મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં રોજના 60 લાખથી વધુ પ્રવાસી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે, પરંતુ પીકઅવર્સમાં જ નહીં, પણ નોન-પીકઅવર્સમાં સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરવામાં પ્રવાસીઓને હાલાકી પડે છે અને તેના માટે જવાબદાર ફક્ત ફેરિયા છે. સ્ટેશનના બ્રિજ, સબ-વે, ઓવરબ્રિજ સહિત લગભગ બસોથી ત્રણસો મીટરના વિસ્તારમાં ફેરિયાઓ જ નહીં, પરંતુ ભિખારીઓને વિશેષ અવરજવર રહે છે, તેનાથી પ્રવાસીઓને સૌથી વધારે હાલાકી પડે છે. અધૂરામાં પૂરું રિક્ષાચાલક અને ટેક્સીચાલકો, કુલીઓની પણ દાદાગીરીના શિકાર થવું પડે છે, પરંતુ તેમને હટાવવાની વાતો કરવામાં આવે છે પણ નક્કર કામગીરીનો અભાવ રહે છે. તાજેતરમાં આ મુદ્દે મધ્ય રેલવેના થાણે સ્ટેશનના પરિસરમાંથી આ બધા લોકોનો ત્રાસ દૂર કરવા માટે ખાસ કરીને પોલીસ પ્રશાસનને પાલિકાના કમિશનરે જવાબદારી સોંપીને પ્રવાસીઓને રાહત આપતી જાહેરાત કરી હતી. અલબત્ત, થાણે રેલવે સ્ટેશનની આસપાસના લગભગ 150 મીટરના વિસ્તારમાંથી ફેરિયાઓ અને ભિક્ષુકોને હટાવવાનો પોલીસ પ્રશાસનને રવિવારે થાણે પાલિકા પ્રશાસને અનુરોધ કર્યો હતો. રવિવારે થાણે પાલિકાના કમિશનર અભિજિત બાંગરે રવિવારે કહ્યું હતું કે થાણે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ફેરિયાઓનો ભયંકર ત્રાસ છે. ફેરિયાઓની સાથે ભિક્ષુકો અને ઓટોરિક્ષા ડ્રાઈવરનો પણ ત્રાસ છે. ઓટો રિક્ષાવાળા પણ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી તેમની સખત કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસને અનુરોધ કરવામાં આવ્યો હતો. થાણે રેલવે સ્ટેશનના પરિસરમાંથી રોજના પાંચ લાખથી વધુ પ્રવાસી અવરજવર કરે છે, ત્યારે પ્રવાસીઓને સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરવામાં હાલાકી પડી રહી હોવાથી દોઢસો મીટરના વિસ્તારમાંથી ફેરિયાઓને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.