દેશહિત વિરુદ્ધની બાબતોમાં કૉંગ્રેસ હંમેશાં આગળ
બેંગલૂરુ: કર્ણાટકમાં ૧૦મી મેએ થનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસ અગાઉના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલૂરુ શહેરમાં રવિવારે આઠ કિલોમીટર લાંબો રોડ શૉ યોજ્યો હતો. રવિવારે અહીં વાદળછાયું વાતાવરણ હતું છતાં આ રોડ શૉ વખતે માર્ગની બંને તરફ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મોદીનો આ રોડ શૉ ન્યૂ થિપ્પાસાંડ્રા રોડ પર આવેલાં કેમ્પેગોવડાની પ્રતિમાથી ટ્રિનીટી સર્કલ સુધીનો હતો જે લગભગ દોઢ કલાકમાં પૂરો થયો હતો. દરમિયાન, તેમણે શિમોગામાં યોજેલી ચૂંટણીસભાની શરૂઆત ‘બજરંગબલી કી જય’ બોલીને કરી હતી અને પછી કૉંગ્રેસ પક્ષને આડે હાથ લીધો હતો. કૉંગ્રેસને તેમણે ‘રોયલ ફેમિલી’ તરીકે જ સંબોધ્યા હતા. આ રાજવી કુટુંબે ભારતની એકતાને તોડવાની જ પ્રવૃત્તિ કરી છે. કૉંગ્રેસે મને ગાળો ભાંડી છે અને મારી સામે ઝેર જ ઓક્યું છે, પણ નાન્જાનગુડના ભગવાન શ્રીકાંટેશ્ર્વરે મને તાકાત આપી છે.
આ રાજવી કુટુંબે દેશની અંગત બાબતોમાં આંતરરાષ્ટ્રીય દળોને દખલ દેવા માટે ઉત્તેજન આપ્યું છે અને ભારતના હિતની વિરુદ્ધ કામ કરવાની વાત આવે ત્યારે કાયમ કૉંગ્રેસ-રાજવી કુટુંબ જ આગળ હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.
કૉંગ્રેસે બજરંગબલી માટે જે કાંઈ કર્યું છે તેની પાછળ તેમનું રાજકારણ જ રહ્યું છે. ભારતની સંસ્કૃતિ અને તાકાતની સાથે સંકળાયેલા લોકોને તેમણે ધિક્કાર્યા જ છે. આજે દેશમાં તમારાં નાણાંના જોરે વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે કૉંગ્રેસના શાસનમાં લૂંટાઈ જતા હતા. રવિવારે બેંગ્લોરની જનતાએ જે પ્રેમ અને વિશ્ર્વાસ મારાં પ્રત્યે દાખવ્યો છે, તેનાં કારણે હું ગદ્ગદ્ થયો છું અને કર્ણાટકનું મારાં પર ઋણ ચડ્યું છે એમ જણાવી મોદીએ એમ પણ કહ્યું હતું કે બેંગલૂરુનો ‘રોડ શૉ’ લાંબો હતો, પણ મેં પક્ષને જણાવ્યું હતું કે આપણી પરીક્ષા ૧૦મી મે એ છે. પણ બાળકોની ‘નીટ’ (એનઈઈટી)ની પરીક્ષા આજે છે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ.
મોદીના રોડ શૉ માટે કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ખાસ ડિઝાઈનવાળું વાહન તૈયાર કરાવ્યું હતું. રાજીવ ચંદ્રશેખર એ કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય છે અને તેમને બેંગલૂરુ મધ્યના સંસદસભ્ય પી. સી. મોહને સાથ આપ્યો હતો.
રોડની બંને બાજુ અને આજુબાજુની ઈમારતો પર ઊભેલી જનમેદનીનું મોદીએ હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. જનમેદનીમાંના ઘણા લોકો સતત ‘મોદી-મોદી’, ‘ભારત માતા કી જય’ જેવા સૂત્રો પોકારી રહ્યા હતા. લોકોએ મોદી પર પુષ્પવર્ષા કરી હતી તો કારની બોનેટ પર રહેલાં ફૂલો ભેગાં કરીને મોદીએ જનમેદની પર પુષ્પવર્ષા કરી હતી.
મોદીનો આ રોડ શૉ લગભગ અડધો ડઝન જેટલાં વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થયો હતો અને ટ્રિનીટી સર્કલ પર આ રોડ શૉ પૂરો થયો ત્યારે મોદીએ ત્યાં હાજર લોકોને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. (પીટીઆઈ)