ચૂંટણીમાં ટિકિટ મેળવવી સૌથી અગત્યનું અને કઠિનતમ કામ છે. અભિમન્યુએ સાત કોઠા વિંધવાના હતા. અહીં ઉમેદવારે સિત્તોતેર કોઠા વિંધવા પડે છે!!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
આજકાલ ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ થઇ ગયું છે. ચૂંટણીની મોસમ જામી છે. ચૂંટણીપંચ સહિત તમામ માટે અવસર છે. ચૂંટણી પંચને સફળ ચૂંટણી સંચાલનની સોલો ક્રેડિટ લેવી છે. ઉમેદવારોને મતદાનની વૈતરણી પાર ઉતારવી છે.
કંપનીઓને સોફિસ્ટિકેટેડ રોબરીનો શિકાર થવાનું છે. બિઝનેસ મેન-કંપનીઓએ તમામ પક્ષોને થાબડભાણા કરવાના છે અને ઇલેકટોરેલ બોન્ડના નામે ચૂંટણી ફંડ આપવાનું છે. પાંચ વરસે ચૂંટાયેલ પ્રતિનિધિ-સરકાર મારફત પ્રજા નામની ગરીબ ગાયનું દૂધ તેમ જ લોહી ચુસવાનું છે!! એટલે જ ચૂંટણી તમામ માટે અવસર છે, જેનો પ્રચારતંત્ર અવસર રથ કાઢે છે!! સબ કા મત મેરા વિકાસ!!
ચૂંટણીમાં નાત-જાત જોવાની નથી અને માત્ર લાયકાતના આધારે ટિકિટોની લહાણી કરવામાં આવે છે તે એક વિશ્ર્વભકથાથી વિશેષ કશું નથી. ચૂંટણીમાં ટિકિટ મેળવવી સૌથી અગત્યનું અને કઠિનતમ કામ છે. અપક્ષ ચૂંટણી લડનાર ખુદનો હાઇકમાન્ડ છે. તેને ચૂંટણી લડવા માટે કોઇની પાસેથી મેન્ડેટ લેવાનો રહેતો નથી. મહાભારતમાં અભિમન્યુએ સાત કોઠા વિંધવાના હતા. અહીં ઉમેદવારે સિત્તોતેર કોઠા વિંધવા પડે છે!! અભિમન્યુ સાતમો કોઠો વિંધી શક્યો ન હતો! અહીં ઉમેદવારે સામ, દામ, દંડ, અને ભેદની ચાણક્ય નીતિથી તમામ કોઠા વિંધવા પડે છે!!
ઉમેદવારે ચૂંટણીની ટિકિટ મેળવવા નાત, જાત, પેટા નાત-પેટા જાત, ગોળ (ખાંડ પણ હોં કે!!) ખાંડ, વય, જૂથ, વેવાઇ, એમ અનેક છેડા અજમાવવા પડે છે. મુખ્ય મંત્રી કે મંત્રીનો ચપરાશી પણ ટિકિટ મેળવવામાં મદદ કરી શકે છે! ટિકિટ મેળવવા આકાશપાતાળ એક કરે છે. ટિકિટ મેળવવા આભજમીન એક કરે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નો સ્ટોન લેફટ અનટર્નડ એમ તમામ પ્રયત્ન કરે છે!!
અનેક એક પક્ષની મંદિર સમાન કચેરીના અનુપમ દૃશ્યો. મન પુલકિત થઇ ગયું. પરોપકારી, સેવાભાવી સજજનો ટિકિટ જેવા ક્ષુલ્લક મુદ્દાને ચ્યુઇંગમની જેમ લંબાવતા હતા. રાષ્ટ્રની સેવા સિવાય કાંઇ ન ખપે તેવા ભેખધારીઓનો લડાઇયજ્ઞ, રાજસૂયયજ્ઞ કે અશ્ર્વમેધયજ્ઞથી કમ ન હતો!! આ યજ્ઞમાં ગાલી-ગાળની આહુતિ!! વાતાવરણમાં માબેનની ગાળો ઝળુંબે. ફાટેલા ઝભ્ભા, ફાટેલી કફની. દ્રૌપદીના ચીરહરણ જેવી હાલત. સ્વયં દુશાસન અને સ્વયં દ્રૌપદી!!
દેશની સેવા માટેની તમન્ના ઠાંસી ઠાંસીને ભરી હોય ત્યાં કોઇ ચંબુ ભ્રષ્ટાચારનો મુદો ઊભો કરી, બળાત્કારનો મુદો ઊભો કરી, લેન્ડ ગ્રેબિંગનો મુદો ઊભો કરી, આતંકી કનેકશનનો મુદ્દો ઊભો કરી અડચણ ઊભી કરે કે કેવી રીતે સહન થાય? ચૂંટણી ચૂંટણીની જગ્યાએ છે અને ઉજજવળ કારકિર્દી અલગ બાબત છે!!
તમે જ કહો કે તમે કોર્પોરેટર, વિધાયક, સંસદસભ્ય, મંત્રી બન્યા સિવાય નાગરિકો, પ્રજા, જનતા, જાહેર જનતા જનતા જનાર્દનની સેવા કરી શકો? પ્રસાદ, નેવૈદ્ય, પત્રમ્ પુષ્પમ વિના સેવા-મેવા વગરની કલ્પના કરી શકો? આકાશકુસુમવત ભાસે!? સેવા કરવાનો રાજમાર્ગ સત્તા છે. સતાસુંદરીને પામવાનો દ્રુતગતિ માર્ગ (ટપ્પો ન પડ્યો? દ્રુત ગતિ માર્ગ એટલે એકસ્પ્રેસ હાઇ વે!!) છે. ચૂંટણીમાં પ્રવેશ મેળવવા ટિકિટ અનિવાર્ય આવશ્યકતા છે!?
આ એક ઉન્માદસભર સ્થિતિ છે!! મઢુલી નાની અને બાવા વધારે છે. વૈકુંઠ નાનું અને ભગતડા વધારે હોય છે. ટિકિટવાંચ્છુઓ ઉત્સાહમાં આવીને ટેબલ ખુરશી તોડે, નેતાના પૂતળા સળગાવે, સામેસામા સૂત્રોચ્ચાર કરે, પક્ષના ઝંડા સળગાવે, તોડફોડ, ઑફિસને તાળાબંધી કરે, ટિકિટ ફાળવનાર નેતાઓ જીવ બચાવવા પાછલા દરવાજેથી ભાગી છૂટે, ઉમેદવારની પહેલી યાદી બહાર પાડે કે હોબાળો મચી જાય. ટિકિટ ન મળતા ઉત્પાત કરે, યાદી સુધરે, કોકડું ગૂંચવાઈ જાય!! આ આંખને ગમે તેવા દ્રશ્યો પાંચ વરસે રીપિટ થાય.
ટિકિટ મેળવવા માટે ટિકિટભૂષણો-ટિકિટદૂષણો એક અઠવાડિયામાં ચૌદ પક્ષોના ખેસ ધારણ કરે છે. ઘણા તો એક દિવસમાં મુસ્લિમ પાંચવાર નમાઝ પઢે તેમ પાંચ પક્ષો બદલે છે. એટલી ઝડપથી તો સાહેબ કાર્યક્રમ માટે વસ્ત્રો બદલતા નથી!! દરેક પક્ષોએ ચૂંટણીના અનુસંધાને સરકારનો બહુચર્ચિત પ્રવેશોત્સવ એટલે કે ભરતી મેળો ખોલી દીધો છે.
પક્ષના ઢોરવાડામાંથી સશકત ઢોર દરવાજાને ઢીંક મારી સામેના વાડાના વિધાયક થવા ગળે લટકાવેલ ઘંટડી વગાડી રહ્યા છે. પહેલા પક્ષપલ્ટો અસ્પૃશ્ય કે આભડછેટનો વિષય ગણાતો હતો. આપણે પક્ષપલ્ટાની પ્રવૃત્તિનું ઉધારીકરણ અને ઉદારીકરણ કરી નાખ્યું છે.
મને વાંકું પડ્યું, મેં પક્ષનું નાકું છોડયું એવું પક્ષપલ્ટો કરનાર આયારામનું વાંકુ વલણ રહ્યું છે. પક્ષપલ્ટો એ હિણપત શરમનો વિષય રહ્યો નથી.
શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર હેમામાલિની ઉર્ફે મૂંગીમંતર બકબકિયણ વસંતીને વરવા માટે મૌસી ઉર્ફે લીલા મિશ્રાને મનાવવા માટે પાણીની ટાંકી પર ચડીને કૉમેડી સ્ટન્ટ કરે છે. આવો જ સિન ભજવાઇ ગયો. દિલ્હીમાં ત્રણ મહાનગરપાલિકાને ભેળવીને બૃહદ મહાનગરપાલિકા બનાવી છે. હાલમાં તેની ચૂંટણી ચાલી રહી છે. એક પાર્ટીના કોર્પોરેટર હબીબ ઉલ હસને પુન: કોર્પોરેટર થવા પાર્ટી પાસે ટિકિટ માગેલ. પાર્ટીએ ટિકિટ માટે આનાકાની કરેલ. એટલે મોબાઇલ ટાવર પર ચડીને ટિકિટાગ્રહ કર્યો છે.
ચૂંટણી ટિકિટ ન મળે તો મોબાઇલ ટાવર પરથી પડતું મૂકી મરી જવાની ધમકી આપી છે. સેઇમ ટુ સેઇમ શોલેનો વિરૂ પાજી!! પાર્ટીએ ટિકિટ માટે આનાકાની કરેલ. એટલે મોબાઇલ ટાવર પર ચડીને ટિકિટાગ્રહ કર્યો છે. લગભગ પાર્ટી તેને ટિકિટ આપશે નહીં. કેમ કે, પાર્ટીને ભીતિ છે કે ડોશી મરી જશે અને જમ ઘર ભાળી જશે !!!!!