ઘણાખરા વિવાદોમાં શું મેળવવું છે એ પણ ખબર હોતી નથી
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
આજકાલમાં લગ્ન સીઝન પૂરજોશમાં ખીલશે. ઘણા પરિવારોમાં શુભ પ્રસંગો
પર વિવાદ જોવા મળે છે, એ ય છેક બાપદાદાના યુગના… વિવાદ આગળ વધારવો છે કે સમાધાન કરીને પ્રસંગની મોજ માણવી છે એ નવી પેઢીએ નક્કી કરવાનું છે. બાકી સમાધાન ઓર તુમ સે? કભી નહીં…
જગતમાં કશું અશક્ય હોય તો એ બે ‘પાર્ટી’ વચ્ચે સમાધાન કરાવવાનું છે, એવું અભ્યાસુઓ કહે છે… ‘પાર્ટી’ મિન્સ પતિપત્ની, સગાઓ, પેરેન્ટ્સ, પડોશીઓ, સમાજ કે દેશદેશાવર…
કોમ્પ્રોમાઇઝ માટે વિનવિન સિચ્યુએશન જોઈએ, પણ દરવખતે વિનવિન સિચ્યુએશન થાય એવું મળે ખરું?
બોલો, આ સાઇકોલોજીવાળા અને અભ્યાસુઓએ સમાધાન પર જાતજાતનું સંશોધન કરીને મારા મગજમાં નવા કીડા મૂકી દીધા.
ઓક્સિટોસિન અને સેરોટોનિન હોર્મોન્સ સામાજિક વર્તણૂક સાથે સંકળાયેલા છે. વાસ્તવમાં, એક અભ્યાસ મુજબ, ઓક્સિટોસિનને લીધે માણસની સહકાર આપવાની ઈચ્છા વધી શકે છે.
આ હોર્મોન ત્યારે જ કામ કરે છે, જ્યારે આપણે સમાધાન કરવા યોગ્ય પરિસ્થિતિ બનાવી હોય…
બાકી લડાઇ હોય કે સમાધાન, ગરબડ પેલા એડ્રેનાલિન, એન્ડોર્ફિન્સ કે ડોપામાઇન જેવા કેમિકલ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે… જો ડર લાગે તો આ કેમિકલ ચેતવે અને સમાધાન કરાવી દે…. જો જીદ પર આવી ગયા તો આ કેમિકલ તમને ગાંઠવા જ ના દે.
મહાભારતનો દુર્યોધન આદર્શ ઉદાહરણ છે, બધું ભોગવવા છતાં નાનકડું કોમ્પ્રોમાઇઝ પણ ના જ કર્યું…. હોર્મોન પ્રોબ્લેમ
હશે. દુર્યોધનનું સમાધાન પણ તકલાદી
અને તકવાદી હતું, એમાં ખાલી પોતાનું જ વિન હતું.
ભાઇ, દુનિયા આખીને પોતાની જ વિનિંગ સિચ્યુએશનની પડેલી છે. બધા મેચ્યોર હોવાની વાતો કરે પણ મેચ્યોરિટીનો અમલ કરો ત્યારે ખરા… સમાધાનનો પ્રોસેસ ધારવા જેટલો આસાન નથી.
ખોટી માન્યતા છે કે સમાધાન કરવું એ લગભગ પરાજય છે. સમાધાન તો થોડી હાર અને થોડી જીતની વચ્ચે જિંદગીના શ્ર્વાસ લેવાનો હાઇવે છે.
સમાધાન તો વ્યર્થ વિવાદોમાં શક્તિ વેડફવામાંથી મુક્તિનો માર્ગ છે. બે
વ્યાપારી પાર્ટીઓ વ્યાપાર માટે શરતો નક્કી કરે એ બિઝનેસ ડીલ છે પણ પેમેન્ટ ના
મળે અને બાંધછોડ કરવી પડે એ
કોમ્પ્રોમાઇઝ છે.
સમાધાન નહીં કરવાની જીદ સમજવા ડિવોર્સના કેસ જોઇ લો…
બંને પક્ષકારોની યુવાનીની ઉંમર કોર્ટમાં વીતી જાય, પણ નો કોમ્પ્રોમાઇઝ? કોણે ગુમાવ્યું?
એમ્પ્લોય મેનેજમેન્ટ તો ઠીક, બે દેશો વચ્ચે સમાધાન ક્યારેય થતું નથી, સંઘર્ષ આજીવન ચાલતી પ્રક્રિયા હોય છે… થોડી છૂટ આપોને થોડું ખેંચોમાં બંને ટાયર્ડ અને રિટાયર્ડ થઈ જાય. બેઝિકલી, ગરજે થતું સમાધાન એ કોઈ આદર્શ મૌલિક પ્રોસેસ નથી….
પતિ પત્ની હોય કે પડોશી, બે સમાજ હોય કે દેશો… આ બધા વચ્ચેના ઝઘડા માટે માત્ર બે જ શબ્દો જવાબદાર છે… કોઈ એક ખાલી એટલું જ કહે કે… “તું હમેશા…
બસ ‘તું હમેશા આવો ને તેવો’ કે ‘તું હમેશા આવીને તેવી’… પછી મહાભારત શરૂ…
ઘણા જન્મજાત હોશિયારો વિવાદ પહેલાં સમાધાન માટે થોડી જગ્યા રાખતા હોય છે, કોઈ પણ વિવાદમાં ચારિત્ર્ય કે અપમાનજનક વાતો ટાળવી… પણ બોલવાનું હોય તો આપણે કચાશ રાખીએ? પછી સમાધાન ક્યાંથી થાય.
