ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની બેઠકમાં માત્ર 17 બેઠક પર વિજય મેળવી શકનાર કોંગ્રેસ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ નક્કી કરી શકી ન હતી. આ મામલે પક્ષમાં એટલી ખેંચતાણ ચાલતી હતી કે આખરે દિલ્હીના દરબારમાં મામલો ગયો હતો. આખરે નવી સરકારે શપથ લીધાના એક મહિનાથી પણ વધારે સમય બાદ કોંગ્રેસે વિપક્ષના નેતાના નામ જાહેર કર્યા છે. જોકે કોંગ્રેસે બે યુવાન નેતાને કમાન આપી સારી પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસે ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની નિમણૂક કરી છે.
જોકે બન્ને નેતાઓ પાસે સંખ્યાબળ જ નથી. વળી, કોંગેસ 2017માં 77 વિધાનસભ્ય જીતી ત્યારે પણ વિપક્ષ તરીકે વધારે કંઈ ઉકાળી શકી ન હતી. પક્ષમાં આંતરિક જૂથવાદ, મજબૂત નેતાગીરીનો અભાવ અને લગભગ મૃતપાય થઈ ગયેલા સંગઠનને લીધે પક્ષના સંનિષ્ઠ નેતાઓ પણ અકળામણ અનુભવી રહ્યા છે. ત્યારે આ બન્ને નેતાને ભાગે વિધાનસભામાં માત્ર હાજરી પૂરવા સિવાય વિશેષ કંઈ વધતું નથી.