આજકાલ લોકોને સેલ્ફી ક્લિક કરવાનો ખૂબ જ ક્રેઝ જોવા મળે છે, પણ ક્યારેય તમે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું કે વાંચ્યું છે કે જ્યાં સેલ્ફી ક્લિક કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય અને નિયમનું ઉલ્લંઘન કરનારાને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય? જો આ સવાલનો જવાબ નામાં હોય તો અમે આજે તમને અહીં એક એવા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ..
જો તમે પણ ફરવા માટે સુંદર શહેર કે કોઈ સુંદર જગ્યા શોધી રહ્યા છો, તો એક બેસ્ટ ઓપ્શન છે, તમારા માટે. આ ડેસ્ટિનેશનની એક જ ઝલક તમને દિવાના બનાવી દેશે. અહીં એક એવી જગ્યા જ્યાં ટેકરીઓ મેઘધનુષ્યની જેમ ચમકે છે. નીચે વહેતી નદીના પાણીનો રંગ વાદળી છે. પહાડોની વચ્ચે બનેલા નાના-નાના ઘરોને દૂરથી જોશો તો લાગે છે કે પહાડો કેટલાય રંગોથી છવાયેલા છે. હવામાન તો એવું સુંદર છે કે નહીં પૂછો વાત અને દિલ બસ એવું જ કહે કે બસ અહીંના જ થઈને રહી જઈએ. પણ આ સુંદર જગ્યાને જો તમે કચકડે કે પછી સેલ્ફીમાં ક્લિક કરવા માગતા હશો તો એવું નહીં થઈ શકે. જો તમે આવું કરશો તો તમારે ભારે દંડ ભરવો પડશે.
હવે તમે વિચારતા હશો કે ભાઈ આ તે વળી કેવો નિયમ છે. પહેલી નજરે તો તમને કદાચ વિશ્વાસ પણ નહીં થાય પણ આવી જગ્યા છે અને આ જગ્યા છે ઈટલીનું એક શહેર પોર્ટોફિનો . આ શહેરની સુંદરતામાં માણસ પોતાની જાતને ભૂલી જાય છે. આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યા વિના કોઈ કેવી રીતે રહી શકે?
પોર્ટોફિનોના મેયર માટ્ટેઓ વિયાકાવાએ જણાવ્યું હતું કે અહીં અરાજકતા વધી રહી છે અને આ માટે માત્ર પ્રવાસીઓ જ જવાબદાર છે. ઈટલીના આ શહેરમાં નવા નિયમો અમલમાં આવ્યા છે. અહીં રોકાઈને સેલ્ફી લેવાનું હવે મુશ્કેલ થઈ જશે. આમ તો આખું યુરોપ ખૂબ જ સુંદર છે, પરંતુ ઇટાલીની વાત જ નિરાળી. પોર્ટોફિનો ઇટાલીના રંગીન શહેરોમાંથી એક છે. પ્રવાસીઓ અહીં આવે છે અને રોકાય છે અને રંગીન પ્રકૃતિનો આનંદ માણે છે. અહેવાલ મુજબ, હવે અહીં કોઈ વેઈટીંગ ઝોન નથી.
જો તમે અહીં નિયમનો ભંગ કરીને સેલ્ફી ક્લિક કરો છો, તો તમારે 275 યુરો (24,777 રૂપિયાનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. આવો નિયમ અહીં લાગુ કરવામાં આવ્યો એ પાછળના કારણની વાત કરીએ તો અહીં ઘણા પ્રવાસીઓ આવવા લાગ્યા છે. રજાઓ દરમિયાન પરિસ્થિતિ વધારે વણસી જાય છે. અહીં લોકો રસ્તા પર રોકાઈને સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. જેના કારણે ટ્રાફિક જામ થાય છે. આ પ્રતિબંધો સવારે 10.30થી સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે…
હવે જ્યારે પણ ઈટલી જવાનું થાય તો આ ચોક્કસ જ આ શહેરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…