અકોલા: મહારાષ્ટ્રના અકોલા ખાતે કથિત પરવાનગી વિના વિરોધ પ્રદર્શિત કરવાની પદયાત્રા યોજવા બદલ શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય નીતીન દેશમુખ તથા ૧૦૦થી વધારે અન્ય પક્ષોના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તા. ૧૦ એપ્રિલના રોજ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં અકોલાથી નાગપુર સુધીની આ પદયાત્રાના આગેવાન દેશમુખ બન્યા હતા, જેમાં દેશમુખના વિધાનસભા મતવિસ્તાર બાલાપુરમાં ૬૯ ગામોમાં પાણીપુરવઠા માટેની માગણી મુખ્ય હતી. ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, કલમ ૧૪૪ના ભંગ બદલ આ કેસ નોંધાયો છે. પદયાત્રા માટે કલેક્ટર કે સંબંધિત અધિકારી પાસેથી કોઈ પરવાનગી લેવાઈ નહોતી.
દરમિયાન, પત્રકારો સાથેની વાતચીતમાં દેશમુખે આ વિરોધ પ્રદર્શનને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મંજૂરી ન આપવાના પગલાની સખત ટીકા કરી હતી. રાજકીય દબાણના પગલે ઉદ્ધવ ઠાકરેને કેસમાં ફસાવવાના બદલે પોલીસ અને જિલ્લા તંત્રે લોકોને રાહત પહોંચાડવા માટે કામ કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)ઉ