ગુજરાત વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં ભાજપ પ્રચંડ જીત મેળવી રહી હોવાનું સ્પષ્ટ થયું છે. બધાજ રેકોર્ડ તોડીને ભાજપ 150થી વધુ બેઠકો મેળવી શકે છે. નવી સરકાર માટે સપથગ્રહણ સમારોહનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે.
બીજેપી 182 સીટોમાંથી 154 બેઠકો મેળવી રહી છે ત્યારે કોંગ્રેસને માત્ર 18 સીટો મળતી જોવા મળી રહી છે. કારમી હારથી કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે ટ્રેન્ડ તેમની વિરુદ્ધ ચાલી રહ્યો છે. જનતા જે પણ નિર્ણય લેશે, અમે સ્વીકારીશુ. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા તરફથી કોઇ કમી ન હતી, તેમ છતાં પરિણામ ચોંકાવનારા છે. અમે સમીક્ષા કરીશુ. હાર બાદ ઘણા સવાલ ઉઠે છે. ચૂંટણીમાં જીત હારના એક કારણ નથી હોતા. મોદી મેજિક જેવું કશું નથી.
કોંગ્રેસે પ્રદેશ કાર્યાલય બહાર લગાવેલી ઘડિયાળ પણ ઉતારી લીધી છે. જ્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે અમદાવાદના કોંગ્રેસ ભવન બહાર ઘડિયાળ ગોઠવવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે ‘પરિવર્તનનો સમાય, સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ’. જેમાં દિવસો, કલાક, મિનિટ, સેકન્ડના સ્લોટ હતા.