દુનિયાભરમાં ઇન્ટરનેટ એડિક્શનની સમસ્યા મોટા પાયે છે અને ચીન પણ તેમાંથી બાકાત નથી. લોકોને ઇન્ટરનેટના આ વળગણમાંથી છોડાવવા માટે ચીનના સત્તાવાળાઓએ ઘણા પ્રયાસો કર્યા છે. ચીનમાં છોકરાઓએ ઓનલાઈન ગેમ્સ કેટલા કલાક રમવી એના પણ કાયદા છે. ચીનમાં જારી કરાયેલા સરકારી નિયમો હેઠળ ચીની બાળકો અને કિશોરોને શાળાના દિવસોમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ છે અને સપ્તાહના અંતે અને રજાના દિવસે એક કલાક સુધી જ તેઓ ઓનલાઈન ગેમ્સ રમી શકે છે. 2019 માં ચીનમાં એવો કાયદો હતો કે બાળકો અઠવાડિયામાં માત્ર ત્રણકલાક જ ગેમ્સ રમી શકે. હવે 2021 બાદ આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે અને એ મુજબ 18 વર્ષથી નીચેના છોકરાઓ અઠવાડિયામાં માત્ર શુક્રવારે જ દિવસના એક કલાક ઓનલાઇન ગેમ રમી શકે છે. ચીનના નવા વર્ષમાં આપવામાં આવતી અઠવાડિયાની રજાઓમાં છોકરાઓ રોજ એક કલાક ગેમ રમી શકે એ પ્રકારની મંજૂરી આપવાની યોજના કરવામાં આવી રહી છે.