જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં પ્રશાસને મંગળવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના સૈનિકો દ્વારા વધુ વિસ્તારના વર્ચસ્વને સુનિશ્ર્ચિત કરવા માટે એક કિલોમીટરના પટમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દીધો છે.
એક સત્તાવાર આદેશ અનુસાર હાલના ધુમ્મસભર્યા વાતાવરણમાં સરહદ પારથી ઘૂસણખોરી અને ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરીના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં
આવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અનુરાધા ગુપ્તા દ્વારા જારી કરાયેલા આદેશમાં સાંબા જિલ્લામાં ઇન્ટરનેશનલ બોર્ડર (આઇબી) થી એક કિલોમીટર સુધીના વિસ્તારમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પરના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં રાત્રિના ૯ વાગ્યાંથી સવારે ૬ વાગ્યા સુધી કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ આગળ વધી શકશે નહીં.
જિલ્લા-સ્તરની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન, બોર્ડર સિક્યુરિટી ફોર્સના સત્તાવાળાઓએ સરહદથી દરરોજ રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી એક કિલોમીટર લાંબી પટ્ટી પર નાઇટ કર્ફ્યૂ લાદવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેથી તેઓ તેમની ફરજો વધુ અસરકારક રીતે નિભાવી શકે.
ડીએમએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદના વિસ્તારની નજીકની નાપાક પ્રવૃત્તિઓને રોકવા માટે આ આદેશ અપાયો છે.
આદેશમાં જણાવાયું છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એવું અનુભવાયું હતું કે સરહદી વિસ્તારોમાં લોકોની હિલચાલને નિયંત્રિત કરવી યોગ્ય છે, જેથી કરીને સરહદી વિસ્તારમાં બીએસએફને ભારતીય સુરક્ષા માટે પ્રતિકૂળ તત્ત્વોની નાપાક યોજનાઓને
નષ્ટ કરી શકવામાં સરળતા રહે.
(એજન્સી)ઉ