ઊડતી વાત -ભરત વૈષ્ણવ
ગિરધરભાઇ તમારી પાસે પાસપોર્ટ છે? રાજુએ મને પૂછયું. રાજુએ પઠાણી પહેર્યું હતું. આંખમાં આંજણ આંજેલું. માથે ગોળ ટોપી. પગમાં પઠાણી જૂતા. રાજુ રદ્ી પાકના પૂર્વ પ્રધાનમંત્રી જેવો લાગતો હતો. સલીમ ચિકનાની ઇસ્ટાઇલથી સિગારેટ ફૂંકી રહ્યો હતો. (સંવૈધાનિક ચેતવણી : ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે, સિગારેટ દારૂની જેમ પીવાની હોતી નથી. છતાં સિગારેટ ફૂંકવાને ધૂમ્રપાન કંઇ મૂડી પર કહેતા હશે એ સવાલ નિરુત્તર છે!!) રાજુ સાહેબની જેમ વેશ બદલવામાં માહિર છે. કદાચ સાહેબને પરાસ્ત કરે પણ ખરો!!
રાજુ- ‘આ શું વેશ કાઢ્યો છે??’ મેં પૂછયું
ગિરધરભાઇ- ‘મારે અને તમારે પાકિસ્તાન જવાનું છે!’ રાજુએ માહિતી આપી.
‘શું ?? વ્હોટ ?? વ્હોટ ધ હેલ યુ આર ટોકિંગ?? મને મરવાની કે જેલમાં જવાની ઇચ્છા નથી. કેપ્ટન અભિમન્યુની દશા પરથી તો કાંઇક તો બોધ લે . તારા લગ્ન માટે રોરવ નર્કમાં જવા તૈયાર છું, પરંતુ પાકિસ્તાનમાં પગ નહીં મુકું!!’ મેં મારી ગિરધર પ્રતિજ્ઞા જાહેર કરી.( મેં ગિરધર પ્રતિજ્ઞાની પેટન્ટ કરાવી છે. મારી પ્રતિજ્ઞા આઇએસઓ- ૯૦૦૧ છે!!)
ગિરધરભાઇ- મારા માટે છોકરી જોવા પેશાવર કે રાવલપિંડી જવાનું નથી. બદહાલીનું બીજું નામ પાકિસ્તાન છે. પાકિસ્તાન ઉકાળતો ચરૂ છે. પાકિસ્તાન બોઇલિંગ પોટ છે. જયાં સબ કા સાથ સબ કા વિકાસને બદલે સબ કા વિનાશ છે. આઝાદીના પંચોતેર વરસમાં હાર્ડલી પંદર વરસ લોકશાહી સરકાર રહી છે. એક પણ વડા પ્રધાને પાંચ વરસની મુદત પૂરી કરી નથી. ભારત સાથે આરપારની લડાઈમાં ખોખરું થવા છતાં ભારત સાથે હજાર વરસ યુદ્ધ કરવાની વેલ્ડિંગ (સારી ડિંગ) હાંકે છે. કોઇનું મરણ હોય કે શાદી, બેગાને કી શાદીમેં અબ્દુલા દીવાનાની જેમ ગમે તે ઇન્ટરનેશનલ ફોરમ પર ગધેડાની જેમ હું ગાઇશની ટયુન પર કાશ્મીર રાગ બેસૂરા રાગે આલાપે છે!! રાજુએ પાકિસ્તાન પારાયણ માંડી.
