એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી પહોંચ્યા એ સાથે જ ભાજપ સામે લડવા માટે વિપક્ષી એકતાનું મહાગઠબંધન બનાવવાનું ઘમ્મરવલોણું પાછું શરૂ થયું છે. નીતીશ કુમાર અને તેમના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ મહાગઠબંધન બનાવવા માટે રાહુલ ગાંધીને મળ્યા ને બીજા નેતાઓ સાથે પણ ચર્ચા કરી.તેના બીજા દિવસે હવે શરદ પવાર પણ કૉંગ્રેસના નેતાઓને મળ્યા છે. પવારે પણ વિપક્ષી એકતાનો એજન્ડા હોવાનું સ્વીકાર્યું છે.
કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળેલી બેઠક પછી નીતીશ કુમાર અને રાહુલ ગાંધીએ સંયુક્ત પત્રકાર પરિષદ કરીને મીડિયા સાથે વાત પણ કરી. આ સંયુક્ત પત્રકાર પરિષદમાં મલ્લિકાર્જુન ખડગે અને તેજસ્વી યાદવ અને કૉંગ્રેસ બિહાર પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ અને જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ લલન સિંહ પણ હાજર હતા.
નીતિશ કુમારે સ્વીકાર્યું કે, રાહુલ સાથેની બેઠકમાં અમારી વિપક્ષી એકતા પર ચર્ચા થઈ છે અને વધુમાં વધુ ભાજપ વિરોધી પક્ષોને સાથે લાવવા સહમતિ સધાઈ છે. રાહુલ ગાંધીએ પણ નીતીશ કુમારની વિપક્ષી એકતા અંગેની પહેલને વખાણીને કહી નાંખ્યું કે, વિપક્ષને એક કરવા માટે ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. હવે બધા વિપક્ષો એક થઈને વિચારધારાની લડાઈ લડશે અને અમે બધા દેશ પરના આક્રમણ સામે લડીશું.
આમ તો દેશ પર કોઈ આક્રમણ થયેલું નથી પણ રાહુલ ગાંધીની પિન તેના પર અટકેલી છે. મોદી સરકારના શાસનમાં દેશની લોકશાહીને ગળે ટૂંપો દેવામાં આવી રહ્યો હોવાની રેકર્ડ એ લાંબા સમયથી વગાડે છે ને એ જ રેકર્ડ તેમણે ફરી વગાડી દીધી. ખેર, રાહુલે જે કહ્યું તેને બાજુ પર મૂકીએ ને મૂળ મુદ્દા એટલે કે વિપક્ષી એકતાની વાત પર પાછા ફરીએ.
ભાજપને પછાડવો હોય તો વિપક્ષોએ એક થવું પડે એ વાત પર શરદ પવારથી માંડીને સોનિયા ગાંધી સુધીનાં બધા સહમત છે પણ મેળ પડતો નથી ને તેનું કારણ કૉંગ્રેસ છે. કૉંગ્રેસને વિપક્ષી એકતામાં મોટા ભા બનવાના અભરખા છે ને બીજા વિપક્ષો એ વાત સાથે સહમત નથી. તેમની વાત સાચી પણ છે કેમ કે કૉંગ્રેસ સાવ પચાસ બેઠકો પર સમેટાઈ ગયેલી પાર્ટી છે. માત્ર એક રાજ્ય પૂરતા મર્યાદિત હોવા છતાં ત્રીસ-પાંત્રીસ લોકસભા બેઠકો કે પછી પોતાના રાજ્યની લોકસભાની એંસી-નેવું ટકા બેઠકો જીતતા પ્રાદેશિક પક્ષો કૉંગ્રેસની પાલખી ઉંચકવા તૈયાર ના થાય એ સમજી શકાય એવી વાત છે પણ કૉંગ્રેસ આ વાત સમજવા તૈયાર નથી.
કૉંગ્રેસને ગમે તે ભોગે રાહુલ ગાંધીને વિપક્ષી નેતા તરીકે સ્થાપિત કરવા છે ને પોતે વિપક્ષી મોરચામાં કેન્દ્રસ્થાને બેસવં છે. કૉંગ્રેસે શરદ પવાર સહિતના નેતાઓને આગળ કરીને પહેલાં એ માટે ફાંફાં મારી જોયાં પણ મેળ ના પડ્યો એટલે હવે નીતીશને આગળ કર્યા છે. લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં નીતીશને પડખામાં લઈને કૉંગ્રેસ વિપક્ષી મોરચાનું મોવડી બનવા માગે છે ને એ માટે નીતીશ કુમારને યુપીએના ક્ધવીનર બનાવવામાં આવી શકે છે.
નીતીશ કુમાર લાંબા સમયથી વિપક્ષી એકતાની વાતો કરે છે ને કૉંગ્રેસને સાથે લેવાની તરફેણ કરતા રહ્યા છે પણ મોટાભાગના પ્રાદેશિક પક્ષો તેના માટે તૈયાર નથી. તેજસ્વી યાદવની આરજેડી કૉંગ્રેસ સાથે છે ને તેણે કૉંગ્રેસને મોટા ભા તરીકે સ્વીકારી લીધી છે કેમ કે બિહારમાં કૉંગ્રેસ તેના કરતાં નાની છે. આરજેડી અને કૉંગ્રેસના નેતાઓનું માનવું છે કે, નીતીશ યુપીએમાં રાજકીય પક્ષોની વધારી શકે છે. નીતીશ કુમાર પ્રાદેશિક વિપક્ષી નેતાઓને કૉંગ્રેસનું નેતૃત્વ સ્વીકારવા માટે પણ મનાવી શકે છે તેથી કૉંગ્રેસ નીતીશને આગળ કરી રહી છે.
