મુંબઈઃ પાણી અને વીજદર વધારાના પ્રસ્તાવ વચ્ચે મુંબઈગરાને થોડીઘણી રાહત મળે એવા સમાચાર આવી રહ્યા છે. મુંબઈ અને ઉપનગરમાં સીએનજીના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હવે 87 રૂપિયા કિલોના ભાવે સીએનજી મળશે.
એક બાજુ પેટ્રોલ અને ડિઝેલની કિંમત વધી રહી હોવાને કારણે મુંબઈગરાનું બજેટ ખોરવાઈ ગયું હતું. આની સાથે સાથે સીએનજીના દર પણ દરરોજ વધી રહ્યા હતા. પરંતુ હવે પહેલી જ વખત સીએનજીની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસની કિંમત લાગુ કરવામાં આવી છે. 87 રૂપિયાના ભાવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી મળશે, જેને કારણે રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોને રાહત મળશે.
સીએનજીના આ દરમાં ઘટાડાને કારણે બધાને જ દિલાસો મળશે. છેલ્લાં કેટલાક દિવસોથી સતત સીએનજીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો હતો, પણ હવે પહેલી જ વખત દરમાં ઘટાડો થતાં નાગરિકોને આંશિક રાહત મળી છે.