એક જ દિવસમાં ૫૫ બાંધકામ હટાવ્યા
(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી (પશ્ર્ચિમ)માં કેન્દ્ર સરકારના ટેલિફોન નિગમની લગભગ સાડા પાંચ એકર જગ્યા પર રહેલા અતિક્રમણને મુંબઈ મહાનગરપાલિકાના આર-મધ્ય વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને હટાવવામાં આવ્યા હતા.
બોરીવલીની આ જમીન પર રહેલા અતિક્રમણને લગતો કેસ હાઈ કોર્ટમાં ચાલી રહ્યો હતો, તેના પર છેવટે ર્કોટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી પાલિકાએ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
બોરીવલીનો આ પ્લોટ ૧૦ એકરમાં ફેલાયેલો છે. તેમાંથી કુલ સાડા પાંચ એકર જમીન પર દસ વર્ષથી અતિક્રમણ કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ ઈન્સ્પેકશન સ્ટેશનના માલમત્તા અધિકારીએ ૨૦૧૩માં એટલે કે ૧૦ વર્ષ પહેલા આદેશ બહાર પાડીને અતિક્રમણો હટાવવાની સૂચના આપી હતી. તેના વિરોધમાં અતિક્રમણ કરનારા હાઈ કોર્ટમાં ગયા હતા. ત્યારથી કોર્ટમાં તેના પર સુનાવણી ચાલી રહી હતી. છેવટે કોર્ટે આ અતિક્રમણને હટાવવાનો આદેશ આપતા પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
અતિક્રમણ હટાવ્યા બાદ હવે ૧૦ એકર જગ્યા પર અત્યાધુનિક સ્પેક્ટ્રમ ઈન્સ્પેકશન સ્ટેશન બાંધવાને આડે રહેલી અડચણો દૂર થશે. તેનો ફાયદો મુંબઈ, મહારાષ્ટ્ર સહિત આજુબાજુના રાજ્યોને પણ થશે.
કેન્દ્ર સરકારના ટેલિકોમ મિનિસ્ટ્રી હેઠળ ટેલિફોન વિભાગ આવે છે. આ વિભાગમાં વાયરલેસ પ્લાનિંગ ઍન્ડ કૉર્ડિનેશન કાર્યરત છે. આ ઉપવિભાગ રાષ્ટ્રીય રેડિયો નિયામક સંસ્થા તરીકે દેશભરમાં સમન્વયનું કામ કરે છે. રેડિયો ફ્રીકવન્સી, જમીન પરના સ્ટેશન તેમ જ અંતરીક્ષ કક્ષા, વાયરલેસ સ્ટેશનનું નિયોજન, નિયમન જેવા કામ આ વિભાગ કરે છે. દેશમાં વાયરલેસ સંદેશા કેન્દ્રને લાઈસન્સ આપવાનો અધિકાર પણ આ વિભાગને છે. તે દ્રષ્ટિએ દેશના કુલ પાંચ ઈન્ટરનેશનલ મોનિટરિંગ સ્ટેશન આ વિભાગ તરફથી સંચાલિત કરવામાં આવે છે, તેમાંથી એક મુંબઈમાં બોરીવલી (પશ્ર્ચિમ)નું આ એક છે.