ગુજરાતમાં ચોમાસું લાંબુ ખેંચાયા બાદ શિયાળો પણ મોડો ચાલુ થયો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી કચ્છ સહિત ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠંડીની શરૂઆત થઇ છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ કચ્છના નલિયામાં ન્યુનતમ તાપમાન સિંગલ ડીજીટમાં નોંધાયું હતું. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજાવી નાખતી ઠંડી પડે એવી સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે. છેલ્લા થોડા દિવસોથી રાત ઉપરાંત દિવસ દરમિયાન પણ વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. કચ્છના નલિયામાં સિંગલ ડીજીટ તાપમાનમાં પહોંચ્યું હતું.
હવામાન વિભાગ દ્વરા આપાયેલી માહિતી મુજબ રાજ્યમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયું હતું તો વડોદરામાં સૌથી વધુ 20.6 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું ન્યૂનતમ તાપમાન 17.8 ડિગ્રી રહ્યું હતું, દમણમાં 20.2, ભાવનગરમાં 18, ડીસામાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.1 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી તો સુરતમાં 20.8 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું હતું.
વામાન વિભાગની આગાહી મુજબ આ સપ્તાહમાં ઠંડી વધવાના કોઈ અણસાર દેખાતા નથી. ભુજ, કંડલા અને નલિયા સહિત જિલ્લામાં એક સપ્તાહમાં ન્યૂનતમ તાપમાન એક ડિગ્રી સુધી ઉપર નીચે જઈ શકે છે.