રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે શુક્રવારે પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસે રાજ્યસભાના સભાપતિને લખેલા પત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન મોદીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે તેમના નિવેદનના આધારે વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલી છે અને આરોપ લગાવ્યો છે કે પીએમના આ શબ્દો પ્રથમ નજરે અપમાનજનક હતા. નેહરુ પરિવારના સભ્યો ખાસ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જે લોકસભાના સભ્યો છે તેમના માટે અસમ્માનજનક અને આપત્તિજનક હતા.
કોંગ્રેસે પત્રમાં પીએમ મોદીના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં પીએમએ કહ્યું હતું કે, “મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે ચલો ભાઈ, નેહરુજીનું નામ અમે ભૂલી જતા હોઈશું અને જો ભૂલી જઈશું તો અમે તેને સુધારીશું, કારણ કે તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા. પરંતુ મારી સમજમાં નથી આવતું કે તેમની પેઢીનો કોઈ પણ વ્યક્તિ નેહરુજીની અટક રાખવાથી કેમ ડરે છે? આમાં શરમ શું છે? આવી મહાન વ્યક્તિ તમને સ્વીકાર્ય નથી, પરિવાર સ્વીકાર્ય નથી…”
કોંગ્રેસના નેતા વેણુગોપાલે આ પત્રમાં કહ્યું કે, “ગાંધી પરિવારના સભ્યોએ નહેરુ અટક કેમ નથી લીધી તે અંગે વડાપ્રધાનનું નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વડાપ્રધાન જાણે છે કે લગ્ન પછી પુત્રી તેના પિતાની અટક રાખતી નથી. એ જાણવા છતાં તેમણે જાણીજોઈને મજાક ઉડાવી હતી. પીએમની વાતનો સ્વર અને ઉદ્દેશ્ય અપમાનજનક હતું. તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા બરાબર હતું. , જે બંનેના વિશેષાધિકારના ભંગ અને આ ગૃહનો અપમાન સમાન છે.”