કોરોના મહામારીએ તમામ વેપારધંધાઓને અસર કરી છે. છેલ્લા એકાદ વર્ષમાં ધીમે ધીમે મંદી ઓસરતી હોવાના અહેવાલ આવે છે, પરંતુ અમુક ઉદ્યોગો હજુ પણ મંદીમાંથી બહાર નીકળી શક્યા નથી. ગુજરાતનું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર આમાંનું એક છે. જોકે રેસિડેન્શિયલ સેકટર તો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યું છે, પરંતુ કોમર્શિયલ સેક્ટર પર હજુ મંદીના વાદળો છવાયેલા છે.
કોવિડ-19 રોગચાળાને પગલે ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. અમુક શહેરોમાં રહેણાંક મિલકતોની માંગ આસમાને પહોંચી હતી, પરંતુ કોમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટને નોંધપાત્ર ફટકો પડ્યો હોવાનું માર્કેટના નિષ્ણાતો જણાવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટના નવા સપ્લાયમાં 80%નો મોટો ઘટાડો થયો છે. કોરોના બાદ લોકડાઉનની રિટેલ અને ઓફિસ સ્પેસ બજારો પર નુકસાનકારક અસર પડી છે, જેના કારણે ડેવલપર નવા પ્રોજેક્ટ લોંચ કરતા પહેલા ખચકાય છે.
2017-18 માં, ગુજરાતે 54. 20 લાખ ચોરસ મીટરના કમ્બાઈન કાર્પેટ એરિયા સાથે, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી (ગુજરેરા) સાથે નોંધાયેલા 411 કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લોંચ કર્યા હતા. જો કે, આ સંખ્યા વર્ષોથી સતત ઘટી રહી છે. 2021-22માં, 12. 64 લાખ ચોરસ મીટરના કાર્પેટ એરિયા સાથે માત્ર 241 કોમર્શિયલ પ્રોજેક્ટ નોંધાયા હતા, અને 2022-23માં કુલ 8. 36 લાખ ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર સાથે સંખ્યા ઘટીને 172 પ્રોજેક્ટ થઈ ગઈ હતી. 2017-18માં કુલ કોમર્શિયલ પ્રોપર્ટી પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 19,399 કરોડ હતો, જે 2022-23માં 79. 2% ઘટીને રૂ. 4,026 કરોડ થયો હતો.
ગુજરેરા ડેટા અનુસાર ગુજરાતના કમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં એકલું અમદાવાદ લગભગ 40% યોગદાન આપે છે કારણ કે રાજ્યભરના રોકાણકારો શહેરમાં રોકાણ કરે છે.
આ અંગે કર્મશિયલ સેક્ટરમાં જાણીતું નામ એવા ડેવલપર જીગર મોટાએ મુંબઈ સમચારને જણાવ્યું હતું કે આ કર્મશિયલ રિઅલ એસ્ટેટ સેક્ટર માટે આ માહોલ કોરોના મહામારીને લીધે અને ખાસ કરીને તાજેતરમાં અમેરિકન અર્થવ્યવસ્થામાં સર્જાયેલી સમસ્યાઓને લીધે સર્જાયો છે. કોરોના બાદ ધીમે ધીમે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ઓછું થશે અને ફરી ઓફિસ સ્પેસ લીઝ પર કે રેંટલ બેઝીઝ પર લેવામાં આવશે તેવી અમને આશા હતી, પરંતુ આમ બન્યું નથી. જોકે હાલમાં રેંટમાં ખાસ કોઈ ઘટાડો નોંધાયો નથી, પરંતુ નવા પ્રોજેક્ટ લોંચ કરી શકાય તેવી સ્થિતિમાં રિઅલ એસ્ટેટ સેક્ટર નથી. આર્થિક મંદીના માહોલને લીધે કંપનીઓના એક્પાન્શન પ્લાન પણ વિલંબમાં મૂકાયા છે. તેમના કહેવા અનુસાર જૂન મહિનામાં ચિત્ર વધારે સ્પષ્ટ થશે.