રાજુ- “પાકિસ્તાને પોતે પોતાની ઘોર ખોદી છે. આતંકવાદના ભસ્માસુરને સતત લોહી પીવડાવી મોટો કર્યો તો ભસ્માસુર પાકિસ્તાનને ભરખી ગયો. તાલીબાન નામની બિલ્લી પાકિસ્તાનને મિંયાઉ કરે છે. તાલીબાન પાક સૈનિકોને માખી મચ્છરની જેમ મારે છે. લશ્કરના હાકેમો જીવ સટોસટની લડાઇ સિવાયના રિયલ એસ્ટેટ, મોલ, ઉદ્યોગ, કંપની, જમીન, ડ્રગ્ઝ, ફિરોતી, માનવતસ્કરી જેવા ધંધામાંથી અબજો-ખર્વો કમાય છે. પાક પ્રધાનમંત્રી લશ્કર, આઇએસઆઇની મંજૂરી લીધા પછી પાણીનો ઘૂંટડો માંડ માંડ પી શકે છે. પાકનો વડા પ્રધાન પોતાના દેશની સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવા ધરણા પર બેસે છે. ઉપવાસ તો સદભાવ ફેલાવવા માટે એ પણ ઓફિસ ટાઇમમાં કરવાનો હોય!! અને દરેક જિલ્લાને મોટી રકમની ગ્રાંટની લ્હાણી કરવાની જાહેરાતો કરવાની હોય!! (રકમ મળી કે નહીં તેવું કોણ નાદાન પૂછે છે? શટ અપ યોર માઉથ. ટુકડે ટુકડે ગેંગ. પાણીમાંથી પોરા કાઢો સમજાય, પણ ગ્રાંટમાથી પણ પોરા કાઢવાના !!!) હું બરાબર ગિન્નાયેલ હતો!!
ગિરધરભાઇ- પાકિસ્તાનમાં ચીજવસ્તુના ભાવો હુતાશનની જેમ ભડકે બળે છે. બલૂચિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં લોટનું સંકટ ઘેરાયું છે. તેના કારણે રાજધાની ક્વેટામાં ૨૦ કિલો લોટની કિંમત ૨૮૦૦ પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તો આ કિંમત ૩૨૦૦ રૂપિયાના રેકર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
લોકો હસતા પણ નથી કેમ કે, હસવા જેવી સ્થિતિ નથી. લોકો લોટ ફાંકતા નથી. કેમ કે રોટલી બનાવવા લોટ નથી તો ફાંકવા માટે લોટ કયાંથી કાઢે?? મફત લોટ વિતરણમાં ધક્કામુક્કી, પડાપડી, લૂંટાલૂંટ મચી છે. રામ કે રહીમના નામની લૂંટ મચે તો રૂહાત્માનું કલ્યાણ થાય!! અહીં લોટ લેવા જનારને લોટને બદલે નવી નકોર કબર મળી છે!! દરેક વસ્તુના ભાવો વધ્યા છે. વિદેશી હૂંડિયામણ તળિયાઝાટક છે. એક મંત્રી હૂંડિયામણ બચાવવા દિવસમાં બે-ત્રણ ચાના કપ ઓછા પીવા કહે છે. પાકિસ્તાનમાં જ્યાં એક લિટર દૂધની કિંમત ૨૫૦ પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે, ત્યાં ઈસ્લામાબાદમાં લોકોના મુખ્ય ખાદ્ય પદાર્થ ચિકનની કિંમત ૭૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જો કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કબૂલાત કરી હતી કે, તેમનો દેશ હવે એક રીતે ‘નાદાર’ થઈ ગયો છે. પાકિસ્તાનીઓની થાળીમાંથી એક પછી એક વસ્તુ ગાયબ થઇ રહી છે. છેલ્લે માત્ર વાયરો બચશે. જે ખાઇને પેટ ભરવું પડશે!!! એક ડૉલરના ૨૮૫ પાકિસ્તાની રૂપિયા થઇ ગયા છે. ચલણદરમાં પાતાળ ગિરાવટ દર્જ થઇ છે!! તો પણ સુશાસનને બદલે ઇમરાનખાનની કબર ખોદવા બેઠા છે. મુલ્ક ભડકે બળે છે!! ત્યારે શાસકો નીરોની જેમ ફીડલને બદલે એકે ફોર્ટી સેવન વગાડે છે.પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે તેના મંત્રીઓ અને સલાહકારને કહ્યું છે કે, તે પોતાની સેલેરી લેવાનું બંધ કરે અને લક્ઝરી કાર અને એશ આરામ છોડીને સામાન્ય જિંદગી જીવે. પાકિસ્તાનનું માનવું છે કે, આવું કરવાથી વર્ષે ૨૦૦ બિલિયન પાકિસ્તાની રૂપિયા બચાવી શકાય છે. રાજુએ હૈયા વરાળ કાઢી!!
રાજુ- પાકિસ્તાન નર્કગામી થઇ રહ્યું હોય. કાર્બન સ્ટીલ અથવા સ્ટીલ એલોયથી બનેલા ખાલી સિલિન્ડરની કિંમત ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા છે. જેના કારણે નાના દુકાનદારો, ગરીબ પરિવારો અને અન્ય લોકો તેને ખરીદી શકતા નથી. તેથી તેઓએ બીજી પદ્ધતિ અપનાવી છે. જે લોકો દસ હજાર રૂપિયા ખર્ચી શકતા નથી તેવા લોકો અને જેમને ગેસ કનેકશન મળેલ નથી તેવા લોકો ૫૦૦થી ૯૦૦ રૂપિયાનો ખર્ચ કરી પ્લાસ્ટિકની થેલીમાં ગેસ મેળવે છે. જે જગતની મૌલિક અને અભિનવ શોધ છે. આમ પણ, જરૂરિયાત એ શોધની જનની કહેવાય છે! યુરોપ, અમેરિકા કે કોઇ વિકસિત દેશને આવી મૌલિક શોધ કરવાનું સૂઝ્યું નહીં. પાકિસ્તાન તેની નવી શોધ માટે નોબલ કે તેનાથી મોટો ઍવોર્ડ, રીવોર્ડ ઇનામ, અકરામ આપવો જોઇએ! મેં કહ્યું!!
ગિરધરભાઇ- પાક દેવામાં ગર્ક થઇ રહ્યું છે, પરંતુ વાદળો વચ્ચે રૂપેરી કિનારી છે. મતલબ કે સિલ્વર લાઇન ઇન કલાઉડઝ છે. અલ્લાહ નવાણું નુખ્શ-ખામી આપે તો એકાદી ખૂબી બખૂબી પણ એનાયત કરે છે. આ કંઇ ખૂબી છે?? મે રાજુને પૂછ્યું!!
ગિરધરભાઇ- જગતના સિગારેટના શૌખીન નવાબો માટે ગુડ ન્યુઝ છે. તમારા દેશમાં સિગારેટ પર એન્ટી ટોબેકો ટેકસ, લકઝરી ટેકસ , ઉપ કર, જકાત, એકસાઇઝ લગાવી હશે. દિવસે દિવસે રાજકુમારીની જેમ સિગારેટના ભાવ વધે છે. સિગારેટ પિનારા સિગારેટ ડાઉન કે સિગારેટ માર્ચ (કેન્ડલ માર્ચ જેવું તૂત) કાઢતા નથી. વર્ક ટુ રૂલની જેમ સ્મોક ટુ રૂલ પણ કરતા નથી! સિગારેટના શોખીન માટે પાકિસ્તાન જન્નત છે. સૌથી સસ્તી સિગરેટ પાકિસ્તાનમાં છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦ માર્લબોરો સિગરેટના પેકેટની કિંમત ૨,૧૬૬.૮૦ રૂપિયા છે. પાકિસ્તાનમાં તેની કિંમત માત્ર ૮૦ રૂપિયા છે. એટલે કે પાકિસ્તાનમાં ૮૦ રૂપિયામાં ૨૦ સિગરેટ મળી જાય છે. આ રીતે એક
માર્લબોરો સિગરેટની કિંમત ૪ રૂપિયા છે. ભારતની વાત કરીએ, તો માર્લબોરો સિગરેટની કિંમત લગભગ ૩૪૦ રૂપિયા સુધી છે. આ રીતે એક સિગરેટ લગભગ ૧૭ રૂપિયાની હોય છે. આમ, પાકમાં જીવ હથેળીમાં લઇ જીવવાનું છે. હપતે હપતે મરવા માટે સિગારેટ શું ખોટી?? માત્ર ચાર રૂપિયામાં બીજું શું આવે? અડધો કપ તો સમજ્યા પણ પા કપ ચા પણ મળે નહીં. તો પછી ચાર રૂપિયામાં સિગારેટનું રસપાન કરવામાં હરકત સરખું નથી !! રાજુ રદીએ મને લલચામણી ઓફર આપી!!
અમે પણ મનોમન કલ્પનોડયન તરી પાકિસ્તાનમાં પહોંચી જઇ બ્રિટનના અભૂતપૂર્વ ભૂતપૂર્વ સાહિત્યિક વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ચેઇન સ્મોકિંગ કરવા લાગ્યા!!!
ભરત વૈષ્ણવ
૧૫.૫.૨૦૨૩.