કેતકી જાની
સવાલ: પિતાજીના મૃત્યુ બાદ મારી મમ્મીએ મુશ્કેલીથી મને અને મારી બહેનને મોટા કર્યાં છે. ગઈ સાલ મારી મોટી બેનના લગ્ન થયાં અને હવે મારા માટે યોગ્ય વર/ઘરની શોધ મમ્મી કરે છે. મારી બહેનનું લગ્ન જીવન જોઈ મને ખરેખર ડર લાગી રહ્યો છે લગ્ન કરવાનો. તે એકદમ બદલાઈ ગઈ છે. જાણે કે બનેવી કરે તેટલું જ કહે. તે તદ્દન કહ્યાગરી પત્ની માત્ર બનીને રહી ગઈ છે. મારી મમ્મી અને હું તેને સમજાવીએ ક્યારેક તો પણ તે કહે કે દુ:ખ નથી કંઈ પણ સમાધાન તો કરવું જ પડશે, જો સાસરે રહેવું હશે તો, હું શું કરી શકું તેને માટે? તેને કેમ સમજાવું?
જવાબ: બહેન ડરવાની જરૂર નથી, બધાનું લગ્નજીવન દુ:ખદ ના હોય પણ તારો પ્રમ જોઈ ખૂબ જ આનંદ થયો. ખેર હવે વાત તારી બહેનની કરીએ. આપણાં પિતૃસત્તાક સમાજમાં અનેક સ્ત્રીઓ આજેય તારી બહેન જેવી જ છે. પોતાના સંબંધો સાચવવા હંમેશાં કોઈપણ સમાધાન કરવા તેઓ તૈયાર જ રહે છે. તેમને મન સંબંધ નિભાવવા અને ટકાવી રાખવા પોતાના અસ્તિત્વ પોતાના જીવન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારી બહેને તમારી મમ્મીનું એકલા હાથે તમને બંનેને ઉછેરવું જોયું છે. તમારાં મમ્મી માટે આ કામ આસાન તો નહીં જ હોય ને? કદાચ તમારી બહેન તમારી મમ્મીને હવે કોઈ ટેન્શન આપવા નહીં માગતી હોય અને ચૂપચાપ પોતાનું જીવન જેવો પતિ કે સાસરિયા મળ્યા તેમની સાથે થોડુંઘણું સહન કરીને વ્યતીત દેવાની માનસિકતા તૈયાર કરીને બેઠી છે. હવે તમારે અને તમારા મમ્મીએ બંનેએ ભેગા મળી તમારી બહેનને રીઅલાઈઝ કરાવવું પડશે કે તે જે કરી રહી છે તે અત્યંત આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે. કેમ કે તે જેમ જેમ સમાધાનની વૃત્તિ અપનાવી પતિ/સાસરિયાઓની જોર-જબરદસ્તી કે અણગમતી વાતો પણ સાંખી લેશે તો ક્રમશ: તેઓ વધુ ને વધુ જુલમ આચરતા જશે. લગ્ન જીવનની હજી તો શરૂઆત જ છે, તમારી બહેનનો શક્ય તેટલો ઝડપથી સંપર્ક સાધો અને તેની માનસિકતા બદલવાનું ખૂબ જ દુષ્કર કાર્ય શરૂ કરી દો, નહીંતર ખૂબ જ વાર થઈ જશે અને તમારા હાથમાં માત્ર અફસોસ સિવાય કઈ જ નહીં રહે. તેને યેનકેન પ્રકારેણ બોલવા ફરજ પાડો કે તેને સાસરામાં ખરેખર શું તકલીફ છે? તેણે કઈ કઈ બાબત માટે ‘સમાધાન તો કરવું જ પડશે ત્યાં રહેવું હશે તો’ આવા શબ્દો વાપર્યા. તમારી મમ્મીને બોલો કે તેને હિંમત આપીને કહે કે તારે તારો અંતરાત્મા દબાવીને સ્વાભિમાન મારીને સાસરે રહેવાની કોઈ જરૂર નથી. તેનાં પિયરના દરવાજા તેના માટે હંમેશાં ખુલ્લા છે. લોકો, સમાજ કે સાસરિયાનો ડર તેના મનથી કાઢવાનું કામ તમારાં બંનેનું છે. પોતાના લગ્નજીવનને ટકાવવાનું કામ તમારા બહેન-બનેવી બંનેનું છે, માત્ર તમારી બહેન જ શા માટે સમાધાનનો તંબૂરો પકડી બેસી છે, તે વાત સુધી તમારે પહોંચવું જ પડશે. મન મારી, સપનાઓના ગળા ઘોટી આ રીતે રહેશે તમારી બહેન તો આગળ જતા તેના સ્વભાવમાં નકારાત્મકતા પ્રવેશી જશે, જેનો અંશ મને તેણે કહેલા વાક્યમાં દેખાઈ રહ્યો છે. નવું ઘર, નવા ઘરનાં લોકો, પોતાના પિયરના ઘર અને લોકોથી દૂર થવું આ એડજસ્ટમેન્ટ કોઈપણ સ્ત્રી માટે અઘરું હોય પણ સમજદાર પ્રેમાળ જીવનસાથી અને સાસરિયા તે સરળ બનાવી શકે. તમે તમારા બનેવી સાથે પોતે વાત કરો અથવા તમારી મમ્મીને તેમ કરવા કહો. ચોક્કસ કંઈ છે જે તમારી બહેન ચોખ્ખું બતાવવાને બદલે તમારા બંનેથી સંતાડી રહી છે. તેના સાસરિયા સાથે પણ તમે બંને વાત કરો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચાય. તમારી બહેનને સમજાવો કે સુખી લગ્ન-જીવન ભોગવવું, આત્મસન્માન સાથે સાસરે રહેવું તે માત્ર તેની જ નહીં, તેના પતિની પણ જવાબદારી છે. તેણે સમાધાનોના નામે પોતાની જિંદગી લગ્નજીવનનાં યજ્ઞમાં હોમી દેવાની ભૂલ ના કરવી જોઈએ. જીવનસાથી કે સાસરિયાને લગતો જે પણ પ્રોબ્લેમ છે તે તમને બંનેને નહીં જણાવે તો તેનું જીવન વધુ દોહ્યલું બનશે, આ વાત તમારી બહેન સમજે તે જરૂરી છે, અસ્તુ.