નવેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે નાલીયા કરતા ગાંધીનગરમાં તાપમાન નીચું નોંધાયું હતું. ગાંધીનગરમાં બુધવારે લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અમદાવાદમાં 15.1 ડિગ્રી જ્યારે નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડીનું જોર વધતા લોકોએ હવે સ્વેટર પહેરવાનું શરુ કર્યું છે. હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે 30 નવેમ્બર સુધી ગુલાબી ઠંડી રહેશે પરંતુ ડિસેમ્બરનાં પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે.
અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં આગામી 3 દિવસ 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર વધવાની સાથે સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે.
આ સાથે ગઈકાલે વડોદરામાં 13.6, અમરેલી-જુનાગઢમાં 14, ડીસામાં 15.1, રાજકોટમાં 15.8, ભાવનગરમાં 16.6, પોરબંદર-સુરતમાં 17, ભૂજમાં 17.4, કંડલામાં 17.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાનના દિવસોમાં ઠંડીનું જોર વધારે રહેશે છે. 1લી અને 5મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યારે હવામાન તજજ્ઞોના જણવ્યા પ્રમાણે ડિસેમ્બરના પહેલા સપ્તાહથી લઈને 10 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે.