મુંબઈઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે શિવસેના પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન બંને વસ્તુઓ સીએમ એકનાથ શિંદેને આપવાનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. છેલ્લાં બે દિવસથી ઉદ્ધવ ઠાકરે તો માતોશ્રી પર બેઠકો બોલાવી જ રહ્યા છે, પણ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આવતીકાલે શિવસેનાના રાષ્ટ્રીય કાર્યકારિણીઓની એક મહત્ત્વની બેઠક બોલાવી છે.
ચૂંટણી પંચના નિર્ણયને કારણે ઠાકરે જૂથમાં સોંપો પડી ગયો છે જ્યારે શિંદે જૂથમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પંચના આ ચૂકાદાની સામે ઠાકરે જૂથ કોર્ટમાં જશે. દરમિયાન સત્તાવાર રીતે પક્ષનું નામ અને ચિહ્ન મળી જતાં જ શિંદે જૂથે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્ત્વની બેઠક આવતી કાલે બોલાવી છે.
સીએમ શિંદેની પ્રમુખ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે અને આ બેઠકમાં પક્ષની આગળની રણનીતિ, લક્ષ્ય અને ધોરણો બાબતે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આજે એકનાથ શિંદેના વિધાનસભ્યોએ વિધાનસભામાં આવેલી શિવસેનાની ઓફિસનો તાબો મેળવી લીધો છે.
આ કાર્યકારિણીઓની બેઠક આવતી કાલે સાંજે સાત વાગ્યે તાજ પ્રેસિડેન્ટ ખાતે યોજાશે. આ બેઠકમાં શિવસેનાના વિધાનસભ્યો, સાંસદો અને મહત્ત્વના પદાધિકારીઓએ ઉપસ્થિત રહેશે.