મુંબઈઃ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ચૂંટણી પંચ દ્વારા શિવસેના પક્ષનું નામ અને ધનુષ્યબાણ આપ્યા બાદ હવે શિંદેને એક ખાસ ભેટ મળી છે અને એ પણ અંબરનાથનાં ભૂતપૂર્વ નગર અધ્યક્ષા પ્રજ્ઞા બનસોડે દ્વારા. બનસોડેએ સીએમ શિંદેને એક તોલાનું સોનાનું ધનુષ્યબાણ ભેટમાં આપ્યું હતું અને ખુદ સીએમ શિંદે આ ભેટને જોઈને ચોંકી ગયા હતા.
મુંબઈમાં થયેલી શિવસેનાની કોર કમિટીની બેઠક બાદ પ્રજ્ઞા બનસોડેને આ સોનાનું ધનુષ્ય-બાણ ભેટમાં આપ્યું હતું. હિંદુત્ત્વનો વારસો આગળ વધારનારા સીએમ શિંદેને આ સોનાનું ધનુષ્ય બાણ ભેટમાં મળવું એ આનંદ અને અભિમાનની પળ છે. આ હંમેશાની એક યાદગિરી બની રહે એ માટે આ અનોખી ભેટ સીએમ શિંદેને આપી હોવાનું બનસોડેએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષનું નામ અને ધનુષ્યબાણનું ચૂંટણી ચિહ્ન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના આ નિર્ણય બાદથી જ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ધનુષ્ય-બાણ ચૂંટણી ચિહ્ન અને નામ સીએમ શિંદેને આપીને ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ઝોર કા ઝટકા ઝોરસે જ આપ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
દરમિયાન રાજ્યના સત્તાસંઘર્ષ મુદ્દે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આજની સુનાવણી પૂરી થઈ હોઈ આવતી કાલ આ સુનાવણીનો અંતિમ દિવસ હશે. બંને બાજુથી જોરદાર યુક્તિવાદ ચાલી રહ્યો હોઈ આવતી કાલે ફરી એક વખત શિંદે જૂથ તરફથી નીરજ કિશન કૌલ યુક્તિવાદ કરશે અને આ બાબતની સુનાવણી આ જ અઠવાડિયામાં પૂરી કરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે.