નવી દિલ્હી: હું દેશના વિકાસ અને ગરીબોના ઉત્કર્ષ માટે ઝઝૂમી રહ્યો છું ત્યારે કૉંગ્રેસ સહિત અન્ય તમામ વિપક્ષ મારી કબર ખોદવામાં વ્યસ્ત છે, એવો આક્ષેપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્યો હતો.
જનતાના આશીર્વાદ મારું સૌથી મોટું સુરક્ષાકવચ છે, એમ મોદીએ કહ્યું હતું.
આ વરસના મે મહિનામાં જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ કર્ણાટક રાજ્યની મુલાકાતે છઠ્ઠી વખત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યના ઝડપી વિકાસ માટે ‘ડબલ એન્જિન’ સરકાર જરૂરી છે.
દેશ અને દેશવાસીઓના ઝડપી વિકાસ માટે ડબલ એન્જિન સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કૉંગ્રેસ અને તેનાં સાથીપક્ષો શું કરી રહ્યાં છે? કૉંગ્રેસ મોદીની કબર ખોદવાનાં સપનાં જોઈ રહી છે, એમ મોદીએ કહ્યું હતું.
અહીંના માન્ડ્યા જિલ્લાસ્થિત ૧૧૮ કિ.મી. લાંબા બેંગલૂરુ-મૈસૂરુ એક્સપ્રેસવેનું
ઉદ્ઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંંગલૂરુ-મૈસૂરુ એક્સપ્રેસવેના નિર્માણકાર્યમાં અને ગરીબોનું જીવન સુધારવામાં વ્યસ્ત છે.
કૉંગ્રેસના લોકો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ તેઓ જાણતા નથી કે દેશની કરોડો માતા, બહેનો, પુત્રીઓ અને જનતાના આશીર્વાદનું સુરક્ષાકવચ મોદી પાસે છે.
રૂ. ૮,૪૮૦ કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવી રહેલો બેંગલૂરુ-નિડઘટ્ટા-મૈસૂરુ એક્સપ્રેસવે બે શહેર વચ્ચેના પ્રવાસનો સમય અંદાજે ત્રણ કલાકથી ઘટાડીને ૭૫ મિનિટ જેટલો કરી નાખશે.
વર્ષ ૨૦૧૪ અગાઉ કૉંગ્રેસના વડપણ હેઠળની મોરચા સરકારે ગરીબ પરિવારો અને ગરીબોનો નાશ કરવાનો એક પણ પ્રયાસ બાકી નહોતો રાખ્યો.
ગરીબોના વિકાસ અને ઉત્કર્ષ માટે ફાળવવામાં આવેલા હજારો કરોડ રૂપિયા કૉંગ્રેસ સરકાર ચાંઉ કરી ગઈ હોવાનો આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે ગરીબોની પીડા અને તકલીફોની ક્યારેય ચિંતા નહોતી કરી.
વર્ષ ૨૦૧૪માં જ્યારે તમે મને સેવા કરવાની તક આપી ત્યારે દેશમાં ગરીબોની પીડા અને તકલીફો સમજી શકે તેવી સરકાર રચવાનો માર્ગ મોકળો થયો હતો, એમ મોદીએ કહ્યું હતું.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બાસવરાજ બોમ્માઈ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, પ્રહ્લાદ જોશી, અભિનેતામાંથી રાજકારણી બનેલા અને તાજેતરમાં જ ભાજપને ટેકો જાહેર કરનાર માન્ડયા લોકસભા મતદારક્ષેત્રના સાંસદ સૂમલતા અંબરિશ સહિતના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. (એજન્સી)