(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતીઓને ઠગ કહેવાના વિવાદિત નિવેદન બદલ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ફરિયાદ દાખલ કરી ફરિયાદીના વેરિફિકેશન માટે ૧લી મેના રોજ કેસની વધુ સુનાવણી કરવાનો હુકમ કર્યો હતો. ફરિયાદમાં તેજસ્વી યાદવના વિવાદિત નિવેદનના કારણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન થયું હોવાથી તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચલાવી સખત સજા કરવા માગણી કરવામાં આવી છે. અમદાવાદના એક વ્યક્તિ દ્વારા બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ વિરૂધ્ધ ઘી કાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટમાં દાખલ કરી બદનક્ષીની ફરિયાદમાં રજૂઆત કરાઇ હતી કે, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ દ્વારા પ્રેસ-મીડિયા સમક્ષ ‘જો ભી દો ઠગ હૈ ના, જો ઠગ હૈ, ઠગી કો અનુમતિ જો હૈ, આજ કે દેશ કે હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ. ઔર ઉસકે ઠગ કો માફ કિયા જાયેગા, એલઆઇસી કા પૈસા, બેંક કા પૈસા દે દો, ફિર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેદાર હોગા’ એ મતલબના વિવાદિત નિવેદન કર્યા હતા, જેના કારણે ગુજરાતી પ્રજા અને ગુજરાતના સમગ્ર સમાજની બદનામી, માનહાનિ અને અપમાન થયું છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓનું જાહેરમાં ઘોર અપમાન થાય તેવા બદનક્ષીકારક નિવેદનો કરી ગુજરાતીઓને ઠગ કહ્યા છે. તેજસ્વી યાદવે જાણીજોઈને પોતાના અંગત અને રાજકીય લાભ અને સ્વાર્થ ખાતર ગુજરાતીઓને ઠગ કહી ગુજરાતી પ્રજાને માનસિક ત્રાસ અને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ઠગ શબ્દનો અર્થ બદમાશ, ધુતારા, લુચ્ચા, ગુન્હેગાર જેવો થાય છે ત્યારે એક જવાબદાર રાજકીય નેતા હોવા છતાં તેમણે બદનક્ષીકારક એવું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાથી કલમ-૪૯૯ અને ૫૦૦ મુજબ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી સખત કાર્યવાહી કરવા ફરિયાદમાં દાદ માગવામાં આવી છે. કોર્ટે ફરિયાદીની ફરિયાદ દાખલ કરી વેરીફિકેશન માટે ૧લી મેએ સુનાવણી રાખી છે.