબંધ બંધાયો. ૧૯૩૪માં બે વર્ષની સજા ભોગવીને બહાર આવ્યા ત્યારે તેમનો કૉંગ્રેસના પાર્લામેન્ટરી બોર્ડમા સમાવેશ કરાયેલો.
મુનશી ૧૯૩૭માં બોમ્બે પ્રેસિડેન્સીની ચૂંટણીમાં જીતીને બોમ્બે પ્રેસિડેન્સીના ગૃહ મંત્રી બનેલા. મુનશી ગૃહ મંત્રી હતા ત્યારે મુંબઈમાં કોમી તોફાનો થયેલાં. મુનશીએ રમખાણોને ડામી દઈને સપાટો બોલાવી દીધેલો. મુનશી ૧૯૪૦માં સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ફરી જેલમાં ગયેલા.મુનશીની રાજકીય કારકિર્દી માટે ૧૯૪૧નું વર્ષ ટર્નિંગ પોઈન્ટ છે. મુનશી પોતાની જિંદગીમાં ચુસ્ત હિંદુવાદી નેતા ગણાયા ને તેનાં મૂળિયાં ૧૯૪૧માં નંખાયેલાં. ૧૯૩૦ના દાયકાના અંતમાં પાકિસ્તાનની માગણીએ જોર પકડવા માડેલું.
મુનશી તેની વિરુદ્ધ હતા. કૉંગ્રેસ પણ તેનો વિરોધ કરે ને મુસ્લિમોને પાકિસ્તાનની માગ છોડી દેવા ફરજ પાડવા માટે ઉગ્ર આંદોલનની તરફેણમાં હતા. મુનશી માનતા કે ભારતના હિંદુ અને મુસ્લિમોનું ભલું બે અલગ રાષ્ટ્રોમાં નહીં પણ અખંડ હિંદુસ્તાનમાં છે. કૉંગ્રેસ એ માટે તૈયાર નહોતી તેથી ૧૯૪૧માં મુનશીએ કૉંગ્રેસને રામ રામ કરી દીધા. કૉંગ્રેસ છોડ્યા પછી મુનશી આઝાદીની લડતમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના કેસ લડીને તેમને મદદ કરતા હતા. બીજી તરફ અખંડ હિંદુસ્તાનની તરફેણ કરીને પાકિસ્તાનનો વિરોધ પણ કર્યા કરતા. આ કારણે સંઘ અને હિંદુ મહાસભા સહિતનાં હિંદુવાદી સંગઠનોના નેતા તેમની નજીક આવ્યા. ૧૯૪૬માં દેશને આઝાદી મળશે એ લગભગ નક્કી થઈ ગયું હતું ત્યારે ગાંધીજીને લાગ્યું કે, દેશના નવનિર્માણ માટે હોશિયાર માણસો જોઈશે. ગાંધીજીએ મુનશીને યાદ કર્યા અને તેમનો આદેશ માથે ચડાવીને મુનશી પાછા કૉંગ્રેસમાં જોડાઈ ગયા. દેશ આઝાદ થયો પછી દેશનું નવું બંધારણ રચવા માટે બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષસ્થાને ડ્રાફિ્ંટગ કમિટી બનાવેલી.
કાયદા અને બંધારણના જ્ઞાનને કારણે મુનશીનો ડ્રાફિ્ંટગ કમિટીમાં સમાવેશ કરાયેલો. ભારતના બંધારણમાં નાગરિકોને અપાયેલા મૂળભૂત અધિકારોનો ડ્રાફ્ટ મુનશીએ બનાવ્યો હતો. બંધારણ સભાની કામગીરી પૂરી થઈ પછી જવાહરલાલ નહેરુ સરકારમાં તેમને કૃષિ મંત્રી બનાવાયેલા. મુનશીએ દેશમાં જંગલોનું પ્રમાણ વધે એ માટે વન મહોત્સવ શરૂ કરાવીને વૃક્ષારોપણનું અભિયાન શરૂ કરાવીને વિઝનરી હોવાનો પરચો આપેલો.આઝાદી પછી જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાનો ઈન્કાર કરેલો. એ વખતે નવાબ સામે લોકઆંદોલન ઊભું કરીને
લોકોની બનેલી આરઝી હકુમત બનાવડાવીને નવાબને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડાયેલી. મુનશીએ આ લડતમાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી. હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં પણ મુનશીની મહત્ત્વની ભૂમિકા હતી. ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરનારી સમિતિમાં પણ મુનશી હતા.નવાબ ભાગી ગયા પછી જૂનાગઢ ભારતમાં ભળ્યું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ ગયા ત્યારે મુનશી પણ તેમની સાથે હતા. સરદાર પટેલે જૂનાગઢમાં એલાન કરેલું કે, ઐતિહાસિક સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કરીને નવું ભવ્ય મંદિર બનાવાશે. પોતાને સેક્યુલર ગણાવતા જવાહરલાલ નહેરુ સરદારની જાહેરાતથી અકળાઈ ગયેલા પણ સરદારે નહેરુની નારાજગીની ઐસીતૈસી કરીને સોમનાથ મંદિરને તોડીને બનાવાયેલી મસ્જિદને ખસેડીને મંદિર બનાવવાનું કામ શરૂ કરાવી દીધેલું.