જો કે કૉંગ્રેસે આ બધાં ફાંફાં મારવાના બદલે પોતાની તાકાત સાબિત કરવી જોઈએ. ભાજપને પછાડવામાં પોતે બધા વિપક્ષોમાં સૌથી અસરકારક ભૂમિકા ભજવી શકે છે એ સાબિત કરવું જોઈએ. એ માટે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં પોતાની બેઠકોનો આંકડો સવાસોની આસપાસ પહોંચાડવો પડે. કૉંગ્રેસ એ સ્તરે પહોંચે તો આપોઆપ ભાજપ પછડાશે ને વિપક્ષો પણ તેને મોવડી તરીકે સ્વીકારશે.
કૉંગ્રેસ પોતાની તાકાત વધારીને ભાજપને હરાવે તો આપોઆપ ભાજપને પછડાટ મળે જ તેમાં શંકા નથી. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, આસામ વગેરે રાજ્યોમાં કૉંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે. લોકસભાની ૧૬૦ આસપાસ બેઠકો ધરાવતાં રાજ્યોમાંથી છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસે વીસ બેઠકો પણ જીતી નહોતી. આ પૈકી ભાજપે ગુજરાતમાં તમામ ૨૬, રાજસ્થાનમાં ૨૫માંથી ૨૪, મધ્યપ્રદેશમાં ૨૯માંથી ૨૮, છત્તીસગઢમાં ૧૧માંથી ૯, હિમાચલ પ્રદેશમાં ચારમાંથી ત્રણ, આસામમાં ૧૪માંથી ૯, ઉત્તરાખંડની બધી પાંચ બેઠકો જીતી હતી. હવે કૉંગ્રેસ પોતે મજબૂત થઈને કૉંગ્રેસ મહેનત કરીને આ રાજ્યોમાં ત્રીસ-ચાલીસ ટકા બેઠકો પણ જીતે તો ભાજપ સત્તાથી દૂર થઈ શકે. ભાજપ ઉત્તર પ્રદેશ (૮૦) અને બિહાર (૪૦)માં જોરદાર દેખાવ કરે છે એ સ્પષ્ટ બહુમતીનું કારણ છે પણ કૉંગ્રેસ તેને હરાવી નથી શકતી એ પણ મોટું કારણ છે.
આ સંજોગોમાં કૉંગ્રેસે વિપક્ષોનું નેતાપદ લેવાની વાતો કરવાને બદલે ભાજપ સાથે સીધી ટક્કર છે એ રાજ્યોની ચિંતા કરવી જોઈએ. કૉંગ્રેસે વાસ્તવવાદી બનવું પડે. જ્યાં તેની તાકાત નથી ત્યાં તાકાત પેદા નહીં થાય એ વાસ્તવિકતા સ્વીકારીને ભાજપ સામે સીધી ટક્કરના રાજ્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. આ રાજ્યોમાં કૉંગ્રેસે ફરી બેઠા થવું પડે ને ભાજપને પછાડીને પોતાની તાકાત સાબિત કરવી પડે.
તકલીફ એ છે કે, કૉંગ્રેસને આ વાત સમજાતી નથી તેથી બધે લાડવો ખાવાની લ્હાયમાં દોડ્યા કરે છે. તેમાં ને તેમાં કૉંગ્રેસ ક્યાંયની નથી રહી. બલ્કે પ્રાદેશિક પક્ષોને નુકસાન કરીને ભાજપને ફાયદો કરાવી રહી છે અને ભાજપને વધારે તાકાતવર બનાવી રહી છે.
મમતા બેનરજી હોય કે નવીન પટનાઈક હોય કે કેસીઆર હોય, એ લોકોનાં પોતપોતાનાં રજવાડાં છે. આ રજવાડાંમાં ભાજપ ઘૂસી પણ શકતો નથી ત્યારે કૉંગ્રેસે તેમની એ તાકાતને પણ માન આપવાની જરૂર છે. કૉંગ્રેસ પોતે દેશભરમાં વર્ચસ્વ ધરાવતી પાર્ટી નથી અને હવે દેશમાં ભાજપ વર્સીસ કૉંગ્રેસનો જંગ પણ નથી. એક જમાનામાં કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ ગણાતો પણ હવે કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ નથી. આ સંજોગોમાં ભાજપને હરાવવાનું કે તેનો વિજયરથ રોકવાનું કૉંગ્રેસનું ગજુ છે જ નહીં, આ કામ પ્રાદેશિક પક્ષો જ કરી શકે છે એ વાસ્તવિકતા કૉંગ્રેસ સ્વીકારે તો જ ભાજપ હારે, બાકી જૂની પ્રતિષ્ઠાના જોરે કંઈ ના થાય.