હાલમાં ગુજરાતના મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં ઘોંઘાટને લીધે ઘોંઘાટ થઈ રહ્યો છે. મોડી રાત સુધી ખૂબ જ ઊંચા અવાજમાં ચાલતા ડિજે મ્યુઝિકને લીધે રહેવાસીઓએ નાછૂટકે પોલીસની મદદ લેવી પડે છે. માત્ર 18 મહિનામાં અમદાવાદ પોલીસને 10,200 જેટલી ફરિયાદો મળી છે. જોકે અમુક ટૂ વ્હીલરને સિઝ કરવા સિવાય પોલીસે કોઈ પગલાં લીધા નથી કે કોઈ સામે કાર્યવાહી થઈ નથી, તેમ સૂત્રો જણાવે છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગને આ અંગે પૂછ્યા બાદ પોલીસે એક મહિનામાં પાંચ એફઆઈઆર દાખલ કરી દીધાનું સોગંદનામામાં જણાવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ પોલીસ કમિશનરે ધાર્મિક સ્થળોને પણ પોતાના પટ્ટાંગણથી અવાજ બહાર ન જાય તે રીતે લાઉડસ્પીકર લગાવવા જણાવ્યું હતું. કમિશનરના પરિપત્રમાં જાહેર સ્થળો પર માઈક સંગીતવાદ્યોના ઉપયોગ માટે પરવાનગી લેવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. વડોદરામાં પણ સ્થિતિ આવી જ છે. પોલીસ કન્ટ્રોલ રૂમમાં જે ફોનકોલ્સ આવે છે તેના 50 ટકા ડીજેના ઘોંઘાટની ફરિયાદો વાળા જ હોય છે. માથું ફાટી જાય તેવા ડીજે સાઉન્ડને લીધે ત્રાસીને છેલ્લા એક અઠવાડિયામાં વડોદરા પોલીસને લગભગ 400 ફોનકોલ્સ આવ્યા છે. હાલમાં બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી અને આગામી બે-અઢી મહિના પરીક્ષાના હોવાથી ખાસ વિદ્યાર્થીઓ આ સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે.
પોલીસ થોડી હરકતમાં આવી છે અને ડીજે સિસ્ટમ જપ્ત કરી રહી છે. નાના નાના પ્રસંગો માટે પણ ડીજે મ્યુઝિક વગાડવામાં આવે છે. લગ્નમાં ખૂબ મોટી ડીજે સિસ્ટામ વગાડવામાં આવે છે, જેના લીધે લોકો, વરિષ્ઠ નાગરિકો આરામ નથી કરી શકતા. વડોદરા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર દિવસદીઠ ચારેક એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. રાજકોટ પોલીસને પણ દિવસની ચાર કે તેના કરતા વધારે ફરિયાદો આવે છે. ફેબ્રુઆરીમાં મોટા પ્રમાણમાં લગ્નો હોવાથી ડીજે સિસ્ટમ અસહ્ય થઈ ગઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સુરતમાં દિવસની વીસેક જેટલી ફરિયાદો રોજની આવે છે.
નિયમ અનુસાર દિવસ દરમિયાન 55 ડિસેબલ અને રાત્રી દરમિયાન 45 ડિસેબલ સાઉન્ડની પરવાનગી છે.