નવી મુંબઈ: નવી મુંબઈ મહાનગરપાલિકાની હદમાં તેમજ ખારઘર અને કામોઠેમાં ૧૦ એપ્રિલે સવારે ૧૦ વાગ્યાથી ૧૧ એપ્રિલના સવારે ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠો અમુક સમય માટે સંપૂર્ણપણે બંધ રહેશે. ભોકરપાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ મોરબે ડેમથી દિઘા મુખ્ય પાઇપલાઇનમાં મેઇન્ટેનન્સના કામકાજ સહિત બીજા પણ કેટલાક કામ પર પાડવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્જત – પનવેલ રેલવે લાઈન માટે મોરબે મુખ્ય પાઈપલાઈનને ચિખલે ખસેડવા માટે તેમજ કળંમબોળીમાં એક્સપ્રેસ વે બ્રિજ નીચે પણ ફેરફાર કરવા જેવા કામ હાથ ધરવામાં આવશે.
પરિણામે ભોકરપાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૧૦ એપ્રિલે સવારે ૧૦ વાગ્યાથી ૧૧ એપ્રિલના સવારે ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ કારણોસર નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ કામોઠે અને ખારઘરમાં સોમવારે ૧૦ એપ્રિલ સાંજથી મંગળવાર ૧૧ એપ્રિલ સવાર સુધી પાણીપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત મંગળવારે સાંજે ધીમા દબાણે પાણી મળશે. આ સમય દરમિયાન પાણીનો સંગ્રહ કરવા તેમજ જાળવીને વાપરવાની વિનંતી કરવામાં આવી છે.