Homeઉત્સવમંત્રીજી પધારો ને ફાયદા કરાવો!

મંત્રીજી પધારો ને ફાયદા કરાવો!

વહીવટી તંત્ર એવા કેટલાએ ઐતિહાસિક મહત્ત્વનાં કામો જે વર્ષોથી નથી કરી શક્યું, એ પ્રધાનમંત્રીની મુલાકાતના સુવર્ણ અવસર પર કરવામાં આવે છે

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

જો તમે અચાનક ક્યારેક જુઓ કે રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તો એવું ના વિચારતા કે ૬હમારે અચ્છે દિન આ ગયે! આ તો ભૈ, રેલવેમંત્રી ત્યાંથી પસાર થવાના છે અને એવી શક્યતા છે કે એ સ્ટેશન પર ઊતરશે! એક સ્ટેશનના જીવનમાં આ કોઈ નવાઈની વાત નથી કારણકે આની પહેલા પણ સ્ટેશનની સફાઈ ત્યારે જ કરવામાં આવી હતી, જ્યારે ભૂતપૂર્વ રેલવેમંત્રી અહીંથી પસાર થયા હતા!
આવી જ રીતે જ્યારે શિક્ષામંત્રી સ્કૂલની મુલાકાત માટે નીકળે છે, ત્યારે સ્કૂલના ક્લાસરૂમની સફાઈ થવા માંડે છે. પછી એ કામ વિદ્યાર્થીઓ કરે, શિક્ષકો કરે કે પછી સ્કૂલના પ્રિન્સિપાલ કરે! સફાઈ ચોકકસ થઈ જાય છે.
મતલબ કે મંત્રીઓની મુલાકાતથી દેશને ઘણો ફાયદો થાય છે. આપણે ઈચ્છા રાખીએ કે આ મંત્રી જાતિ અને વંશના વિશેષ લોકો હંમેશાં હરતા-ફરતા રહે! ખુરશી પર બેસીને તો આ દેશનું તો ભલું નહીં જ કરી શકે. પણ એમના પ્રવાસ કરવાથી જો થોડી ગંદી જગ્યાએ ઝાડુ પણ લાગી જાય તો હું કહીશ એમનું જીવન સફળ છે!
હમણાં જ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી રાજ્યના (મધ્યપ્રદેશના) આદિવાસી જિલ્લાઓમાં ગયા તો એ રાજ્યની સરકારને (મધ્યપ્રદેશની સરકારને) ચિંતા થવા માંડી કે જલ્દીથી આ વિસ્તારને સુંદર અને રળિયામણો કેવી રીતે બનાવવો જોઈએ? એ વિસ્તારની સફાઈ કરવામાં આવી, ખાડાઓ ખોદી એમાં વૃક્ષો વાવવામાં આવ્યા. જોત જોતામાં આખું વાતાવરણ લીલુંછમ થઈ ગયું.
ભારતીય માણસ માટે હરિયાળી, ખુશીની ઓળખ સમાન છે. તેથી આશા હતી કે પ્રધાનમંત્રીની તબિયત આવું સરસ વાતાવરણ જોઈને પ્રસન્ન થઈ જાય. પણ એક અવળચંડા આદિવાસીએ પ્રધાનમંત્રીને ફરિયાદ કરી કે “આ બધી સાફ-સફાઈ અને હરિયાળી તમે જોઈ રહ્યા છો એ કાલે જ સરકારી કર્મચારીઓના પ્રયાસથી ઊભું કરવામાં આવ્યું છે અને વૃક્ષો તો પરમ દિવસે જ ખાડા ખોદીને જ વાવવામાં આવ્યા છે!
એ જ ક્ષણે પ્રધાનમંત્રીને પોતાનું કેટલું મહત્ત્વ છે એની ખબર પડી ગઈ હશે. રાષ્ટ્રના વિકાસ માટે એમની મુલાકાત કેટલી જરૂરી છે! રાતોરાત વૃક્ષો વાવવામાં આવે, રસ્તાઓ ખાડા વગરના એકદમ સરસ થઈ જાય છે, હેલીપેડનું સમારકામ કરવામાં આવે છે, સરકારી કચેરીઓની સાફ-સફાઈ, રંગરોગાન થઈ જાય છે, સરકારી ગેસ્ટ હાઉસમાં નવી ચાદર, નવા ટુવાલ આવી જાય છે, સરકારી કચેરીઓમાં પંખાઓ રિપેર થઈ જાય છે, જૂની લાઈટો બદલવામાં આવે છે, સરકારી ગાડીઓ રિપેર કરાવી દેવાય છે.
મતલબ કે, જિલ્લાઓ અને રાજ્યોના વહીવટી તંત્ર એવા કેટલાએ ઐતિહાસિક મહત્ત્વનાં કામો જે વર્ષોથી નથી કરી શક્યું, એ પ્રધાનમંત્રીની મુલાકાતના સુવર્ણ અવસર પર કરવામાં આવે છે. જેમ કે, એ ખેડૂતો જેમને જમીન આપવી, જે એમને આપવામાં આવતી ન હતી અથવા તો સરકારી રેશનની દુકાન પર માલની અછત પૂરી કરવી અથવા સ્કૂલના છોકરાઓને રમત-ગમતનાં સાધનો આપવા વગેરે..
દેશના સંપૂર્ણ વિકાસમાં પ્રધાનમંત્રીનું બહુ મહત્ત્વ હોય છે. અને એમની મુલાકાતનું તો એનાથી પણ વધારે મહત્ત્વ હોય છે! પ્રધાનમંત્રીએ દેશના બધા જિલ્લાઓ અને રાજ્યમાં મુલાકાત લેવી જોઈએ, આ કામ એમણે ચોક્કસ કરવું જોઈએ. કમસેકમ ઝાડુથી સફાઈ તો થઈ જશે અને રાતોરાત તો રાતોરાત, પણ થોડાંક વૃક્ષો તો વાવવામાં આવશે! એમાં ખોટું શું છે?
પ્રધાનમંત્રીનો આ જ તો ફાયદો છે દેશને!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -