ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં બનેલી ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, મૃતકોમાં 55 બાળકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટના બાદથી જ પુલના સમારકામનો કોન્ટ્રેકટ જેની પાસે હતો એ કંપની ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ઘટનાના ત્રણ મહિના બાદ 31 જન્યુઆરી 2023ના રોજ તેમણે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પીડિત પરિવારો ઘા હજુ રૂઝાયા નથી એવામાં મોરબીના લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે.
ગઈ કાલે થયેલ સુનાવણીમાં મોરબી સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર જયસુખ પટેલના સમર્થનમાં એક કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેમાં લોકો પોતાના નામ અને તસ્વીર સાથેનું એક પોસ્ટર શેર કરી જયસુખ પટેલને સમર્થન આપી રહ્યા છે.
પોસ્ટરમાં લખાણ જોવા મળી રહ્યું છે કે, ‘I Support જયસુખભાઈ પટેલ. ઓ.આર.પટેલ કે જેમને મોરબીના ભમાશા તરીકે ઓળખવામાં આવે છે તેમના પરીવારની વિચારધારા હંમેશાના માટે સેવાની રહી છે. જેમના દીકરા જયસુખભાઇ પટેલનો પણ સામાજીક પ્રવૃતીઓમાં સિંહ ફાળો રહ્યો છે. આવા ઉચ્ચત્તમ વિચારો વાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટુ ના કરે, બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે, તેનું દુઃખ સમાજ ના દરેક લોકો ને છે. આવો…આપણે સૌ સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. હું મોરબીનો સમાજ સેવક છું.”

જયસુખ પટેલને સમર્થન આપતું પોતાના નામ અને ફોટો વાળું પોસ્ટર બનાવવા માટે એક વેબ સાઈટની લિંક મોરબીના વિવિધ વોટ્સેપ ગ્રુપમાં ફોરવર્ડ થઇ રહી છે. બાદમાં આવા પોસ્ટર લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી રહ્યા છે.
આ લિંક કોણે બનાવી છે જાણવા મળ્યું નથી પરંતુ આ કેમ્પેઈન પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. જયસુખ પટેલની ધૂળમાં મળી ગયેલી છબી સુધારવાની કોશિશ કરવામાં આવી આવી રહી છે. એક તરફ મોરબીની સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી થઇ રહી છે ત્યારે જયસુખ પટેલને સમર્થન આપી સમાજની નજરમાં પહેલેથી જ નિર્દોષ સાબિત કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
નોંધનીય છે કે દુર્ઘટનાગ્રસ્ત બ્રીજનું ઉદ્ઘાટન કોઈ પણ પ્રકારનું ટેસ્ટીંગ કર્યા વગર અને નગરપાલિકાની મંજુરી વગર કરી દેવામાં આવ્યું હતું. આ ઉદઘાટન વખતે જયસુખ પટેલ પોતે પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મોરબીની જનતાને ભેટ આપી હોવાની વાત કરી હતી. પુલના સમારકામમાં ગેરરીતી થઇ હોવાના મિડિયા રીપોર્ટસ સામે આવ્યા હતા.
દુર્ઘટના બાદથી જયસુખ પટેલ ગાયબ હતા અને પોલીસે દાખલ કરેલી FIRમાં પણ તેમના નામનો ઉલ્લેખ ન હતો. પોલીસે છેક 27મી જાન્યુઆરી 2023ના રોજ દાખલ કરેલ ચાર્જશીટમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કર્યું હતું. કોર્ટે તેમને ભાગેડુ જાહેર કરી લૂક આઉટ નોટીસ જાહેર કરી હતી, ત્યારબાદ તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. તેમેને આગોતરા જામીનની પણ અરજી કરી છે.
સમર્થન આપનાર લોકો આ અંગે એવા રદિયા આપી રહ્યા કે ‘રોડ અકસ્માત થાય એમાં શું RTO અને માર્ગ-મકાન વિભાગ જવાબદાર કહેવાય? માણસ ૧૦૦ કામ સારા કરે ૧ કામમાં થોડી પણ ચૂક થાય પણ ખરી તો આગળના કામ ભૂલી ના જવાઈ. જયસુખભાઈ પટેલ ધરમ કરવા ગયા અને ધાડ પડી જેવી સ્થિતિ ઉભી થઇ છે.’
