મુંબઈઃ લોકોની ભીડ, તેમની સમસ્યા અને કામો એ જ મારી ઊર્જાનું ટોનિક છે. લોકોના કામો તો કરવા જ પડશે, નહીં તો તેઓ બોલશે કે મુખ્ય પ્રધાન બદલાઈ ગયા, એવું નિવેદન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યું હતું. મુંબઈમાં યોજાયેલા એક સમારંભમાં હાજરી આપવા ગયેલા મુખ્ય પ્રધાને પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમની એનર્જીના સોર્સ વિશે વાત કરતાં આવું નિવેદન આપ્યું હતું.આ પહેલાં જ્યારે સત્તાંતર થયું એના ત્રણ દિવસ પહેલાંથી હું એક પણ મિનીટ માટે ઉંઘી જ નહોતો શક્યો. હાલમાં ચોક્કસ જ મારી પાસે કામનો બોજો છે. લોકોને મળવું, સરકારી કામો અને મીટિંગ હોય છે. જવાબદારી પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરું છું અને એને કારણે ઘણી વખત પૂરતો આરામ કે ઉંઘ નથી થતી, એવું પણ શિંદેએ વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિંદેએ આગામી બે વર્ષમાં મુંબઈમાં એક ખાડો નહીં જોવા મળે. મુંબઈમાં દુનિયાભરથી લોકો આવે છે. મુંબઈ એ એક ફાઈનાન્શિયલ હબ બની ચૂક્યું છે. મુંબઈ જેવી છે એવી જ લોકોને આપવાનું કામ અમે કરીએ છીએ. મુંબઈગરાને બે વર્ષમાં ખાડામુક્ત મુંબઈ આપવાનું અમારું લક્ષ્ય છે. હાલમાં 400 કિમી સીસી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી સમયમાં વધુ 400 કિમીના ખાડામુક્ત રસ્તા મુંબઈગરાને આપવામાં આવશે, એવું તેમણે ઉમેર્યું હતું.
દાવોસ વિઝિટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકારે હાલમાં જ 1 લાખ 37 હજાર કરોડના એમઓયુ કર્યા છે. આ બધા કરાર ઉદ્યોગ લાવવા માટેના છે. દાવોસ મુલાકાત સફળ રહી છે અને મોટા મોટા ઉદ્યોગો મહારાષ્ટ્રમાં આવશે. જે કરાર દાવોસમાં થયા છે તેની અમલબજાવણી થતાં મહારાષ્ટ્રમાં રોજગારીની લાખો તક ઉપલબ્ધ થશે.