ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 12 તુઘલક લેન ખાતેનું તેમનું શાસકીય નિવાસસ્થાન છોડ્યું હતું. સાંસદપદ રદ થયા બાદ તેમને આ ઘર છોડવા નોટિસ આપવામાં આવી હતી અને 22 એપ્રિલ સુધીનો સમય આપવામા આવ્યો હતો. રાહુલ ગાંધીએ સુરતની નિચલી અદાલતના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત ન મળતા તેમનું સાંસદપદ પુનઃસ્થાપિત થઈ શક્યું ન હતું.
આખરે પ્રોટોક્લ પ્રમાણે ગાંધીએ ઘર છોડવાનો વારો આવ્યો છે. ઘર છોડતા સમયે તેમણે ભારતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હું દેશની જનતાનો આભાર માનું છું કે મને અહીં 19 વર્ષ રહેવા મળ્યું. મને સત્ય બોલવાની સજા મળી છે, પરંતુ હું સાચું બોલવા માટે ગમે તે કિંમત આપવા તૈયાર છું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી બીજી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું માતા સોનિયા ગાંધી સાથે 10 જનપથ ખાતે રહીશ.
શનિવારે ગાંધી બહેન પ્રિયંકા સાથે બે વખત આ ઘરમાં આવ્યા હતા.
મોદી અટક મામલે થયેલા માનહાનિના કેસમાં રાહુલને સજા થયા બાદ તેનું સાંસદપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલે 2019માં અમેઠી અને વાયનાડમાંથી ચૂંટણી લડી હતી, જેમાં અમેઠીમાંથી તેમને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પરાજિત કર્યા હતા જ્યારે વાયનાડમાં તેમની જીત થઈ હતી.