સરદાર પટેલે મુનશીને આ મંદિર ભવ્યાતિભવ્ય બને એ જોવાની જવાબદારી સોંપેલી. કમનસીબે ભવ્ય મંદિરનું નિર્માણ પૂરું થાય એ પહેલાં સરદાર પટેલ ગુજરી ગયા. મુનશીએ એ વખતે નહેરુથી ડર્યા વિના મંદિરનું નિર્માણ માત્ર પૂરું જ ના કરાવ્યું પણ રાષ્ટ્રપતિ ડૉં. રાજેન્દ્ર પ્રસાદને હસ્તે તેનું લોકાર્પણ પણ કરાવ્યું.એક મંદિરના શિલાન્યાસ માટે રાષ્ટ્રપતિ જશે તો મુસ્લિમો નારાજ થઈ જશે ને આપણું સેક્યુલારિઝમ અભડાઈ જશે તેવી માન્યતા ધરાવતા નહેરુએ ડો. પ્રસાદને સોમનાથ જતા રોકવા ઘણા ધમપછાડા કરેલા પણ ડૉં. પ્રસાદે નહેરુની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી હતી. રાષ્ટ્રપતિ ધરાર સોમનાથ આવ્યા ને નહેરુ કેબિનેટના બીજા પ્રધાનોને પણ લેતા આવેલા. મુનશીએ નહેરુને પછડાટ આપીને ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખ્યું.આ ઘટના પછી મુનશીને નહેરુ સાથે સંઘર્ષ શરૂ થયો ને ૧૯૫૨માં નહેરુએ તેમને કેબિનેટમાં ના લીધા. ડૉં. રાજેન્દ્ર પ્રસાદે મુનશીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવીને મોકલી આપેલા. મુનશી પાંચ વર્ષ રાજ્યપાલપદે રહ્યા એ દરમિયાન નહેરુ સાથે સતત સંઘર્ષ થયો ને સંબંધોમાં એ હદે કડવાશ આવી કે, મુનશીએ પ્રસાદના આગ્રહ છતાં ફરી રાજ્યપાલપદ ના સ્વીકાર્યું. મુનશી રાજ્યપાલપદ છોડીને સક્રિય રાજકારણમાં આવ્યા અને અખંડ હિંદુસ્તાન માટેની ચળવળ શરૂ કરી. કૉંગ્રેસનો વિરોધ કરવા ગાંધીજીના વેવાઈ ચક્રવર્તી રાજગોપાલાચારીએ બનાવેલી સ્વતંત્ર પાર્ટીના સ્થાપકોમાં મુનશી પણ હતા. સ્વતંત્ર પાર્ટી દેશમાં સરકારના માનીતા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને પોષવાના બદલે મુક્ત વ્યાપાર અને મુક્ત બજારમાં માનતી પાર્ટી હતી. વરસો પછી કૉંગ્રેસે એ જ નીતિ અપનાવવી પડી. તેના પરથી જ મુનશી જમાના કરતાં ઘણા આગળ હતા એ ખબર પડે.જાણીને આશ્ર્ચર્ય થશે પણ મુનશી વિશ્ર્વ હિંદુ પરિષદના સ્થાપકોમાંથી એક હતા. હિંદુ રાષ્ટ્રવાદ પર રચાયેલા બિન રાજકીય સંગઠન વિશ્ર્વ હિંદુ પરિષદની સ્થાપના ૧૯૬૪મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક માધન સદાશિવરાવ એટલે કે એમ. એસ. ગોલવેલકરના આગ્રહથી કરાઈ હતી. ગુરૂજી તરીકે જાણીતા ગોળવેલકર ઉપરાંત દાદાસાહેબ આપ્ટે તરીકે જાણીતા શિવરામ શંકર આપ્ટે તથા સ્વામી ચિન્મયાનંદે વિશ્ર્વ હિંદુ પરિષદની સ્થાપના પહેલાં મુનશી સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. વિશ્ર્વ હિંદુ પરિષદના પહેલા અધિવેશનના અધ્યક્ષસ્થાને પણ મુનશી હતા. મુનશી વિહિપ દ્વારા હિંદુ સંસ્કૃતિ વિશે લોકોને જાગૃત કરવા માંગતા હતા. હિંદુ સમાજ અને હિંદુ ધર્મનું રક્ષણ કરવા માટે એક સંગઠન જરૂરી છે એવું મુનશી માનતા હતા. આ વિચારમાંથી વિશ્ર્વ હિંદુ પરિષદનો જન્મ થયેલો.ભારતમાં આજે હિંદુત્વ છવાયેલું છે અને હિંદુવાદી રાજકારણની બોલબાલા છે પણ ૧૯૬૦ના દાયકામાં હિંદુત્વની વાત કરતાં પણ સૌ અચકાતા હતા. મુનશીએ એ જમાનામાં વિશ્ર્વ હિંદુ પરિષદ જેવા હિંદુઓના ઉત્થાનને વરેલા સંગઠનની રચના કરાવી તેના પરથી જ મુનશી પોતાની રાજકીય વિચારધારામાં કેટલા સ્પષ્ટ હતા એ જોઈ શકાય છે.આજે આપણા રાજકારણીઓ છાસવારે ગુજરાતની અસ્મિતા શબ્દ ફેંક્યા કરે છે. આ શબ્દો પણ મુનશીની દેન છે. મુનશીએ પોતાના સાહિત્યથી જ નહીં પણ પોતાનાં કામોથી પણ ગુજરાતની અસ્મિતા સ્થાપિત કરવાનો, હિંદુ સંસ્કૃતિની પુનર્સ્થાપના કરવા ભરપૂર પ્રયાસ કર્યા.કમનસીબે મુનશીના યોગદાનને ગુજરાતીઓ પણ ભૂલી ગયા ને હિંદુવાદીઓ પણ.