દિલ ચાહતા હૈ -પાર્થ દવે
આવતી કાલે ૨૦૨૨નું વર્ષ પૂરું થશે. બોલીવુડના નામે હિટ ફિલ્મ તરીકે ‘બ્રહ્મા’ ને ‘ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મો છે. જે એકચ્યુઅલી, બોક્સ ઑફિસ પર સફળ રહી હતી, બાકી ઠિકઠાક જ હતી. ‘દૃશ્યમ ૨’ પણ પહેલી ‘દૃશ્યમ’ જેવી કે ઑરિજનલ મલયાલમ ‘દૃશ્યમ ૨’ જેવી નહોતી જ બની. આ વર્ષ દક્ષિણ ભારતીય ફિલ્મોનું રહ્યું, જે ડબ્ડ થઈ પેન ઇન્ડિયા સુધી ફેલાઈ.
જોકે, હમણાં યાદ આવે છે આ વર્ષે વિદાય થયેલા સિતારાઓ, જેમણે સિનેમામાં પ્રદાન આપ્યું છે. વર્ષની શરૂઆતે – ૧૭મી જાન્યુઆરીએ જાણીતા કથક ડાન્સર પંડિત બિરજૂ મહારાજ વિદાય પામ્યા. સંગીત નાટક અકાદમી એવૉર્ડથી સન્માનિત, પદ્મ વિભૂષણ એવા બિરજૂ મહારાજને યાદ કરતાં વિશ્ર્વરૂપમ્ એક અને બે, દેઢ ઈશ્યિકા તથા દેવદાસનાં ગીતો જોઈએ છીએ!
૬ઠ્ઠી ફેબ્રુઆરીએ લતા મંગેશકરનો અવાજ થંભી ગયો. સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો. નાઇન્ટિઝમાં મોટી થયેલી યુવા-પેઢીને આજે ‘દિલ તો પાગલ હૈ’થી કરીને ‘વીર ઝારા’નાં ગીતો હૈયે છે. એ પહેલાની અને એથીય પહેલાની ફિલ્મોનાં ગીતો તો અલગ જ. લતા મંગેશકરનો અવાજ જ તેમની ઓળખ હતી..
૧૬મી ફેબ્રુઆરીએ ૬૯ વર્ષીય બપ્પી લહેરી અલવિદા કહી ગયા. સિત્તેર-એંશી દશકમાં એકથી એક ચડિયાતાં હિટ ગીતો આપનારા બપ્પી લહેરી ડિસ્કો કિંગ હતા. રિયાલિટી શોઝમાં કે એરપોર્ટ પર સોનું પહેરીને બેઠેલા બપ્પી લહેરીની એક અલગ સ્ટાઈલ હતી. જે લોકોને હંમેશ યાદ રહેશે. ક્રિશ્નકુમાર કુન્નથ ઉર્ફે કેકે ૫૩ વર્ષે, અચાનક જ ગયા. કોલકત્તાના એક કોલેજ ફેસ્ટિવલમાં કેકે પરફોર્મ કરતા હતા. અને ત્યાં જ તેમને ગભરામણ થતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગુલઝારસાહેબે ‘માચિસ’નું ‘છોડ આયે હમ વો ગલિયાં’ કેકે પાસે ગવડાવ્યું હતું. તે તેમનું પહેલું હિન્દી ગીત. ત્યાર બાદનાં ગીતો તો મોઢે હશે જ..
કેકેના બે દિવસ પહેલા કૉંગ્રેસી નેતા અને પોપ્યુલર સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા થઈ. પંજાબમાં તેમની જબરી ફેન ફોલોઇંગ હતી. ૨૦૧૮માં સિદ્ધૂએ પોતાનું પહેલું આલ્બમ રિલીઝ કર્યું હતું. તેમના જટ્ટ દા મુકાબલા, દાઉદ, બૈડફેલા જેવાં ગીતો લોકપ્રિય હતાં. સિદ્ધૂ મૂસેવાલાના મૃત્યુ બાદ તેમનાં ગીતો રિલીઝ કરવામાં આવ્યા હતા.
આ વર્ષે આપણે એકાધિક ગાયકો ગુમાવ્યા. એક ઔર નામ: ભૂપિંદર સિંહ. ૧૯ જુલાઈએ, ૮૨ વર્ષીય ભૂપિંદર સિંહ ગયા. તેમણે હિન્દી ગીત અને ગઝલની સાથે ગુજરાતી ગીતો પણ ગાયા છે. ભવની ભવાઈનું પાછું વળી ને જોયું ના, પ્રેમ લગ્નનું જે કાલ હતું તે આજ નથી, રેતીના રતનનું લાડકડો મારો નણંદિયો, શેઠ સગાળશાનું વારે ધાજો ગોકુળનાથ સહિતનાં ગીતો ગાયા છે.
