નવી દિલ્હી: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલ.પી.જી. સિલિન્ડરના ભાવમાં પહેલી મેથી રૂા. ૧૭૧.૫૦નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી હવે દિલ્હીમાં ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલ.પી.જી. સિલિન્ડરની કિંમત રૂા. ૧૮૫૬.૫૦ની થઈ છે. જોકે, ઘરવપરાશના એલ.પી.જી. સિલિન્ડરમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી.
કોલકાતામાં ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ આ અગાઉ રૂા. ૨૧૩૨.૦૦ હતો તે હવે પહેલી મેથી રૂા. ૧૯૬૦.૫૦નો થયો છે. મુંબઈમાં આ સિલિન્ડરનો ભાવ રૂા. ૧૯૮૦ હતો તે હવે ઘટીને રૂા. ૧૮૦૮ થયો છે, જ્યારે ચેન્નાઈમાં અગાઉ રૂા. ૨૧૯૨નું ૧૯ કિલોવાળું સિલિન્ડર હતું તેનો નવો ભાવ હવે રૂા. ૨૦૨૧નો થયો છે. રાજ્ય આધારિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)એ આ અગાઉ પહેલી એપ્રિલે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂા. ૯૧.૫૦નો ઘટાડો કર્યો હતો એમ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું હતું. એ અગાઉ એક માર્ચ-૨૦૨૩નાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂા. ૩૫૦નો વધારો કરવામાં આવ્યો હતો.
અત્યારે ઘરવપરાશના ૧૪.૨ કિલોવાળા એલ.પી.જી. સિલિન્ડરના ભાવ દિલ્હીમાં રૂા. ૧,૧૦૩, કોલકાતામાં રૂા. ૧,૧૨૯, મુંબઈમાં રૂા. ૧૧૧૨.૫૦ અને ચેન્નાઈમાં રૂા. ૧૧૧૮.૫૦ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) દ્વારા અગાઉના મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાંની કિંમતની સરેરાશનો આધાર લઈને દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે.
એ જ રીતે એટીએફનાં ભાવમાં પણ ૨.૪૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાં પરિણામે એક કિલોલીટર દીઠ રૂા. ૨,૪૧૪.૨૫ પૈસાનો ઘટાડો થયો છે અને દિલ્હીમાં એટીએફનો નવો દર કિલોલીટર દીઠ રૂા. ૯૫,૯૩૫.૩૪ પૈ.નો થયો છે.
સતત ત્રીજે મહિને એટીએફનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલી માર્ચે તેમાં ચાર ટકાનો ઘટાડો કરાયો હતો, તેથી કિલોલીટર દીઠ રૂા. ૪,૬૦૬.૫૦નો ઘટાડો થયો હતો અને પહેલી એપ્રિલે ૮.૭ ટકાનો ઘટાડો થયો હતો એટલે કે કિલોલીટર દીઠ રૂા. ૯,૪૦૦.૬૮ પૈ.નો ઘટાડો નોંધાયો હતો.