કોમોડિટી-રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ મંદ પાડે તેવી શક્યતા સાથે ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું અને રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી રહેતાં સોનામાં ભાવ તેજી તરફી રહ્યા હતા.
જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન સુધારાતરફી વલણ રહેતાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ છતાં ગત સપ્તાહે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯૬ વધી આવ્યા હતા અને રૂ. ૫૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. એકંદરે ભાવમાં મક્કમ ગતિએ સુધારો આગળ ધપી રહ્યો હોવાથી એકંદરે વધ્યા મથાળેથી દેશભરમાં જૂના સોનાના પુરવઠામાં વધારો થયો હતો અને નવાંમાં ખરીદી સ્થગિત જેવી થઈ ગઈ હોવાનું જ્વેલરોએ જણાવતા ઉમેર્યું હતું કે માત્ર લગ્નસરાની છૂટીછવાઈ માગ જોવા મળી રહી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૫ નવેમ્બરના રૂ. ૫૨,૬૬૦ના બંધ સામે સુધારાના ટોને ૫૨,૬૭૩ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૨,૬૭૩ અને ઉપરમાં રૂ. ૫૩,૬૫૬ની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. તેમ જ વાયદામાં પણ ભાવ ગત એપ્રિલના મધ્ય પછીની સૌથી ઊંચી ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૪૬૨ની સપાટીએ પહોંચ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન માગ મંદ પડવાથી ડીલરો સ્થાનિકમાં સોનાના ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ ૧૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
જોકે, ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હતા. તેમ જ આર્થિક વૃદ્ધિની ચિંતા હોવા છતાં પગાર ધોરણોમાં વધારો કરવામાં આવ્યો હોવાના નિર્દેશો મળતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરે તેવી શક્યતા જણાતા ડૉલર ઈન્ડેક્સમાં સુધારા સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજર સોનાના ભાવ પણ ચાર મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફરીને આગલા બંધથી ૦.૪ ટકા ઘટીને ૧૭૯૪.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ભાવ વધીને એક તબક્કે ગત ૧૦ ઑગસ્ટ પછીની ઊંચી ઔંસદીઠ ૧૮૦૪.૪૬ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. હવે રોકાણકારોની નજર આગામી ૧૩-૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, ફેડ ફંડ્સ ફ્યુચર્સમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ૭૫ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.
હાલને તબક્કે સોનાના વૈશ્ર્વિક ભાવ ફેડરલ રિઝર્વના વ્યાજ અંગે વધુ સંવેદનશીલતા ધરાવે છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તો વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોથી રોકાણકારો દૂર રહેતા હોય છે.
વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ કોવિડ-૧૯ નિયંત્રણોને કારણે કામકાજો ઠપ્પ થઈ જતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨થી ૧૨ ડૉલરમાં ઑફર કરી રહ્યા હતા. ચીનમાં કોવિડ-૧૯ના પ્રસારમાં વધારો થવાથી પરિસ્થિતિ વણસતા માગ સ્થગિત અથવા તો અડધી થઈ ગઈ હોવાનું વિશ્ર્લેષક બર્નાર્ડ સિને જણાવતા ઉમેર્યું હતું કે ચીનમાં સોનાના કોઈ મોટા શિપમેન્ટ નથી આવ્યા તેમ જ ચીનની કેન્દ્રવર્તી બૅન્કે સોનાની આયાત માટેનાં કોઈ ક્વૉટાની જાહેરાત નથી કરી. જોકે, આગામી થોડા દિવસોમાં કોવિડ-૧૯ નિયંત્રણો હળવા થવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી
રહ્યા છે.
અમેરિકામાં ફુગાવામાં ઘટાડાના સંકેતો સાથે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરવાના સંકેત આપ્યો હતો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહેતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે ત્રણ સપ્તાહનો સૌથી મોટો ૨.૪ ટકા જેટલો વધારો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સનાં વિશ્ર્લેષકો જણાવ્યું હતું કે ટેક્નિકલ દૃષ્ટિએ સોનાના વૈશ્ર્વિક ભાવ માટે ઔંસદીઠ ૧૮૧૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને ૧૭૭૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદા માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૫૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૪,૨૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે.