ચીનઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂર્વ લદાખમાં ભારત-ચીન બોર્ડર પર તહેનાત ચીની સૈનિકો સાથે વીડિયો લિંકના માધ્યમથી વાત કરી હતી. શી જિનપિંગે આ આ સૈનિકોને પીપલ્સ લિબ્રેશન આર્મીના હેડક્વાર્ટરથી સંબોધિત કર્યા હતા અને સૈનિકોની યુદ્ધની તૈયારીઓની માહિતી મેળવી હતી. ચીનની સરકારી મીડિયાએ આ વાતની માહિતી આપી હતી. પૂર્વી લદાખ સ્થિત ભારત-ચીનની બોર્ડર દુર્ગમ સ્થાનોમાંથી એક છે અને શિયાળામાં અહીં તાપમાન 20-30 ડિગ્રી માઈનસમાં જતું રહે છે. આ બોર્ડર પર ચીન અને ભારતના હજારો સૈનિક તહેનાત છે.
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ જિનપિંગે લદાખ બોર્ડર પર તહેનાત ચીની સૈનિકો સાથે ચર્ચા મહત્ત્વની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શી જિનપિંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સૈનિકો સાથે સંવાદ સાધ્યો હતો. હાલમાં આ ક્ષેત્રમાં સતત પરિવર્તન આવી રહ્યા છે અને આ પરિવર્તનો કઈ રીતે આર્મી પર અસર કરી રહ્યા છે એ વિશે ચર્ચા કરી હતી. તમારી જાણ માટે કે શી જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના મહાસચિવ પણ છે અને તે પીએલએના કમાંડર ઈન ચીફ પણ છે.
સૈનિકો સાથેની ચર્ચા વિચારણામાં જિનપિંગે એ વાતની માહિતી મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો કે ચીની જવાન યુદ્ધ માટે કેટલી હદે તૈયાર છે. ચીની એજન્સીના જણાવ્યા અનુસાર એક સૈનિક જિનપિંગને જણાવ્યું હતું કે ચીની સૈન્ય 24 કલાક સજાગ રહીને બોર્ડરની સુરક્ષા કરી રહ્યા છે.
એટલું જ નહીં જિનપિંગે ચીની સૈનિકોના હાલચાલ જાણવાનો પ્રયાસ પણ આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો અને તેમને પૂછ્યું હતું કે શું તેમને આ ઋુતુમાં પણ આવી દુર્ગમ જગ્યા પર તાજા શાકભાજી મળી રહ્યા છે કે નહીં?