આ ઉપરાંત મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા રમેશ દેવ, મલયાલમ ફિલ્મોની અભિનેત્રી કેપીએસી લલિતા, ઍક્ટર તથા ‘પરિંદા’ જેવી ફિલ્મોનો સ્ક્રીનપ્લે લખનારા – રાઇટર શિવ કુમાર સુબ્રહમણ્યમ, તેલુગુ અને હિન્દી સિનેમાના મેકર ટી રામા રાવ, જાણીતા સંતૂર વાદક પંડિત શિવ કુમાર શર્મા, ‘ભાભીજી ઘર પર હૈ’ના ઍક્ટર દીપેશ ભાન, ‘રેડ્ડી’ અને ‘ગદર’ જેવી ફિલ્મો તથા અઢળક સિરીયલો કરનાર મિથિલેશ ચતુર્વેદી, સ્ટેન્ડ-અપ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ, દિગ્ગજ અભિનેતા અરુણ બાલી, નાના પડદાના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી, વિતેલા જમાનાના અભિનેત્રી તબસ્સુમ અને દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે: આટલા તારલાઓ આ વર્ષે ખર્યા. આ લોકોનો નામોલ્લેખ એટલે કર્યો કે આમણે ક્યાંક ને ક્યાંક આપણું જીવન વધુ મનોરંજક, વધુ રંગીન બનાવ્યું છે.
આવતા વર્ષે દરેક ઇન્ડસ્ટ્રી ફૂલેફાલે તેવી પ્રાર્થના સાથે, ગુડ બાય ૨૦૨૨!
———-
નયનતારા-પૃથ્વીરાજની ‘ગોલ્ડ’ ન ચાલી: ઓટીટી પર રિલીઝ કરી દેવાઈ
૧લી ડિસેમ્બરે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘ગોલ્ડ’, એક મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. આમ તો ઓટીટી પ્લેટફોર્મ્સનો આ પ્લસ પોઇન્ટ પણ કહી શકાય. કારણ કે અઢળક કલાકારોથી ભરપૂર આ ફિલ્મ બોક્સ ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. થિયેટરમાં લોકો ન જતા આ ફિલ્મ તરત જ ઓટીટી પર રિલીઝ કરી દેવાઈ. ફિલ્મમાં કેરળના અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને દક્ષિણ ભારતીય અભિનેત્રી નયનતારા મુખ્ય પાત્રમાં છે.
એ તો ઠિક, પણ ‘ગોલ્ડ’ ફિલ્મ વિશે અહીં લખવાનું કારણ શું છે? કારણ એ કે ફિલ્મના ડિરેક્ટરનું નામ આલ્ફોન્સ પૃથરન્ છે. જેમણે ‘પ્રેમમ્’ નામક ફિલ્મ બનાવી છે. ૨૦૧૫માં આવેલી ‘પ્રેમમ્’ કમિંગ-ઑફ-એજ રોમેન્ટિક ફિલ્મ હતી. નિવિન પૌલી અને સાઈં પલ્વવી સહિતના કલાકારોને ચમકાવતી ‘પ્રેમમ્’ સૌથી વધારે કમાણી કરનાર મલયલામ્ ફિલ્મ સાબિત થઈ હતી. તે કેરળમાં ૧૫૧ દિવસ અને તમિલ નાડુમાં ૩૦૦ દિવસો સુધી ચાલી હતી. આ ફિલ્મના ગીતો અત્યંત લોકપ્રિય થયા હતા. ફિલ્મનાં લેખક, ડિરેક્ટર, ઍડિટર આલ્ફોન્સ પૃથરન્ ૬ વર્ષ બાદ ગોલ્ડ લઈને આવ્યા. ગોલ્ડનું પણ લેખન, દિગ્દર્શન, ઍડિટિંગ વગેરે આલ્ફોન્સે જ કર્યું છે. ઉપરાંત સ્ટન્ટ કોરિયોગ્રાફી, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા કલર ગ્રેન્ડિંગ પણ તેમનું જ છે.
આ ફિલ્મ પાસે ‘પ્રેમમ્’ના ચાહકોને તેમ જ આલ્ફેન્સ પૃથરન ખુદને બહુબધી અપેક્ષા હતી, જે પૂરી ન થઈ. ‘પ્રેમમ્’ અને એ પહેલાની પૃથરનની ‘નેરમ’ના ચાહક હોવાથી ગોલ્ડ જરૂર ઘરે જોવાશે!