રત્નાગિરીઃ આજે મુખ્ય પ્રધાન એકનાશ શિંદે ખેડમાં છે અને તેઓ જાહેર સભાને સંબોધી રહ્યા છે. આ બેઠકમાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધતા તીખા તીખા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં તેમણે કોંકણના લોકો તેમની સાથે હોવાનો દાવો પણ કર્યો હતો.
પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે જે કોંગ્રેસે દેશને લૂંટી, મુંબઈમાં બોમ્બસ્ફોટ કરાવડાવ્યા એમની સાથે મળીને સરકાર બનાવી લીધી. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો, જેમણે બાળાસાહેબ ઠાકરેનું સપનું પૂરું કર્યું એમની સાથે જવાની અમારી ભૂમિકા કઈ રીતે ખોટી હોઈ શકે એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો.
આ શિંદે ગદ્દાર નથી, ખુદ્દાર છે. શિંદેના લોહીમાં બેઈમાની નથી. અમે તમારી જેમ સત્તા માટે આંધળી દોટ નથી મૂકી, એવું શિંદેએ વધુમાં જણાવ્યું હતું. સીએમ શિંદે હાલમાં ખેડના ગોળીબાર મેદાનમાં જાહેર સભાને સંબોધી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમી માર્ચના ઉદ્ધવ ઠાકરેએ પણ આ જ મેદાન પર સભને સંબોધ કર્યું હતું. હવે એ જ મેદાન પરથી સીએમ શિંદે ઠાકરેને જવાબ આપી રહ્યા છે.
શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ પહેલાં મુખ્ય પ્રધાન નહીં થાય એવું કહ્યું હતું, ત્યાર બાદ પવાર સાહેબે કહ્યું એટલે સીએમ થયો એવું કહ્યું. ચાલો એ વાત પણ જવા જઈએ. પછી તમે હિંદુત્વની ભૂમિકા જ છોડી દીધી. બાળાસાહેબનો વિચાર બાજુએ મૂકી દીધો અને રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવવા નીકળી પડ્યા.
કોંકણના લોકોએ બાળાસાહેબને પ્રેમ કર્યો છે, તેમના વિચારોને સમર્થન આપ્યું. અમે એ જ વિચારો લઈને આગળ વધી રહ્યા છીએ, એટલે કોંકણ પોતાની સાથે છે એવું પણ સીએમ શિંદેએ જણાવ્યું હતું. આજની સભામાં જોવા મળેલી ભીડને જોઈને એમને પણ સવાલ થયો હશે અને તમારી હાજરીથી એમના સવાલનો જવાબ પણ એમને મળી જ ગયો હશે, એટલે અમારે અલગથી જવાબ આપવાની જરૂર નથી. કોંકણી માણસ બહારથી ફણસ જેવો અને અંદરથી એકદમ હળવો હોય છે… તે એક વખત જો શબ્દ આપે છે તો તેમાંથી તે પાછો ફરતો નથી.
ઉદ્ધવ ઠાકરે દ્વારા શિંદે જૂથને ગદ્દારનો ટેગ આપવામાં આવ્યો હતો એ બાબતે વાત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગદ્દારી અમે નથી કરી. ગદ્દારી 2019માં તમે કરી હતી. સત્તા માટે બાળાસાહેબના વિચારો સાથે તમે ગદ્દારી કરી હતી, એવા શબ્દોમાં સીએમ શિંદેએ ટીકા કરી હતી. સત્તા માટે તમે શું કર્યું એ બધાને જ ખબર છે. જે લોકો સાથે અમે ચૂંટણી લડ્યા એ લોકો સાથે જ અમે ગયા છીએ. હિંદુત્ત્વને લગાવવામાં આવેલા ડાઘને ભૂંસવાનું કામ અમે લોકોએ કર્યું છે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.