હવે બિલ્ડિંગના પુનર્વિકાસ માટે માત્ર ૫૧ ટકા સભ્યોની સંમતિ જરૂરી
થાણે: મહારાષ્ટ્ર સરકારના શહેર અને ઔદ્યોગિક પુનર્વિકાસ કોર્પોરેશને (સિડકો) શુક્રવારે પોતાની પુન:નિર્માણ નીતિમાં ફેરફાર કર્યા છે, જેમાં હાઉસિંગ સોસાયટીના માત્ર ૫૧ ટકા સભ્યોની સંમતિથી બિલ્ડિંગનો પુનર્વિકાસ કરી શકાય છે, જે અગાઉ ૧૦૦ ટકા સભ્યોની સંમતિ જરૂરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ અનુસાર સિડકોએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓને અપનાવી છે અને તેની બિલ્ડિંગ પુન:નિર્માણ નીતિમાં સુધારો કર્યો છે, એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
નવી મુંબઈમાં ટાઉન પ્લાનિંગ ઓથોરિટીએ જણાવ્યું હતું કે સિડકોએ એવી જોગવાઇનો સમાવેશ કર્યો છે જે અગાઉના ૧૦૦ ટકાને બદલે હાઉસિંગ સોસાયટીના માત્ર ૫૧ ટકા સભ્યોની સંમતિથી બિલ્ડિંગનું પુનર્નિર્માણ થઇ શકે છે.
સામાન્ય રીતે નવી મુંબઈ ડિસ્પોઝલ ઓફ લેન્ડ (સુધારા) રેગ્યુલેશન્સ, ૨૦૦૮ (અગાઉ, ન્યુ બોમ્બે ડિસ્પોઝલ ઓફ લેન્ડ રેગ્યુલેશન્સ, ૧૯૭૫)ની જોગવાઇઓને આધીન, સિડકો દ્વારા ભાડાપટ્ટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. લીઝ કરાર મુજબ, હાઉસિંગ સોસાયટીએ હાલનું માળખું તોડી પાડવા અને તેની જગ્યાએ નવી ઈમારત બાંધવા માટે સિડકો પાસેથી અગાઉથી લેખિત પરવાનગી મેળવવી જરૂરી છે. નવી મુંબઈમાં સિડકોના પ્લોટ પર જૂની ઈમારતોના ઝડપી પુન:નિર્માણની સુવિધા માટે આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવું યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
ઈમારતોના પુન:નિર્માણ અંગે સિડકો દ્વારા ૨૦૧૩માં એક અલગ નીતિ તૈયાર કરવામાં આવી હતી. આ નીતિ મુજબ, મકાનના પુન:નિર્માણ માટે હાઉસિંગ સોસાયટીના તમામ સભ્યોની પરવાનગી જરૂરી હતી, એમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું. પણ હવે સુધારિત નીતિ મુજબ મકાનના પુન: નિર્માણ માટેની પરવાનગી મેળવવા માટે હાઉસિંગ સોસાયટીના કુલ સભ્યોમાંથી ૫૧ ટકાએ તેમની લેખિત સંમતિ સિડકોને સોગંદનામાના રૂપમાં રજૂ કરવાની રહેશે. આ ફેરફાર સિવાય પોલિસીના બાકીના નિયમો અને શરતો યથાવત રહેશે, એવું યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)