નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા રહીશોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવતા હોય છે. ત્યારે આવા ફિલ્ટર પ્લાન્ટને સમયાંતરે જાળવણી થાય અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરી કે સાધનોની જાળવણી થાય તે ખૂબ જરૂરી છે.
સ્થાનિક તંત્રની નાની ભૂલ કે બેદરકારી હાજારો માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું જ કંઈક બન્યું હતું મોડોસામાં, પરંતુ સમયસર પગલાં લેવાતા દુર્ઘટના ટળી હતી.
મોડાસા શહેરની લાખોની વસ્તી માટે મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા શુદ્ધ અને ફિલ્ટર્ડ પીવાનું પાણી મળી રહે તે માટે મોડાસા શહેરના ધુણાઈ રોડ પર વારીગૃહના કેમ્પસમાં ફિલ્ટર પ્લાન્ટ નાખેલો છે. આ પ્લાન્ટમાં પાણીના શુદ્ધિકરણ માટે જરૂરી ક્લોરીન ગેસનો વપરાશ માટે ક્લોરીનના સિલિન્ડર રાખવા પડે છે. ત્યારે આ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ ઉમેરવાની પ્રોસેસ વખતે પ્લાન્ટમાં યોગ્ય જાળવણી સાથે મેન્ટેનન્સ પણ કરવું પડે છે. ત્યારે મોડાસા નગરપાલિકા સંચાલિત વારીગૃહના ફિલ્ટર પ્લાન્ટમાં એકાએક ક્લોરીન ગેસ લિકેઝ થતા અફરા તફરી મચી હતી.
આસપાસની દસથી વધુ સોસાયટીના વિસ્તારોમાં રહીશોને આંખો બળવી, શ્વાસ રૂંધાવો, બળતરા જેવી સમસ્યા પેદા થઈ હતી. ત્યારે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે વારીગૃહના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન વાયુ લિકેઝના કારણે આ સમસ્યા સર્જાઇ છે.
જેથી રહીશો તાત્કાલિક વારીગૃહ પહોંચ્યા હતા. જો કે વારીગૃહ પાણીના ફિલ્ટર પ્લાનના ઓપરેટરની સમય સુચકતાના કારણે ક્લોરીન ગેસનું લેકેસ બંધ થયું હતું. ત્યારે તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જો સમયસર ગેસ બંધ ના કર્યો હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. આમ પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે.