મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વાતાવરણ જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. વરસી રહેલાં કમોસમી વરસાદ અને ભારે ગરમીને કારણે નાગરિકો પારવાર હાલાકિ ભોગવવાનો વારો આવી રહ્યો છે. વરસી રહેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એમાં પાછું હવે 13મી અને 14મી માર્ચના ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13મી માર્ચના અમરેલી, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે, જ્યારે 14મી માર્ચના અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં 13મી માર્ચના રોજ કમોસમી વરસાદની સંભાવના છે. જેને લઈને હવે ફરી અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બન્યું છે. પ્રશાસને ખેડૂતોને તેમના પાકને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી છે.
આ સિવાય શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે એવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાંથી અગનજ્વાળા વરસશે. અને પોરબંદર, ગીર, સોમનાથ અને કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હિટવેવ વખતે ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જઈ શકે છે. આગામી 48 કલાકમાં તાપમાન 3 ડિગ્રી વધશે. આજે ભુજ નલિયા અને કેશોદ સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ત્રણેય શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચી ગયો હતો. અમદાવાદમાં 36 અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.