ચીનમાં છેલ્લાં કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સરકારે તેની ઝીરો કોવિડ પોલિસીને દેશભરમાં લાગુ કરી છે. કડક પ્રતિબંધોને કારણે લોકોની આજિવિકા પ્રભાવિત થઈ રહી છે જેને કારણે છેલ્લાં એક અઠવાડિયાથી વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શંઘાઈથી લઈને બિજિંગ સુધી અને વુહાનથી લઈને શિનજિયાંગ સુધી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શનમાં લોકો કોરા કાગળ લઈને શાંતિથી વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન દુનિયાભરમાં ચર્ચાનું કારણ બની રહ્યું છે.
ચીનમાં છાશવારે વિરોધ પ્રદર્શન થતા હોય છે, પરંતુ સત્તા ભોગવી રહેલી કમ્યુનિસ્ટ પાર્ટી સામે વિરોધ કરવો ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ ચીની નાગરિકોએ કોરા કાગળ લઈને રસ્તામાં રેલી કાઢી હતી. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની અસહમતિની સેંસરશિપની પ્રતિકાત્મક રૂપે આલોચના કરવા માટે કોરા કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકર્તાઓનું માનવું છે કે આવી રીતે પ્રદર્શન કરવાથી સરકાર તેમને અરેસ્ટ કરી શકે નહીં. ચીની નાગરિકો આ પ્રદર્શનને શ્વેત પત્ર ક્રાંતિ અને A4 ક્રાંતિ પણ કહી રહ્યા છે.