(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગરમીનો પારો દિવસે દિવસે જેટલો ઊંચે જશે એટલો હવે રેલવે સ્ટેશને પણ લોકોનો પારો ઉચકાતો જશે, જે અંતર્ગત તાજેતરમાં મધ્ય રેલવેના એક સ્ટેશન પર લોકલ ટ્રેન પકડવાનાં ચક્કરમાં જોરદાર મારામારી થઈ હતી. બે જૂથ વચ્ચેની મારપીટમાં બે પ્રવાસીને ટોળા દ્વારા જોરદાર મારવામાં આવ્યા હતા અને એનો વિડિયો પણ વાયરલ થયા પછી લોકોએ ટીકા પણ કરી હતી.
આ બનાવ સોમવારે દીવા રેલવે સ્ટેશને બન્યો હોવાનું કહેવાય છે. સોમવારે સવારે (૭.૧૦ વાગ્યે) કર્જત CSMT લોકલ ટ્રેન દીવા સ્ટેશને પહોંચ્યા પછી ટ્રેનમાં ઉતારવા અને ચડનાર પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે પ્રવાસીઓને ચડતી વખતે મુશ્કેલી પડ્યા પછી દરવાજો બ્લોક કરનારા લોકો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ વકરીને પ્રવાસીઓ વચ્ચે ગાળાગાળીથી વધીને મારપીટમાં પરિણમ્યો હતો. વાયરલ વિડિયોમાં પણ જોવા મળ્યું હતું કે એક ટોળું ફક્ત એક જ યુવકની મુકકા અને લાતો મારી રહ્યું હતું, જ્યારે બીજા એક યુવકને પણ ચાર પાંચ જણ જોરદાર મારી રહ્યા હતા. બંને યુવકો અધમૂવા થઈ જાય ત્યાં સુધી લોકોએ માર્યા હતા. ૪૫ સેકન્ડ વાયરલ વિડિયોમાં પણ એક યુવક વચ્ચે પડીને લોકોને સમજાવીને અલગ કરતા જોવા મળ્યો હતો. આ મુદ્દે હજુ સુધી રેલવે પ્રશાસન તરફથી વધુ વિગત જાણવા મળી નથી.
મુંબઈ suburbanમાં ખાસ કરીને પીક અવર્સમાં લોકલ ટ્રેનમાં ચડવા અને ઉતરવાંની સાથે સીટ અને ડોર બ્લોક કરવાના કિસ્સા વધારે બને છે, તેથી સૌથી વધારે ઝઘડા થાય છે.
મધ્ય રેલવેમાં ગીચ રેલવે સ્ટેશને ખાસ કરીને ડોમ્બીવલી, દીવા, મુંબ્રા, થાણે અને મુલુંડ વગેરે જગ્યાએ ધસારાના સમયે ખોપોલી, કર્જત, બદલાપુર (લાંબા અંતર)થી CSMT ની લોકલ ટ્રેનમાં આ પ્રકારના વિવાદનું પ્રમાણ વધારે રહે છે, તેથી હજુ પણ વધુ લોકલ ટ્રેન દોડાવવાની જરૂરિયાત છે તો સમસ્યા દૂર થાય, એવું સ્થાનિકોએ જણાવ્યું હતુ.
જોકે દીવા સ્ટેશનનો મારપીટનો વિડિયો વાઇરલ થયા પછી લોકોએ સામાન્ય કેસમાં યુવકોને બેફામ મારવાની વાતને પણ વખોડી નાખી હતી.
View this post on Instagram