(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા હજી પણ શિયાળાની ઠંડીના આગમનની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સોમવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન ઔરંગાબાદમાં ૧૨.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના કહેવા મુજબ રાજ્યમાં આગામી દિવસમાં તાપમાન હજી નીચું નોંધાઈને ઠંડી વધવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર બાદ હવે અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. તેથી દક્ષિણ ભારતમાં ચોમાસા જેવી પરિસ્થિતિ જણાઈ રહી છે. તો તેની અસર મહારાષ્ટ્રમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યના અમુક ભાગમાં અંશત: વાદળિયું વાતાવરણ નિર્માણ થઈને મહત્તમ તાપમાનમાં થોડો વધારો થતા ઠંડી ઘટી ગઈ છે. હજી બે દિવસ આવું જ વાતાવણ રહેશે. ત્યાર બાદ જોકે રાતના મહત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થઈને ઠંડીમાં વધારો થશે એવું હવામાન ખાતાનું કહેવું છે.
રાજ્યમાં ગયા અઠવાડિયામાં આકાશ સ્વચ્છ અને સૂકું રહેતા રાતના સમયમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના મોટા ભાગના વિસ્તારમાં રાતના ઠંડકમાં વધારો થયો હતો. હાલ દક્ષિણ તરફ ઈશાનના મોસમી પવનોના પ્રભાવથી હાલ વરસાદ પડી રહ્યો છે. જોકે બે-ત્રણ દિવસમાં ફરી ઠંડી પડવાનું ચાલુ થઈ જશે.
આ દરમિયાન સોમવારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન મરાઠવાડના ઔરંગાબાદ જિલ્લામાં ૧૨.૮ નોંધાયું હતું. વિદર્ભમાં હાલ દિવસના ગરમીનો પારો ઊંચો નોંધાઈ રહ્યો છે, તો રાતના સમયમાં તાપમાનમાં ઘટાડો થઈને લઘુતમ તાપમાનનો પારો ૧૩થી ૧૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે.
સાંતાક્રુઝમાં સોમવારે મહત્તમ તાપમાન ૩૪.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી નોંધાયું હતુંં. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું.
—
મુંબઈમાં હવાની ગુણવત્તા ફરી ઘસરી
શિયાળાના આગમન સાથે જ દેશની રાજધાની દિલ્હીની માફક જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. છેલ્લા અનેક દિવસોથી ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો નોંધાઈ રહ્યો છે. જોકે સોમવારે મુંબઈમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો જણાયો હતો. રવિવારે મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૩૫ નોંધાયો હતો, તેની સામે સોમવારે ૧૮૩ નોંધાયો હતો. જોકે સોમવારે પણ મુંબઈના મઝગાંવ અને મલાડમાં હવાની ગુણવત્તા એકદમ ઘસરેલી જ જણાઈ હતી. સોમવારે અંધેરીમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૧૧ તો મલાડમાં ૨૨૮ નોંધાયો હતો.