મૌલિક સમાધાન માટે પાયાની એ શરત છે કે બીજાને સાંભળો… સાહેબ, જે
માણસ પોતાને સાંભળવા તૈયાર નથી તો બીજાને કેવી રીતે સાંભળી શકે… એટલે જ સ્થાયી સમાધાનો આખા વિશ્ર્વમાં થતાં
નથી, કારણ કે બધાને પોતાની વ્યથાઓ સંભળાવવી છે.
આપણા દેશમાં મોટાભાગની સમસ્યાઓના નિરાકરણ માટે બાળપણથી સાંભળવાની કળા શીખવવી જોઈએ.
હકીકત એ છે કે મોટાભાગના વિવાદોમાં માણસને શું જોઈએ છે એની ખબર જ
હોતી નથી.
રાજકીય વિચારધારાઓને લીધે કે સોશિયલ મીડિયા પર થતા વિવાદોમાં લડાઇનું
કારણ જ ખબર હોતી નથી તો સમાધાન કેવી રીતે કરી શકાય? ફક્ત ઇગોનો પ્રોબ્લેમ હોય છે.
માણસ એવું સમજે છે કે, સમાધાન કરતી વેળા પોતાની ઇચ્છાઓ અને સ્વપ્નાઓ પર કાતર ફેરવતો હોય છે… પતિને કાઠિયાવાડી ભોજન ગમે છે, પત્ની પિત્ઝા પર
અટકી છે.
સમાધાન ચોક્કસ થશે પણ તકલાદી… મોકો મળશે તો બંને એકબીજાની ખામી કાઢશે. તારે લીધે ભોગ આપ્યો તો બીજું કહેશે મોં ચડાવીને આવ્યો હતો…
એક્ચ્યુઅલી, સમાધાન એ આર્ટ છે, આ આર્ટ બધાને નથી આવડતો… સમાધાન કેવી રીતે થાય, એનો અમલ કેવી રીતે કરાય, કેટલું જતું કરી શકાય, શું મેળવી શકાય, ભવિષ્યમાં સમાધાનનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય… આ બધું કોઈ સમજાવી શક્તું નથી…. બાકી સમાધાનમાં વિન વિન પોઝિશન ક્યારેય હોતી નથી, બનાવવી
પડે છે.
હા, એક સંશોધન તો એવું કહે છે કે જેમને મિત્રો કે સગાઓ સાથે ઓછા
સંબંધ હોય છે, એમનામાં પ્રોટીન ફાઇબ્રિનોજન વધારે હોય છે, પાછું
કેમિકલ લોચા… જે માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. એ લોકો આસાનીથી સમાધાન કરી શક્તા નથી. આ કેવું કેવું શોધતા
ફરે છે…
આપણી આસપાસની દુનિયામાં નજરે ચડે છે કે પુરુષો સમાધાન વહેલું સ્વીકારી
લેતા હોય છે, જ્યારે સ્રી પોતાની વાતમાં અડગ રહી શકે છે. વાસ્તવમાં સ્ત્રી તો શિક્ષણ, લગ્ન, પરિવાર અને સંતાનો સુધી મને કમને અસંખ્ય સમાધાન સ્વીકારતી
હોય છે.
યસ, આપણા મૂળ વિષય સમાધાન
એટલે જ વધુ લોકોને મળતા રહો, મિત્રો બનાવતા રહો, દુનિયા જોતા રહો, લોકોને સમજતા રહો. કોમ્પ્રોમાઇઝ કહો કે એડજસ્ટમેન્ટની આર્ટ આપોઆપ આવડવા લાગશે…
ધ એન્ડ:
ભારતીય પરંપરામાં પ્રશ્ર્નોનું ખૂબ મહત્ત્વ હતું. વેદના વિચારો પરત્વે જે પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા અને ચર્ચા કરવામાં
આવી, જે પ્રશ્ર્નો અને જવાબ આપવામાં આવ્યા તેમાં તર્કનો ઉપયોગ થયો,
જેમાંથી ઉપનિષદોની રચના થઈ. ભગવદ્દ ગીતા સહિત અનેક ગ્રંથો પ્રશ્ર્નોના આધારે રચાયા.
પ્રશ્ર્ન અને તર્કની પરંપરા યાસ્ક સુધી ચાલુ રહી. કેટલીક દંતકથા મુજબ માનવજાતને માર્ગદર્શન આપનારા ઋષિઓ સ્વર્ગે ચાલ્યા ગયા. મનુષ્યોએ ઇશ્ર્વરને પ્રશ્ન પૂછ્યો કે, ઋષિઓ નહીં હોય તો અમારે જવાબ કેવી રીતે શોધવાના?
ઇશ્ર્વરે કહ્યું કે તર્ક તમારો નવો ઋષિ છે, ત્યારથી માનવજાત હંમેશાં વાદવિવાદમાં મસ્ત રહે છે.