Homeઆમચી મુંબઈમુંબઈમાં ઠંડીનું જોર યથાવત્: પારો ૧૫.૨ ડિગ્રી

મુંબઈમાં ઠંડીનું જોર યથાવત્: પારો ૧૫.૨ ડિગ્રી

ઉફ્ફ ઠંડી!:મુંબઈમાં ઠંડીનો પારો ગગડતા સંજય ગાંધી નેશનલ પાર્ક ખાતે તાપણું તપાવીને ઠંડીમાં ગરમીથી રક્ષણ મેળવતા મહિલાઓ જોવા મળી હતી. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી શિયાળાની ઠંડીનો બરોબરનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈમાં તાપમાનનો પારો સતત ૧૫ ડિગ્રીની નીચે નોંધાઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન નિફાડમાં ૭.૬ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
હાલ મુંબઈગરા હિલસ્ટેશનમાં હોય તેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તેથી વહેલી સવારે અને મોડી રાતના ઘરની બહાર નીકળનારાઓને શાલ-સ્વેટર પહેરવા પડી રહ્યા છે. મંગળવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન ૧૮.૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી નોંધાયું હતું. આ અગાઉ સોમવારે મુંબઈમાં લઘુતમ તાપમા ૧૫.૪ ડિગ્રી તો રવિવારે ૧૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રવિવારના નોંધાયેલું નીચું તાપમાન મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
રવિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો મુંબઈમાં જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ ૧૧ જાન્યુઆરી, ૧૯૬૨નો રહ્યો હતો. એ દિવસે મુંબઈમાં ૭.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં હાલ પણ અનેક જિલ્લામાં ભારે ઠંડી પડી રહી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નાશિક નજીકના નિફાડમાં રહી હતી. અહીં તાપમાનનો પારો ૭.૬ ડિગ્રી નોંધાયો હતો. તો નાશિકમાં લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી, ઔરંગાબાદમાં ૧૧.૦ ડિગ્રી, બારામતીમાં ૧૨.૪ ડિગ્રી, પરભણીમાં ૧૫.૨ ડિગ્રી, સાતારામાં ૧૧.૯ ડિગ્રી, પુણેમાં ૧૦.૨ ડિગ્રી, જાલનામાં ૧૫.૦ ડિગ્રી, જળગાંવમાં ૧૦.૩, મુંબઈ નજીકના હિલસ્ટેશન માથેરાનમાં ૧૪.૪ ડિગ્રી અને મહાબળેશ્ર્વરમાં ૧૩.૫ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ આગામી દિવસમાં મુંબઈ સહિત રાજ્યમાં ઠંડીનું જોર કાયમ રહેશે, કારણકે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ફરી હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાની અને ઠંડી વધવાની શક્યતા છે. તેની અસર મુંબઈ સહિત રાજ્યને વર્તાશે.
પ્રદૂષણમાં મુંબઈએ દિલ્હીને પાછળ રાખ્યું
છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત નવી મુંબઈમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત કથળી રહ્યું છે. મુંબઈ સહિત નવી મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ દિલ્હી કરતા પણ ઊંચો રહ્યો હતો. મંગળવારે દિલ્હીમાં એક્યુઆઈ ૩૦૮ નોંધાયો હતો. તેની સામે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૩૧૨ નોંધાયો હતો. તો નવી મુંબઈનો એક્યુઆઈ ૩૬૮ જેટલો ઊંચો એકદમ જોખમી સ્તરે નોંધાયો હતો. મુંબઈમાં કોલાબામાં એક્યુઆઈ ૩૦૮, મઝગાંવમાં ૩૫૬, ચેંબુરમાં ૩૬૩, બીકેસીમાં ૩૧૨, અંધેરીમાં ૩૧૯ અને ભાંડુપ એક્યુાઈ ૨૭૩ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -