કચ્છી ચોવક -કિશોર વ્યાસ
આપણે ગુજરાતી ભાષામાં પણ એક કહેવતનો ઉપયોગ કરીએ છીએ: પાઇની પેદાસ નહીં ને ઘડીની ફુરસદ નહીં. એવી જ ચોવક પણ પ્રચલિત છે: “પઇ જી પેધાસ ન તેં ઘડી જી ફુરસત ન મતલબ કમાણી પણ નહીં અને સમય પણ નહીં. તો વળી ઘણા એવી પરિસ્થિતિનો પણ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે લાભ લેતા હોય છે. કામ કે સેવા ઓછી કરે પણ વાહવાહ ઘણી બોલાવે! એવા લોકોને ચાબૂક ફટકારતી ચોવક છે: “પાટઇજી પેડીને હજાર જો હુલ્લ અહીં ‘પાટઇ’ શબ્દ વપરાયો છે, જે કચ્છમાં એક ‘માપ’નું સાધન હતું. અને ‘હુલ્લ’ એટલે હલોગલો કે અફવા એવો અર્થ થાય છે. ‘પાટઇ’ એક નાનકડો માપ હતો. ચોવકનો મતલબ એવો કાઢી શકાય કે, કામ તો મુઠ્ઠીમાં સમાય તેટલું જ કર્યું હોય પણ યશ ખોબા જેટલો મેળવે!
‘પાટઇ’ શબ્દ અન્ય કેટલીક ચોવકોમાં વાપરવામાં આવ્યો છે. “પાટઇ પવાલા ખોટા પ માપ પ ખોટા? સીધો અર્થ એવો થાય છે કે, ‘નાના’ સાથે ‘મોટા’ની સરખામણી ન થઇ શકે. આ ચોવક પર ફરી એકવાર નજર નાખજો મિત્રો. ચોવકમાં બે વખત માત્ર એક અક્ષરનો ન પ્રયોગ કરવામાં આવ્યો છે. એ ટૂંકાક્ષરી કચ્છી ભાષાનાં દર્શન કરાવે છે. અહીં એ ‘પ’ ‘પણ’ના અર્થમાં વપરાયો છે.
કોઇ મોટા કામનો પ્રારંભ થઇ જાય એટલે એમ કહેવાય કે “પા શેરે મેં પેલી પૂણી ગુજરાતીમાં પણ આપણે બોલતા હોઇએ છીએ કે, “પા શેરામાં પહેલી પૂણી પણ એવા મોટાં અને મહત્ત્વનાં કામમાં વિલંબ થાય કે ઢીલાસ વરતાય ત્યારે ચોવક એમ કહે છે કે, “પાટઇ મિંજા પવાલો પ નાંય પીસાણું અર્થ સમજી એ : એક પાટી માપનો લોટ દળવાનો હોય, પણ તેમાંનો એક પવાલો અનાજ પણ નથી દળાયું! એ રીતે અહીં મોટાં કામ ન થવા બાબતે રૂપકનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
એક ચોવક છે : “બરે ઘર મિંજા કખ નિકરે સે ખાસા ચોવકમાં જોકે ભારોભાર વ્યથા ભરેલી છે. સીધો અર્થ એ થાય કે ઘર બળી ગયા પછી જો એમાંથી બે તણખલાં પણ બચી ગયાં હોય અને હાથ લાગે, એ પણ સારું! ઉદાહરણ બળતાં ઘરનું આપ્યું છે પણ, જયારે બધું જ જવા બેઠું હોય ત્યારે જે કંઇ બચાવી શકાય તે કામ લાગે છે. સંબંધિત કહેવતો છે: ‘ભાગતા ભૂતની ચોટલી’ અને ‘જે બચ્યું તે બાપનું!’
તમે જોયું હશે કે, ઘણા લોકો કરકસરના નામે લોભ કરતા હોય છે. તેમ કરતાં ક્યારેક મોટું નુકસાન પણ વેઠવું પડતું હોય છે. ત્યારે ચોવક કહે છે કે, “પંજ ન ખરચીયેં સે પિંજી ખરચીયે જે પાંચ રૂપિયા પણ ન ખરચે તેણે પચીસ ખરચી નાખવા પડે!
આવા જ સંજોગોને સ્પર્શતી, પણ થોડી અલગ પડતી એક ચોવક છે: ‘પાયલે જો કપા નેં પોંણી કોરી પિંજાણી’ ‘પાયલો’ એ કચ્છ રાજ્યનું ચલણ હતુંં. જેનું મૂલ્ય ‘એક ટકા’ જેટલું જ હતું. એવા એક પાયલાથી ખરીદેલા કપાસની પિંજામણ પોણો કોરી ચૂકવવી પડે. તો એ સરવાળે મોંઘું જ ગણાય ને? આ ‘કોરી’ પણ કચ્છી ચલણનું નામ છે. ગુજરાતીમાં આપણે બોલતા જ હોઇએ છીએ કે: ‘ઘાટ કરતાં ઘડામણ મોંઘું’ બસ એવો જ અર્થ થાય છે કે, મૂળ ચીજ કરતાં તેની માવજત મોંઘી પડે!
આપણે હમણાં લોભી વૃત્તિના લોકો અંગેની ચોવક માણી. એવી લોભી વ્યક્તિને જયારે કંઇ જ ફાયદો ન થાય ત્યારે એમ કહેવાય કે “બાઇ રિઇ બીં કનાં મતલબ કે બધી બાજુથી લાભ ગુમાવવો. અહીં ‘બાઇ’ શબ્દ સ્ત્રીનો પ્રતીકાત્મક રૂપે મૂકવામાં આવ્યો છે. ‘બીંકના’ એટલે બન્ને બાજુથી. સ્ત્રીને પ્રતીક રાખીને બનાવેલી બીજી પણ એક ચોવક છે: ‘બાઇ જો બેર આંને અઢઇ શેર’ મતલબ કે, લેખાં જોખાં કે કોઇકની સરખામણીમાં ફાયદો જોવા ન મળે કે ઊતરતી કક્ષા જણાય ત્યારે આ ચોવક વપરાય છે.